તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણીની તૈયારીઓ:અબડાસાના ખેડૂતો વરસાદની રાહમાં

રાયધણજર3 મહિનો પહેલાલેખક: પિયુષ જોષી
  • કૉપી લિંક
  • હજી સુધી માત્ર ચાર મી.મી. જેટલો જ વરસાદ થતા જગતનો તાત ઝંખે છે, મેઘરાજાની કૃપા
  • પિયતની સગવડ છે ત્યાં મગફળી અને કપાસ જેવા પાકોનું વાવેતર થઇ ગયું

ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી ગુજરાતમાં સૌથી મોટા જિલ્લા તરીકે ઓળખાતા કચ્છમાં જેઠ માસની શરૂઆતમાં જ, પૂર્વ કચ્છમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને અબડાસા તાલુકાના મોટા ભાગમાં બિલકુલ વરસાદ ન થતાં ખેડૂતોએ જેઠ માસના પાછલા દિવસો અથવા અષાઢ માસની શરૂઆતના દિવસો તરફ મીટ માંડી છે.

ગત પખવાડિયે ઉપરા ઉપરી દિવસોએ પડેલા વરસાદના કારણે પૂર્વ કચ્છમાં મોટા ભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ થઇ જતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. અને પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ના બદલે માત્ર ઝાપટાં રૂપે વરસાદની હાજરી અથવા તો સદંતર ગેરહાજરીના કારણે ખેડૂતોની નજર આકાશ ભણી મીટ મંડાઈ છે. અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. કચ્છમાં જૂન માસમાં ભાગ્યે જ વરસાદ આવતો હોય છે. પણ આ વર્ષે પૂર્વ કચ્છમાં ખાસ કરીને અંજાર પંથકમાં આ સિઝનમાં અત્યાર સુધી 136 મિલી મીટર વરસાદ નોંધાયેલ છે, તો અબડાસામાં માત્ર 4 મિલી મીટર જેટલું માત્ર અમુક વિસ્તારમાં ઝાપટાં સ્વરૂપે વરસાદ પડેલ છે.

અબડાસા પંથકમાં મોટો ભાગમાં વરસાદ નહિવત છે. ગત વર્ષના આંકડા જોઈએ તો જૂન માસના અંતિમ સપ્તાહ સુધી અબડાસા તાલુકામાં 30 એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે, આ વર્ષે આંકડાકીય માહિતી જોઈએ હાલ ની સીઝનમાં માત્ર 4 એમ.એમ. વરસાદ નોંધાયો છે.

આ અંગે રાયધણજર ગામના ખેડૂત મહેશ્વરી દેવરાજ ભાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કચ્છ માં અષાઢી બીજ પછી વરસાદનું આગમન થતું હોય છે. ત્યારે હાલના સમયમાં વાતાવરણને જોતાં, નજીકના સમયમાં વરસાદ પડે તેવા અણસારો જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 અને 2020માં વિક્રમજનક વરસાદના કારણે ખેડૂતો મબલખ ઉત્પાદન મેળવેલ છે. ત્યારે, આ વર્ષે પણ સાર્વત્રિક અને સારો વરસાદ થવાના એંધાણ વરચે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જે વિસ્તારમાં પિયતની સગવડ છે ત્યાં મગફળી અને કપાસ જેવા પાકોનું વાવેતર થઇ ગયું છે. પણ જે વિસ્તારમાં પિયતની સગવડ નથી તે વિસ્તારોમાં મગફળી, મગ, તલ, ચોળા તેમજ રામમોલનું વાવેતર પહેલા સારા વરસાદ બાદ થતું હોય છે. જેથી ખેડૂતો વરસાદની રાહ જુએ છે.

ભૂતકાળમાં અબડાસામાં પડેલો વરસાદ
વર્ષ વરસાદ

2015 377 એમ.એમ
2016 382 એમ.એમ
2017 379 એમ.એમ
2018 390 એમ.એમ
2019 360 એમ.એમ
2020 375 એમ.એમ

અન્ય સમાચારો પણ છે...