હવે આરપારની લડાઇ:નર્મદાના વધારાના પાણી માટે સરકારને આખરી મહેતલ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં ભારતીય કિસાન સંઘે યોજેલા ધરણામાં હજારોની સંખ્યામાં કચ્છભરના ધરતીપુત્રો તેમજ વિવિધ સમાજોના લોકો જોડાયા
  • 10 દિવસમાં વહીવટી મંજૂરી નહીં ​​​​​​​મળે તો છેવટે સાંસદ, ધારાસભ્યોને ઘેરાવ, રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર, કચ્છ બંધ સહિતના વિરોધ પ્રદર્શનની ચીમકી

નર્મદાના વધારાના પાણી કચ્છને આપવા માટે વર્ષ 2006માં યોજના બનાવાયાના દોઢ દાયકા બાદ પણ આ પ્રકલ્પને મૂર્તિમંત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામા આવી નથી. આ અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા વખતો વખત રજૂઆત કરવા છતાં રાજ્યના શાસકોના પેટનું પાણી ન હલતાં સરકારના કચ્છ પ્રત્યે ઓરમાયા વલણથી નારાજ હજારો ખેડૂતોએ ભુજના ટીન સિટી ગ્રાઉન્ડમાં ધરણા કર્યા હતા. કિસાન સંઘ યોજિત આ કાર્યક્રમમાં નર્મદાના વધારના નીરની વહીવટી મંજૂરી માટે ચાલુ માસની 20 તારીખની આખરી મહેતલ અપાઇ હતી અને આ સમયગાળામાં માગ નહીં સંતોષાય તો આગામી સમયમાં કચ્છ બંધ સહિતનું વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.

વિવિધ સમાજો, સંસ્થાઓ અને સંપ્રદાયોના જાહેર સમર્થન સાથે યોજાયેલા ધરણાને સંબોધતાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર. કે. પટેલે કહ્યું હતું કે, પંચાયતથી લઇને કેન્દ્ર સુધી ભાજપની સરકાર છે ત્યારે નર્મદાના વધારાના એક મીલિયન એકર ફીટ પાણીને વહીવટી મંજૂરી આપવાનું કામ માત્ર બે મિનિટ લે તેમ છે આમ છતાં દોઢ દાયકાથી વિલંબ કરાઇ રહ્યો છે તે અકળાવનારો છે. તેમણે રામાયણના જાંબુવનનો કિસ્સો ટાંકતાં સરકાર પોતે શક્તિશાળી છે તેવા ભ્રમમાં ન રહે તેવી ગર્ભિત ચીમકી ઉચ્ચારીને આ મુદ્દે છેલ્લી વિનંતી છે જે સ્વીકારી લેવાશે તેમ કટાક્ષ કરતાં જણાવ્યું હતું.

પ્રદેશ ઉપપ્રમુખ શામજીભાઇ મ્યાત્રાએ નર્મદાના વધારાના પાણીથી માત્ર કિસાનો જ નહીં આમ લોકોને પણ ફાયદો થશે તેમ કહેતાં ઉમેર્યું હતું કે, આ જળથી કચ્છના નાના-મોટા તમામ જળાશયો ભરાઇ જાય તેમ છે જેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે અને સરવાળે રાજ્ય સરકારને પણ રેવન્યૂની ઉપજ થશે. વધારાનું પાણી મળશે તો સરહદી વિસ્તારો ધમધમતા થશે પરિણામે સુરક્ષા પણ વધશે તેમ તેમણે કહ્યું હતું.

જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ જણાવ્યું હતું કે, તેમના 22 મહિનાના પ્રમુખકાળ દરમિયાન 18 વાર અલગ અલગ જગ્યાએ નર્મદાના વધારાના પાણીની વહીવટી મંજૂરી માટે આવેદનપત્ર અપાયા છે. છેલ્લે તા. 24/12ના મહેતલ અપાઇ હતી જે દરમિયાન કોઇ પગલા ન લેવાતાં તા. 3/1ના તાલુકા મથકોએ ધરણા યોજાયા હતા તેમ છતાં સરકારની આંખ ન ઉઘડી તો 10 તારીખની મુદ્દત અપાઇ હતી.

હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને 20 જાન્યુઆરી સુધીની આખરી મહેતલ આપીએ છીએ. જો હજુ પણ સરકાર નહીં માને તો આગામી સમયમાં ધારાસભ્યો, સાંસદ તેમજ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર, કલેક્ટર કચેરી પાસે અચોક્કસ મુદતના ધરણા અને છેવટે કચ્છ બંધ સહિતનું વિરોધ પ્રદર્શન કરતાં ખચકાશું નહીં તેવો હુંકાર કર્યો હતો.

જિલ્લા મહામંત્રી ભીમજી કેરાસિયા સંચાલિત કાર્યક્રમમાં મંચ પર સંતો-મહંતો, વિવિધ સમાજના પ્રમુખ-મંત્રીઓ, કિસાન સંઘના જિલ્લા મંત્રી વાલજી લિંબાણી, કોષાધ્યક્ષ હરજી વોરા, ઉપપ્રમુખો ભચાભાઇ માતા, ભગવાનભાઇ પાંચાણી, રામજી છાંગા, પુરૂષોત્તમ પોકાર, વાલી ડાયાભાઇ રૂડાણી, મોહનભાઇ લિંબાણી, માવજી જાટિયા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકીય પ્રતિનિધિઓમાંથી એકમાત્ર અબડાસાના ધારાસભ્યે ટેકો આપ્યો
કિસાનો દ્વારા છેડાયેલી લડતને કચ્છમાં એકમાત્ર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જાહેર સમર્થન આપ્યું હતું. તેમણે પાઠવેલી યાદીમાં જણાવાયું હતું કે, તેમના મત વિસ્તારના નખત્રાણા, લખપત અને અબડાસા એમ ત્રણેય તાલુકામાં વરસાદ આધારિત ખેતી થાય છે. કચ્છમાં ચોમાસું અનિયમિત હોતાં અછતના વિકટ સમયે આ તાલુકાના છેવાડાના ગામોમાં પશુ પાલકો અને ખેડૂતોની હાલત કફોડી બને છે જેની પ્રતિકૂળ અસરો અન્ય વ્યવસાય પર પણ પડે છે. કચ્છ માટે નર્મદાના નીર અતિ આવશ્યક હોતાં કિસાન સંઘની રજૂઆતને સરકાર સુધી પહોંચાડાશે તેવી ખાતરી આપતાં ધારાસભ્યે લડતને ટેકો જાહેર કર્યો હતો.

તમામ 10 તાલુકામાંથી કિસાનો ઉમટી પડ્યા
પૂર્વના રાપરથી લઇ પશ્ચિમે લખપત એમ તમામ તાલુકાના ગામોમાંથી હજારોની સંખ્યામાં ઉમટેલા કિસાનો શિસ્ત પૂર્વક ધરણામાં જોડાયા હતા. કિસાન સંઘે કરેલા દાવા મુજબ 9 હજાર જેટલા ધરતીપુત્રો હાજર રહ્યા હતા. લખપતના અંતરિયાળ અને સરહદી ગામોમાંથી પણ કૃષિપુત્રો ભુજના ધરણામાં આવ્યા હતા જે કચ્છ માટે નર્મદાના વધારાના પાણી કેટલા જરૂરી છે તેનું મહત્વ સૂચવી જાય છે.

ખેતીવાડીમાં મીટર પ્રથાનો પ્રચંડ વિરોધ થયો
હાલે ખેતીવાડીમાં હોર્સ પાવર આધારિત તેમજ મીટર લગાવીને વીજ જોડાણ અપાય છે. હોર્સ પાવરવાળા કનેક્શનની તુલનાએ મીટર હોય ત્યાં વીજ બિલ વધારે આવે છે. તેની સામે ખેત પેદાશોના ભાવ એક સમાન હોય તો વીજળીનું બિલ પણ એક સરખું શા માટે નહીં તેવા સૂર સાથે મીટર પ્રથા મરજીયાત કરવાની માગ ધરણા દરમિયાન ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...