માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં:રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયાં, ભચાઉ, અંજાર અને ભુજ તાલુકામાં પણ વરસાદી ઝાપટાં

ભુજ2 મહિનો પહેલા
  • રાયડો, એરંડા, જીરુ, જુવાર વગેરેના પાકને નુકસાનની ભીતિ

હવામાન વિભાગની ઘણા દિવસ વરસાદ પડવાની આગાહી મુજબ વાગડના રાપર વિસ્તારમાં ગઈકાલે બુધવારે મોડી રાતથી આજે સવાર સુધી વ્યાપક કમોસમી વરસાદ પડ્યો હતો. જેને પગલે રાપરના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને અનેક ખેતરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા. તો બીજી બાજું જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ માવઠું પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. માવઠાના પગલે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે અને વાતાવરણ ડહોળાયેલું બની ગયું છે. વાતાવરણની સીધી અસર ખેડૂત વર્ગને પ્રભાવિત કરતાં પાકને લઈ ચિંતા ફેલાઈ છે.

રાપરના આડેસર હાઇવે પટ્ટીના ગામોમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. તો આજ સવારથી રાપરના મણાબા, મોટી રવ, બેલા, ટગા, કુડા જામપર, ખેંગારપર, ગેડી, રામવાવ, ધબડા, બલાસરા, મોવાણા, બેલા વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અને હજુ વાતાવરણ ગોરંભાયેલું રહેતા વધુ ઝાપટા પડી શકે છે એવું રાપરના દિપુ જાડેજાએ જણાવ્યું હતું.

બીજી તરફ પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પણ હળવું ઝાપટું પડ્યું હતું. જ્યારે ભુજ તાલુકાના લોરીયા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર જિલ્લામાં વાતાવરણ ધૂંધળું બની જતા ઠંડીનું જોર વધી જવા પામ્યું હતું.

માવઠાની માઠી અસર ખેડૂતવર્ગને પહોંચવાની ભીતિ છે. ભચાઉ તાલુકા કિસાન સંઘના મંત્રી રાજેશ ઢીલાએ જણાવ્યું હતું કે સીઝનમાં દોઢ માસ સુધી વરસાદ ન પડ્યો અને ત્યારબાદ સતત એક માસ સુધી વરસાદ પડ્યો હતો. જેના કારણે અછત અને અતિવૃષ્ટીના કારણે મોટા ભાગનો પાક બગડ્યો હતો. તેમાં જે બચેલો પાક જેમકે તલ, મગ, મઠ, અડદ, બાજરી વગેરે હાલ ખેતરમાં લણાય છે અથવા ખેતરમાં છે, એ તમામ પાકને નુકસાન પહોંચી શકે છે. એ સિવાય શિયાળુ પાક જુવાર, એરંડા, જીરુ, રાયડો સહિતના પાકમાં પણ નુકશાન થઈ શકવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...