કચ્છ જિલ્લામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા 5 વર્ષથી પર્યાવરણીય મંજુરી આપવામાં સુસ્ત વલણ અપનાવાયું છે, જેથી નાના મોટા 1000 કારખાના બંધ થઈ જવાની ભીતિ છે અને 2થી અઢી લાખ મજુરો અને ધંધાર્થીઓને બેરોજગારીનો ડર સતાવી રહ્યો છે. એવું કચ્છ બેન્ટોનાઈટ વેલ્ફેર એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં જણાવ્યું હતું.
શુક્રવારે ભુજમાં હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ થવાનું હતું, જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લામાં આવ્યા હતા. એ અવસરે કચ્છ બેન્ટોનાઈટ વેલ્ફેર એસોસિએશને મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોથી નવી ખનીજ નીતિ મુજબ માઈનિંગ પોલિસી મુજબ લીઝ એલોટમેન્ટ કરવાનું હોય. પરંતુ, તેના માટે બનાવાયેલા નિયમો કે કાર્યવાહી ખરેખર પ્રેક્ટિકલ ધોરણે વાજબી ન હોવાના કારણે પાંચ વર્ષોમાં એક પણ લીઝ એલોટ કરવામાં આવેલી નથી, જેથી યોગ્ય સુધારા વધારાના અવકાશ ચકાસી તાત્કાલિક ધોરણે લીઝો ફાળવવામાં આવે એવી ઉદ્યોગકારોની માંગણી છે.
જે માટે આપના સ્તરેથી યોગ્ય થાય તો સરકારને રોયલ્ટીની આવક થાય, બેરોજગારીનો પ્રશ્ન હલ કરવા, ઉદ્યોગકારોને પૂરતો કાચો માલ મળી રહે અને કૃત્રિમ તંગીને કારણે લેભાગુ તત્ત્વો અન્ય અધિકારીઓની સાંઠગાંઠથી બે નંબરી માઈનિંગ પ્રવૃત્તિ બંધ થાય તેમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માઈનિંગ આધારિત ઉદ્યોગ માટે હવે માત્ર બે મહિનાથી પણ ઓછો સમય રહેલો છે. કેમ કે, વરસાદમાં લગભગ દરેક માઈનિંગ બંધ થઈ જતી હોય છે. એવી સ્થિતિમાં ઉદ્યોગકારો, આૈદ્યોગિક કર્મચારીઓ, મજુરો, સંલગ્ન ધંધાર્થીઓ અત્યંત મુશ્કેલી અનુભવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.