ભાસ્કર ઓરિજિનલ:80 વર્ષ પહેલા ચાઇનીઝ ફટાકડા ન હતા તોય પણ કચ્છના બાળકો ધડાકા બોલાવતા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફટાકડા માટે કચ્છની દાયકાઓ જૂની પરંપરા યાદ કરવી ઘટે
  • ગુડદિયો કહો, રુઓ કે પછી અડી એ કોમી એકતા અને વિનિમય પ્રથાનું પ્રતીક

ગુરુવારે પ્રકાશના પર્વ દિવાળીની કચ્છ સહિત દેશમાં ઉમંગભેર ઉજવણી કરાશે ત્યારે 80 વર્ષ પહેલા ચાઇનીઝ ફટાકડા ન હતાં તોય પણ કચ્છના બાળકો ધડાકા બોલાવતાં હતા તે ગુળદિયો કહો, રૂઓ કે પછી અડી કે જે કોમી એકતા અને વિનિમય પ્રથાનું પ્રતીક હતા, જેના પર ડોકિયું કરીએ. કચ્છના દરેક ગામમાં બાળકો દિવાળીના પર્વની ઉજવણી ફટાકડાં ફોડીને નહીં પણ અડી અને ગુળદિયો વછોડીને શેરીએ શેરીએ ધડાકા બોલાવતાં હતા.

ધીંગા મસ્તી સાથે તહેવારમાં આ રમકડું ધમાકા બોલાવવા કામ આવતું હતું. બાળકો આખું વર્ષ તેના આ શસ્ત્રને જતનથી સાચવી રાખતા અને દિવાળીના 10-12 દિવસ પહેલાંથી ગામડાની શેરીએ-શેરીએ ફરીને ધડાકા બોલાવતા હતા, તેનો અવાજ વધુ આવે તે માટેના અનેકાનેક ઉપાયો પણ કરતા, ઓટલે આરામ કરતા વડીલો કે બાઈયુંને હેરાન કરતાં તો ક્યારેક પશુ પક્ષીઓને ભગાડવા ફોડતા હતા. આજની પેઢીએ તો તેનું નામ સુદ્ધાં નથી સાંભળ્યું તેવા સાધનોની વાત આજના આ ખાસ દિવસ પર મૂકવાની રહી.

દિવાળી-નવા વર્ષ નિમિત્તે ફરી એક વખત ફટાકડા ફોડવા તથા ન ફોડવા તે અંગે વ્યક્તિગત તથા સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાઇનીઝ ઉત્પાદનોમાં ફટાકડાએ છેલ્લાં બે દાયકામાં ધૂમ મચાવી હતી પણ આજે ભારતીય લોકો સ્વદેશ વપરાશ તરફ આગળ વધ્યા છે ત્યારે કચ્છની દાયકાઓ જૂની પરંપરા યાદ કરવી ઘટે. ગુળદિયો કહો, બંદુકડી, રુઓ કે પછી અડી એજ જૂના સમયમાં ફટાકડા કહેવાતા. ત્યારે 60થી વધુની ઉંમર વટાવી ચૂકેલા લોકોએ પોતાનું બાળપણ યાદ કરતા અનુભવો ભાસ્કર સમક્ષ રજૂ કર્યા હતા.

આ સાધનોની પ્રાપ્તિ અંગે અનેક મતમતાંતરો
માધાપરના આર્કિયોલોજીસ્ટ અને ઇતિહાસવિદ ડૉ. હીરજી ભુડિયાએ જણાવ્યું હતું કે, “આ સાધનોની પ્રાપ્તિ અંગે અનેક મતમતાંતરો છે, સનિષ્ઠ પૂરાવા તો ધ્યાનમાં નથી પણ ઈ.સ. પૂર્વે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એવા મિશ્રણનો ઉલ્લેખ જોવા મળે છે, જે ઝડપભેર સળગતું હતું અને જ્વાળાઓ ઊભી કરતું હતું અને જો તેને એક નળીમાં ભરી દેવામાં આવે તો તે મેળવણ ફટાકડામાં પરિવર્તિત થઈ જતું હતું. એવી બાબત ક્યાંક વડીલો પાસેથી કે, ભણવામાં સાંભળી હોવાનું લોકોએ જણાવ્યું હતું. દુર્ભાગ્યને ડરાવીને કે, ધમકાવીને દૂર કરવાનો ઉલ્લેખ ફટાકડા સ્વરૂપે કચ્છમાં જૂના સમયે અનોખી રીતે થયેલો છે.”

ગંધક અને પોટાશનું મિશ્રણ કરીને જરફુસમાં ભરી તેની ગોટી બનાવવામાં આવતી
કચ્છ ઇતિહાસ પરિષદના સાવજસિંહ જાડેજાએ કહ્યું- ‘ગંધક અને પોટાશ (સફેદ અને પીળો ગન પાઉડર)નું મિશ્રણ કરીને જરફુસ (સફેદ કાગળ)માં ભરીને તેની ગોટી બનાવવામાં આવતી. તેને અડીના એક ભાગમાં નાખી બીજા ભાગે દિવાસળી મારીએ એટલે ફૂટતી. જેની સાઇઝ અડધાથી પોણા ફૂટની રહેતી અને લોખંડની બનાવટ હોય એટલે લુહારો બનાવીને આપતાં અને નીચે લાકડાનું બનાવેલું સ્ટેન્ડ હોય. તેનો આકાર જાણે મીની તોપ જ જોઈ લ્યો.’

ગુડદિયામાં દારૂગોળો ભરીને પથ્થર કે, દિવાલ પર પછાડતા ધડાકો થતો
ભાચુંડાના મહેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ‘આ સાધનને યાદ કરતાં મને મારું તોફાની બાળપણ યાદ આવી ગયું છે. ગુળદિયાનો આકાર બંદૂક જેવો હતો, જે લોખંડના સળિયાનું બનેલું સાધન હતું, જેમાં દારૂગોળો ભરીને પથ્થર કે, દિવાલ પર પછાડતાં જ ધડાકો થતો અને આ અવાજના રોમાંચ સાથે અમારી દિવાળી ઉજવાતી. તે ઉજવણી, કોમી એકતા, વિનિમય પ્રથા અને ખેડૂતોની જરૂરિયાતનું સાધન હતું, જેનો લોખંડનો ઘાટ ગામના લુહાર ઘડી આપતા અને તેના બદલામાં તેને ધાન ભરી આપવામાં આવતું.’

ગુડદિયામાં ફોડવા માટેનો દારૂગોળો તે સમયે માત્ર 25 પૈસામાં જ 200 ગ્રામ મળતો
કોટડા ચકારના ગણપત પટેલે કહ્યું- ‘અમારા જેવા બાળકો તહેવારોની ઉજવણી ગુળદિયો વગાડીને કરતા હતા તો તે સિવાયના દિવસોમાં ખેડૂતો ખેતરમાં ધડાકા કરીને પક્ષીઓને ઉડાડવા તેનો ઉપયોગ કરતા હતા. ખેતરમાં ચાળિયા ઊભા કર્યા હોવા છતાંય પક્ષીઓ ઉડતા નહીં ત્યારે આ ગુળદિયો ફોડીને પંખીનો ત્રાસ દૂર કરતા, જેથી ખેત પેદાશોને નુકશાન થતા બચાવી શકાય. ગુળદિયામાં ફોડવા માટેનો દારૂગોળો પણ 25 પૈસામાં 200 ગ્રામ જેટલો આવતો જે આખો મહિનો ચાલતો હતો. તે સમયે ગામડાના દરેક સામાન્ય પરિવારના ઘરમાં પણ ગુળદિયો તો જોવા મળતો જ.’

અન્ય સમાચારો પણ છે...