છેતરપિંડી:ફેસબુક પરિચય કેળવી ભુજના ઠગોએ રાજસ્થાનના સોની વેપારીને લૂંટયો

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સસ્તામાં સોનું આપવાની લાલચ આપી 12.65 લાખની લૂંટ ચલાવાઈ
  • આરોપીઓ ​​​​​​​રોકડા લઈને ભુજ પહોંચે તે પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિરમગામ પાસે ઝડપી લીધા

રાજસ્થાનના અજમેરના કીશનગઢ ગામે સોના ચાંદીનો વેપાર કરતા વેપારીનો ભુજની ચીટર ટોળકીએ ફેસબુક પર સંપર્ક કરી સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને સાણંદ નજીક આવેલા શાંતિપૂરા ખાતે બોલાવી ગાડીમાં બેસાડીને છરીની અણીએ રૂ.12.65 લાખની લૂંટ કરી હતી.જે ગુનામાં સતકર્તાના કારણે ઠગબાજ ગેંગ ઝડપાઇ ગઈ છે.

અજમેરના કીશનગઢ ખાતે ગીરધારીદાસ રતનલાલજી સોની છેલ્લા 25 વર્ષથી સોના ચાંદીનો વેપાર કરી રહ્યા છે. તેઓ ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ આધારે આરોપીના સંપર્કમાં આવ્યા હતા અને સસ્તું સોનું આપવાની વાત થતા અમદાવાદ કચ્છ હાઇવે પર શાંતિપૂરા નજીક સોની પૈસા લઈને આવ્યો હતો ત્યારે આ 3 ઇસમોએ સ્કોર્પીયો ગાડીમાં સોનીને બેસાડી ઇયાવા ગામના પાટિયા પાસે લઈ જઈ છરી બતાવી અને સોનીને માર મારી રોકડા રૂ.12.65 લાખ ભરેલી બેગની લૂંટ કરી 10 ફેબ્રુઆરીએ ફરાર થઈ જતા સાણંદ જીઆઈડીસી પોલીસમાં સોનીએ ફરિયાદ નોંધાવી હતી.

જે ગુનાની તપાસમાં અમદાવાદ - ગ્રામ્ય એસ.ઓ.જી.શાખાને ચોક્કસ બાતમી હકિકત મળી કે,ધાડમાં સંડોવાયેલા આરોપી સફેદ ક્લરની સ્કોર્પિઓ ગાડીમાં વિરમગામ થઇ ભુજ ખાતે જનાર છે જેથી વિરમગામ સર્કલ ખાતે વોચ ગોઠવી 5 ઇસમોને ઝડપી લેવાયા હતા.જેમાં મોટાપીર ચાર રસ્તા નજીક રહેતા મોહમદ હનીફ દાઉદ કાસમ સના, એરપોર્ટ રોડ પર રહેતા મહોમદ હુશેન લંઘા, જૂની દુધઇના અકબર મહેમુદભાઇ માજોઠી,ભીડગેટ સિતારા ચોકમાં રહેતા સીરાજુદીન વિરા અને સંજોગનગરમાં મુસ્તફાનગર ખાતે રહેતા ઇમરાન મુબારક જુણેજાનો સમાવેશ થાય છે.

આ ઠગ ટોળકી પાસેથી લૂંટમાં ગયેલી રોકડ સાથે સ્કોર્પિયો અને અન્ય માલસામાન મળી રૂ.25,47,750નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરવા આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સસ્તુ સોનાની લાલચે અનેક લોકો છેતરાયા છે અને ઠગાયા પણ છે. ચીટરો આ નવી તરકીબ અજમાવી લોકોને શીશામાં ઉતારી રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી ચીટરો પ્રથમ પરિચય કેળવે છે અને ત્યારબાદ તે લોકોને વિશ્વાસ જીતી લીધા બાદ પોતાનો દાવપેચ રમે છે અને સસ્તા સોનાની લાલસામાં પોતાના નાણા ગુમાવી દે છે.

અગાઉ પણ અનેક વેપારી ફસાઈ ચુક્યા છે લાલચની જાળમાં
ભુજમાં લાંબા સમયથી સસ્તા સોનાના નામે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં રહેતા વેપારીઓને લાખોમાં નવડાવી દેતી ચિટર ટોળકી સક્રિય છે.અવારનવાર આ સંદર્ભે ફરિયાદો પણ થઈ છે પણ આ ગેંગનો વ્યાપ વધુ હોવાથી સમયાંતરે ઠગાઈના બનાવો બને છે.વિરમગામ પાસેથી જે આરોપીઓ દબોચાયા તે અગાઉ પણ અનેકવિધ ગુનાઓમાં સંડોવાઈ ચુક્યા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.સસ્તામાં સોનુ મેળવવાની લાલચ જ વેપારીઓને રાતે પાણીએ રોવડાવે છે.તાજેતરમાં જાન્યુઆરીમાં જ બરેલીના યુવકને ભુજ બોલાવી 5 લાખ પડાવી ઠગબાજોએ સોનુ આપવાના બદલે ઠેંગો બતાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...