અબડાસામાં જખૌ બંદર ખાતે માછીમારો દ્વારા કાચા - પાકા દબાણો કરવામાં આવ્યા છે.જે વાત તંત્રના ધ્યાને આવતા સર્વે કરીને નોટિસ આપવામાં આવી હતી.જે બાદ ઘણા દબાણકારોએ તો સ્વેચ્છાએ મકાનો તોડી નાખ્યા હતા. જોકે આ બંદરે તંત્ર દ્વારા દબાણ તોડવા માટે મન મક્કમ બનાવતા માછીમારો દ્વારા સ્થાનિકે અને હવે જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે.
જખૌ બંદરે જો દબાણ હટશે તો માછીમારો માટે રહેવાની કોઈ વ્યવસ્થા રહેશે નહિ.જેથી મત્સ્યપ્રવુતી બંધ થઈ જશે નાપાક ગતિવિધિઓ વધી જશે તેવો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે.જેથી સ્થાનિક રોજગારી જાળવવા કાચા - પાકા મકાનો ન તોડવા રજુઆત કરવામાં આવી છે.
જખો બંદરે સરકાર તરફથી માછીમાર તથા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો માટે રહેણાંક તથા ધંધાની જગ્યાની કોઈ વ્યવસ્થા કરાઈ ન હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે હાલે જખૌ ગ્રામ પંચાયતની પરમીશન સાથે રહેણાંક તથા ધંધાની જગ્યા ઉભી કરવામાં આવી છે.
જખૌના દરિયામાંથી મળતી માછલી વિદેશી હુંડિયામણ રળી આપે છે.જો સરકાર તરફથી માછીમારોના રહેણાંક અને ધંધા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહિ આવે અને દબાણ તોડવામાં આવશે તો માછીમારોનો ધંધો પડી ભાંગશે અને માછીમારીના વ્યવસાય પર અસર પડશે તથા બદઈરાદા સાથે આવતા લોકોની પ્રવૃત્તિમાં ઉછાળો આવશે જેથી સ્થાનિક રોજગારી જાળવવા કાચા - પાકા મકાનો ન તોડવાની રજુઆત માછીમારો દ્વારા કલેકટરને કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.