ભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં મોટાબંધથી વરસાદી પાણી વાયા ક્રિષ્નાજી પુલ નીચેથી જાય છે. જે દાયકા જૂનો પુલ અને પુલની દીવાલો જર્જરિત થઈ ગઈ છે. જેની મરંમત હમીરસર તળાવના બ્યુટીફિકેશન હેઠળ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ, હમીરસરના બ્યુટીફિકેશનની સાથે ક્રિષ્નાજી પુલના દીવાલની મરંમત પણ ટલ્લે ચડાવી દેવાઈ છે. જેની હવે વેળાસર મરંમત નહીં થાય તો ગમે ત્યારે ધરાશાયી થાય એવી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.
છેલ્લા એકાદ દાયકાથી હમીરસર તળાવના બ્યુટીફિકેશનની વાતો થાય છે. પરંતુ, 2016/17માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે મુહૂર્ત નક્કી ગણી લેવાયું હતું. હમીરસર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હેઠળ ક્રિષ્નાજી પુલ પાસે રામકુંડને જોડતો પુલ પણ બનાવી દેવાયો હતો. જે બાદ હમીરસર તળાવની અંદર ઝરુખા કાઢવા મુદ્દે વિવાદ થયો હતો, જેમાં કોર્ટ મેટર બની હતી, જેથી તત્કાલિન કલેકટરે કામ સ્થગિત રાખવા આદેશ કર્યો હતો. જોકે, ઝરુખા સિવાયના કામમાં કોઈ કોર્ટ મેટર બની ન હતી. પરંતુ, ભુજ નગરપાલિકાના પદાધિકારીઅોઅે બાકીનું કામ પણ આગળ વધાર્યું નહીં, જેથી ક્રિષ્નાજી પુલની જર્જરિત દીવાલની પણ મરંમત ટલ્લે ચડી ગઈ. 2020માં કોરોનાની પ્રથમ લહેરના પ્રારંભે લોકડાઉન દરમિયાન પુલ ઉપરનો માર્ગ વન વે કરી દેવાયો હતો, જેથી અકસ્માત પણ સર્જાયો હતો, જેમાં જર્જરિત દીવાલ આડે ઊભી કરાયેલી હંગામી દીવાલ પણ ભાંગી ગઈ હતી. પરંતુ, લોકડાઉનના બહાને કામ આગળ વધ્યું ન હતું. જે હજુ સુધી હાથ ધરાયું નથી. હવે ચોમાસા બાદ શિયાળામાં કામગીરી હાથ ઉપર લેવાની વાત થાય છે, જેથી ચોમાસે અકસ્માતની તલવાર લટકી રહી છે.
ટી.એસ. મંજુરીની વિધિ ચાલે છે : ઈજનેર
ભુજ નગરપાલિકાની બાંધકામ શાખાના ઈજનેર અરવિંદસિંહ જાડેજાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હમીરસર તળાવની અંદર ઝરુખા કાઢવા સિવાયનું બ્યુટીફિકેશનનું કામ હાથ ઉપર લેવાયું છે, જેમાં ક્રિષ્નાજી પુલની મરંમત પણ થવાની છે. જે માટે ટી.એસ. (તાંત્રિક મંજુરી) લેવાની બાકી છે. ચોમાસા બાદ શિયાળામાં દિવાળી દરમિયાન મરંમત શરૂ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.