સમસ્યા:વરસાદ ખેંચાતા ખેડૂતો નિરાશ : APMC ના ગોદામ ખાલી

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેત પેદાશ 25 ટકા માંડ થાય તેવી શક્યતા : શિવજીભાઈ

વરસાદ ખેંચાઇ જતા શહેરોની પાણી સમસ્યા તો કદાચ ઉકેલાઈ જાય, પરંતુ સૌથી વિપરીત અસર પડે તે ખેડૂતો પર. કચ્છમાં ભૂગર્ભ જળ પાંચસોથી બે હજાર ફૂટ સુધી નીચે ચાલ્યા ગયા છે, ત્યારે ખારાશ પણ વધી ગઈ છે. ખેતીલાયક પાણી ન રહેતા મહત્તમ આધાર વરસાદી પાણી છે. ચાલુ વર્ષે વરસાદ જરૂરિયાત કરતા ઘણો ઓછો પડ્યો છે. ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પરંતુ સમયસર વરસાદ ન આવતા હવે વ્યર્થ જાય અને માંડ 25 ટકા પાક મળે તેવી સંભાવના કિસાન સંઘ પ્રમુખ શિવજીભાઈએ વ્યક્ત કરી હતી.

એરંડો કે જે બારમાસી અને રોકડીયો પાક છે, તે ભુજના ખેતીવાડી ઉત્પન્ન બજારમાં ઓછો દેખાતા જે ગોદામ અને ચોક ભરેલા હોય તેની જગ્યાએ ખાલી પડેલા દેખાતા હતા. ચોમાસુ પાક બજારમાં દિવાળી પર આવે છે. તેથી હાલ એપીએમસીમાં ગુવાર, રાયડો, એરંડાના વેપાર થાય છે. મગફળી, મગ, ઈસબગુલ, વગેરે ઓકટોબર અને નવેમ્બરમાં માર્કેટમાં આવે છે તેવું જણાવતાં એપીએમસીના અધિકારી શંભુભાઇ બરારીયાએ જણાવ્યું કે, ગત વર્ષે કોરોના દરમિયાન બે મહિના આ બજાર બંધ રહી હતી, જો કે, શાકભાજીનો જથ્થાબંધ વેપાર રાબેતા મુજબ થયો હતો.

નકલી બિયારણ પણ ખેડૂતો માટે નુકસાનકારક
છેલ્લા થોડા વર્ષોથી નકલી બિયારણ વેંચવા માટે કચ્છના ગામડાઓમાં માર્કેટિંગ કરતા લોકો જોવા મળે છે. સસ્તા ભાવો જણાવી અને નકલી બિયારણ વેંચી જાય છે. નકલી બિયારણ પેકેટમાં રૂ. 500થી 1500ની કિંમત દર્શાવવામાં આવે છે. પરંતુ ખેડૂતોને આ નકલી બિયારણ ખુબ જ સસ્તા ભાવે ધબેડી દેવામાં આવે છે. આથી ખેડૂતો લાલચાયને આ નકલી બિયારણની ખરીદી કરે છે. કપાસીયાને ડિલીટીંગ કરી પાઉચમાં પેક કરી અમુક શખ્સો બિયારણો બનાવી વેચતા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે ખેડૂતો આવા તત્વોને ખૂલ્લા પાડવા આગળ આવે અને ફરિયાદ કરે તો ગુણવત્તા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી શકાય.