તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ સવારી જારી:અંજારમાં ધોધમાર : 2 કલાકમાં સાડા ત્રણ ઇંચ ખાબક્યો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘ સવારી જારી : સાર્વત્રિક મેઘ મહેરથી ખેડૂતો-માલધારીઓમાં ખુશી છવાઇ
  • મુન્દ્રામાં પોણા ત્રણ, ગાંધીધામ અઢી, ભચાઉ-માંડવીમાં સવા, ભુજમાં એક, નલિયામાં પોણો ઇંચ અને રાપર પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલી હેલી વરસી, નખત્રાણા અને દયાપરમાં રાત્રે ઝાપટા પડ્યા

કચ્છમાં જન્માષ્ટમીએ આવી પહોંચેલી મેઘ સવારી ત્રીજા દિવસે પણ વિવિધ વિસ્તારમા ફરી વળી હતી. લખપત પંથકને બાદ કરતાં જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ હતી. અંજારમાં રાત્રે 8થી 10 વાગ્યાના બે કલાકમાં ધોધમાર સાડા ત્રણ ઇંચ ખાબક્યો હતો તેની સાથે દિવસ દરમિયાન કુલ્લ સાડા ચાર ઇંચ પાણી વરસ્યું હતું. ભુજમાં એક, ગાંધીધામ અઢી,, મુન્દ્રામાં ત્રણ, ભચાઉ-માંડવીમાં સવા, અબડાસામાં પોણો ઇંચ અને રાપર પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલી હેલી વરસતાં ચોમેર ખુશી વ્યાપી ગઇ હતી. નખત્રાણા અને દયાપરમાં રાત્રે 11 વાગ્યાના અરસામાં મેઘાની ઝાપટા રૂપે એન્ટ્રી થઇ હતી. જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાંરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી.

{અંજારમાં સવાર-સાંજ ભારે ઝાપટા બાદ અનરાધાર
અંજારમાં સવારે 5 મીલિ મીટર વરસતાં રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા. સાંજે બીજા રાઉન્ડમાં વધુ 16 મીલિ મીટર સાથે પોણો ઇંચ કરતાં વધુ પાણી પડ્યું હતું. રાત્રે 8 વાગ્યાના અરસામાં ચડી આવેલા કાળા ડિબાંગ વાદળોએ દે ધનાધન વરસવાનું શરૂ કરતાં બે કલાકમાં 86 મીલિ મીટર એટલે કે, સાડા ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમરથી ઝાપટા રૂપે મેઘરાજા હાજર રહેતાં હજુ એ સારો વરસાદ પડશે તેવી આશા ધરતીપુત્રોમાં જાગી હતી.

{ગાંધીધામમાં ઝરમર બાદ સાંજે ખાબક્યો
ગાંધીધામમાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ સમયાંતરે ચાલું રહ્યો હતો. સાંજના સમયે વાદળા ઘેરાયા અને અચાનક મેઘરાજા વરસી પડ્યા હોય તેમ વરસાદ વરસાવ્યો હતો. જોરદાર વરસાદી ઝાપટાને કારણે એક તબક્કે સાંજના સમયે વાતાવરણ રાત્રિ જેવું ખડું થઇ ગયું હતું. સમયાંતરે વરસેલા વરસાદથી 62 મીલિ મીટરવરસતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે સાથે મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ થઇ હતી. અંદાજે અડધા કલાક સુધી વરસાદ વરસ્યા બાદ વિરામ લેતાં અગાઉ લોકો ગરમીથી અકળાયા હતા તેને રાહત પહોંચી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આદિપુર અને કંડલામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. જેને લઇને જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસતા વરસાદનો લોકોએ પણ આનંદ માણ્યો હતો.
{ભુજમાં રાત્રે 15 મિનિટ દે ધનાધન વરસ્યો
જિલ્લા મથક ભુજમાં દિવસભર વાદળો ઘેરાયેલા રહ્યા હતા અને પવનની ગતિ નહિવત રહેતાં શહેરીજનો બફારાથી અકળાયા હતા. રાત્રે 9 વાગ્યાના ગાળામાં એકાએક મેઘાએ વરસવાનું શરૂ કર્યું હતું અને 15થી 20 મિનિટમાં 1 ઇંચ પાણી પડ્યું હતું. એકાએક ખાબકેલા વરસાદથી શહેરના માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

{મુન્દ્રા પાલિકા બની તો પણ ચોમાસાની સમસ્યા ઠેરની ઠેર
મુન્દ્રામા મેઘરાજાએ આગમન કરતાં દિવસ દરમિયાન 71 મીલિ મીટર પાણી વરસી ગયું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સવારે 11.30ના સમયગાળા દરમ્યાન અડધો કલાક ભારે ઝાપટું પડતાં નગરમાં ચોમેર ખાબોચિયાઓનું સામ્રાજ્ય ફેલાયું હતું. વીજ પુરવઠો રાબેતા મુજબ ખોરવાયો હતો. ગુર્જરવાસ, મૈત્રી કોમ્પ્લેક્સ, હસનપીર બજાર,મચ્છીપીઠ, ઓસવાળ શેરી અને બસસ્ટેન્ડ પાસે પાણીના ભરાવાએ રાહદારીઓને બાનમાં લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રેનેજ સિસ્ટમ અને સુનિયોજિત ગટર યોજનાના અભાવે પાણીનો યોગ્ય નિકાલ ન થતા ચોમાસાની સીઝનમાં વર્ષોથી મોડે સુધી ભરાયેલા રહેતા દુષિત પાણીના ખાબોચિયાં રોગચાળાને ઈજન આપતા હોય છે. હવે સુધરાઈનો દરજ્જો મળ્યો છે ત્યારે માથાના દુખાવારૂપ બનેલી સમસ્યાઓનું કાયમી નિરાકરણ લોકો ઈચ્છી રહ્યા છે.

{રાપર તાલુકમાં સતત ત્રીજા દિવસે મહેર
રાપર તાલુકામા ત્રીજા દિવસે પણ મેઘમહેર અવિરત રહી હતી. ખાંડેક, ફતેગઢ, નાની મોટી હમીપર, ઉમેયા, પ્રાગપર, આડેસર અને હાઇવેપટ્ટીના માણાબા, કુંભારીયા, ચિત્રોડ, બાદરગઢ, પાલનપર, રામવાવ, સૂવઈ, ત્રંબો, જેસડા, રવ, અને પ્રાંથળ વિસ્તારના ગામડાઓમા એકથી દોઢ ઇંચ જેટલી મેઘમહેર થઇ હતી.

માંડવીમાં બપોર બાદ એકાએક માહોલ ગોરંભાયો
માંડવીમાં બપોરે માહોલ ગોરંભાયો હતો અને 30 મિનિટમાં અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. આસપાસના કોડાય, બિદડા, ગોધરા, રાયણ, મસ્કા, ગુંદિયાળી, લાયજા, આસંબિયા, ભાડઇ, ગઢશીશન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઝાપટા પડતાં કિસાન આલમમાં ખુશી છવાઇ હતી. વરસાદ બંધ થતાં ગરમી અને બફારાએ પુન: જોર પકડ્યું હતું. ભચાઉ પંથકમાં બીજા દિવસે પણ મેઘાની હાજરીભચાઉમાં સવારે ઝરમર અને બપોરે તેમજ સાંજના વરસાદી ઝાપટાં પડ્યા હતા.

મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ વિગત આપતા જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન 33 મીલિ મીટર વરસાદ નોંધાયો હતો. તાલુકાના ચોબારી, સામખિયાળી, મનફરા આધોઈમા પણ ઝાપટા પડ્યા હતા. લાકડિયામાં મોડી સાંજે ભારે ઝાપટું પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. શ્રાવણ માસ પૂરો નથી થયો તેવામાં મોડી મોડી મેઘ મહેર થતાં હજુ પણ સારો વરસાદ પડશે તેવી આશા ખેડૂતો અને માલધારીઓમાં જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...