જિલ્લામાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા રવીપાકના વાવેતર બાદ હવે ઉભા થયેલા પાકને માવઠું, વધુ પડતી ઠંડી, ધૂમમ્સથી બચાવવા રાસાયણિક ખાતર ઉપયોગ સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો ક્યાંક પાક બચાવ માટે ખેડૂતો નવા કિમીયા પણ અજમાવી રહ્યા છે. આ જ પ્રકારનો એક પ્રયોગ નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામે ખેડૂત વર્ગ દ્વારા અમલમાં લવાયો છે. જેમાં ખેડૂતો ઉભા પાકને રક્ષણ આપવા પ્લાસ્ટિક આવરણનો સહારો લેતાં જોવા મળ્યા છે.
આ વિશે વધુ વિગતો આપતા નાના અંગિયા ગામમાં દાડમની ખેતી ક્ષેત્રે સારું પ્રદર્ષન કરનાર યુવા ખેડૂત મિત પારસિયાએ જણાવ્યું હતું કે , વિવિધ કુદરતી આપત્તિઓ, રોગચાળો ફૂગ તેમજ અન્ય બાબતોથી દાડમના પાકને રક્ષણ પુરુ પાડવા માટે પોતાની વાડીમાં દાડમના તમામ વૃક્ષોને સુરક્ષા કવચ પહેરાવવામાં આવી રહ્યું છે. જેના માટે અંદાજે રૂ. 9500માં મળતા પ્લાસ્ટિક પેપરમાંથી 10x8 ફૂટની સાઈઝના રોલને કટિંગ કરીને 264 જેટલા વૃક્ષોને રક્ષણ કવચ પુરુ પાડવામાં આવ્યું છે. જેમાં વૃક્ષ દીઠ રૂ. 36 જેટલો ખર્ચ થઈ રહ્યો છે. ઉપરાંત ટ્રેક્ટરથી આ કામગીરી કરવામાં આવતી હોવાથી ઓછા સમયમાં વધુ કામ થાય છે અને માનવ શ્રમના કલાકની પણ બચત થાય છે.
નખત્રાણા પંથકમાં છેલ્લા એક દાયકાથી ખાસ કરીને બાગાયતી પાકો લેવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે તાલુકાના નાના અંગિયા પંથકમાં દાડમના પાકના રક્ષણ માટે ખેડૂતો અદ્યતન ટેક્નોલોજીના સહારે પાકને રક્ષણ આપવા માટે પોતાની આગવી કોઠાસૂઝથી નીત નવા પ્રયોગો કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ મેળવી રહ્યાનું ખેડૂત બાદલ જોશીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.