તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની રાહ:પૂર્વ કચ્છ સિવાય પૂર્ણ કચ્છને નર્મદા કેનાલનું સિંચાઈ માટે પાણી મળવું દિવાસ્વપ્ન સમાન

ભુજએક મહિનો પહેલા

ખેતી પ્રધાન કચ્છ મલક દાયકાઓથી માં નર્મદા મૈયાના જળની આશ લગાવીને બેઠો છે. પરંતુ ખરબો રૂપિયાના ખર્ચ બાદ પણ નિર્ધારિત સ્થાન સુધી નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળી શક્યું નથી અને ભવિષ્યમાં ક્યારે મળશે તે કેનાલની જર્જરિત હાલત જોતા કહેવું હાલ મુશ્કેલ છે.

પૂર્વ કચ્છના રાપર તાલુકાના ફતેહગઢ સંપ હાઉસથી ભચાઉ લોધેસ્વર સુધીના સંપ હાઉસ સુધી નર્મદાનું પાણી ચોક્કસ વહેતુ જોવા મળે છે અને ત્યાંથી કેનાલ મારફત નર્મદાનું પાણી અંજાર તાલુકાના ટપ્પર ડેમ સુધી પહોંચે છે. તેમાં રાપર અને ભચાઉ તથા અંજારના અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો નર્મદા પાણીનો ઉપીયોગ ખેતી કાર્યમાં કરતા રહે છે. પરંતુ કેનાલ પુરી થાય છે એ માંડવી તાલુકાના મોડકુંભા ગામ સુધી કેનાલનું કાર્ય ગોકળ ગતિએ ચાલી રહ્યું છે.

આ વિશે અંજાર તાલુકાના મેઘપર ગામના ખેડૂતો સાથે વાત કરતા તેમણે રોષ પૂર્વક જણાવ્યું હતું કે અત્યારે જે નર્મદાનું કેનાલ મારફત પાણી આવે છે તે ટપ્પર ડેમ સુધીજ સીમિત છે. ડેમના પાણીનો ઉપીયોગ પીવા માટે ફાળવવામાં આવે છે તેથી ટપ્પર ડેમ પછીના ચાર કિલો મીટર બાદ કેનાલમાં પાણી આવતું નથી. ખેડૂતોને ખેતી કાર્ય માટે હજુ પણ સ્વઆધારીત રહેવું પડી રહ્યું છે. મુખ્ય કેનાલ અને તેમાંથી નીકળતી બ્રાન્ચ કેનાલનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. તેમાં અનેક સ્થળે કેનાલ નોંધારી બની જતા તેમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. તો આ વિસ્તારની મોટા ભાગની કેનાલ વગર પાણી આવે જર્જરિત બની ગઈ છે અને તેમાં મોટા મોટા ગાબડા પણ પડી ગયા છે. ત્યારે નર્મદાનું પાણી ખેડૂતોને ક્યારે મળશે એ તો સરકારજ જાણે.

પ્રાથમિક માહિતી મુજબ કચ્છ વિસ્તારમાં મુખ્ય કેનાલનું કાર્ય કુલ 358 જેટલા કી. મી. સુધીમાં નક્કી થયું છે. તેમાં 215 કી. મી. સુધીનું કાર્ય પરિપૂર્ણ થયું છે. જ્યારે હજુ 143 કી. મી.નું કામ ચાલી રહ્યું છે. બાકી રહેલા કામની કેનાલમાં હાલ રાખરખાવના કારણે ઝાડી ઊગી નીકળી છે તો અનેક સ્થળે નાના મોટા ગાબડા પણ પડી ગયા છે. તેમાં અંજાર નજીકની કેનાલમાં થિંગડા મારવાનું સમારકામ ચાલી રહ્યું છે. તો બ્રાન્ચ કેનાલની હાલત બદથી બદતર બની જઇ રહી છે. ત્યારે કચ્છમાં નર્મદાના પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી દ્વારા સંવેદના દાખવવામાં આવી રહી છે પરંતુ વહીવટી તંત્રની અને નર્મદા વિભાગના સ્થાનિક અધિકારીઓની આળસ કચ્છી માંડુંઓને ક્યાંકને ક્યાંક આડ અસર કરી રહી છે તેમાં બેમત નથી.

અન્ય સમાચારો પણ છે...