તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાતમ-આઠમના તહેવારમાં મીઠાઈ અને ફરસાણનું વેચાણ અડધોઅડધ ઘટવાની ભીતિ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી, વિકએન્ડ અને આખર તારીખનું પરિબળ જવાબદાર

સાતમ આઠમના તહેવારોનો આરંભ થઈ ચૂક્યો છે પરંતુ આ વખતે ભુજમાં મીઠાઈ અને ફરસાણનું માત્ર અડધું જ વેચાણ થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરસાણ વિક્રેતાઓએ કહ્યું કે,સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ ગયો છે જેથી ભાવ વધી જતાં ફરસાણ મોંઘા થઈ ગયા છે તો મીઠાઈના વેપારીએ કહ્યું કે, હાલમાં દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો થયો હતો ઉપરાંત છૂટક વેચાણમાં પણ ભાવ વધ્યા છે જેથી ઘીના ભાવ વધી ગયા છે.

બીજી તરફ અફઘાનિસ્તાનની સ્થિતિના કારણે બદામ સહિત ડ્રાયફ્રુટના ભાવમાં અડધો અડધ ભાવ વધારો આવી ગયો છે જેથી મીઠાઈની કિંમતમાં ભાવ વધારો કરવાની નોબત આવી છે રાંધણગેસના ભાવમાં આવેલો ઉછાળો પણ એટલો જ કારણભૂત છે તેવું ઉમેર્યું હતું. પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું કે, મોંઘવારીના કારણે મીઠાઈ ફરસાણ તો મોંઘા થઈ ગયા પણ કોવિડની સ્થિતિમાં લોકો પાસે બચત ખૂટી પડી છે.

બીજી તરફ આખર તારીખ હોવાથી ઘણા લોકો પાસે રૂપિયા નહિ હોય જેથી વધારે મીઠાઈ ફરસાણ ખરીદશે નહિ પોતાની જરૂરિયાત પર કાપ મૂકી અડધી મીઠાઈ ખરીદશે ઉપરાંત શનિ અને રવિવારે તહેવાર આવે છે ભુજમાં મેળો બંધ હોવાથી આ વખતે અમુક લોકો વિકેન્ડની રજા માણવા ફરવા જશે જેથી લોકોની ગેરહાજરી પણ મીઠાઈ અને ફરસાણના ધંધામાં મહત્વનો ભાગ ભજવશે આમ જોવા જઈએ તો ભાવ વધી ગયા અને લોકો પાસે રૂપિયા નથી જેમની પાસે નાણાં છે તેઓ ફરવા જશે જેથી આ વખતે વેચાણમાં અડધો અડધ ઘટાડો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે રાંધણછઠ્ઠ પણ મોંઘવારી દઝાડશે
સાતમ આઠમના તહેવારોની શૃંખલામાં આજે રાંધણછઠ્ઠ છે આજના દિવસે મહિલાઓ પોતાના ઘરે સાતમ માટે રસોઈ બનાવે છે આજે ઘરો ઘર પુરી,શક્કરપારા,ગુલાબજાબું, થેપલા સહિત અવનવા ફરસાણ અને મીઠાઈ બનાવવામાં આવશે.ઘણા લોકો બહારથી પણ વસ્તુઓ ખરીદતા હોય છે પરંતુ ગેસ સિલિન્ડર અને અન્ય ખાદ્ય ખોરાકીની વસ્તુઓમાં આવેલો ભાવવધારો મધ્યમ અને ગરીબ વર્ગને દઝાડશે તે નક્કી છે.

મુરલીધરના બાળ વૈભવની અનોખી મીઠાઇ
જન્માષ્ટમી નિમિત્તે ભુજના મિઠાઇના વેપારી શૈલેષભાઇ ઠક્કરે આ વર્ષે આકર્ષણરૂપ નવી મિઠાઇ બનાવી છે તેમણે ભગવાન કૃષ્ણની બાળલીલા અનોખા અંદાજમાં રજૂ કરી છે. આ મિઠાઇમાં મુરલીધરના બાળ વૈભવમાં કુદરતના સૌંદર્ય, રંગ છટાઓ વચ્ચે સુદર્શનધારીના વ્યક્તિત્વની યશકલગી સમુ મોરપીછ, પ્રેમના સુરો રેલાવતી મધુર વાંસળી, રાધા-ગોપીના દૃશ્યો તેમજ કાનૂડાને પ્રિય માખણ અને મટકીઓ સાથેનું મનોરમ્ય અને ભક્તિ સભર દૃશ્ય સાથેની મિઠાઇ કારીગરીમાં રજૂ કરી છે જે લોકોના મનમાં અંિકત થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...