જિલ્લામાં કોવિડની ત્રીજી લહેરને પગલે કુદકે ને ભૂસકે કેસો વધી રહ્યા છે.કેસ ડબલિંગનો રેશિયો પણ 4 દિવસનો થઈ ગયો છે.કેસો વધી રહ્યા હોવાથી લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે ત્યારે આપને જણાવી દઈએ કે જિલ્લામાં જાન્યુઆરી મહિનાના માત્ર 12 દિવસોમાં જ 772 જેટલા પોઝિટીવ કેસ નોંધાઇ ચુક્યા છે હજી પણ સંક્રમણ વધશે તેવી લાલબત્તી આરોગ્ય નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડિસેમ્બરના અંતથી ત્રીજી લહેરનું આગમન થયું હોય તેમ કેસોની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે હાલમાં દૈનિક કેસોની સંખ્યા સદીને પાર થઈ રહી છે તેમ છતાં લોકો બેફિકર બનીને જ ફરી રહ્યા છે જે પણ એક વાસ્તવિકતા છે.હાલમાં કોવિડના જે કેસો સામે આવી રહ્યા છે તેમાં મોટાભાગના કિસ્સાઓમાં લોકલ સંક્રમણ અને કોન્ટેકટ ટ્રેસિંગ દરમ્યાન જ સંક્રમણ હોવાનું સપાટી પર આવ્યું છે.
અગાઉ જે કેસો આવતા તે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા પણ હાલમાં નવા પોઝીટીવ આવતા દર્દી કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા છે અથવા તો બજારમાં કે ભીડભાડવાળા સ્થળોએથી કોરોના લઈને ઘરે આવ્યા છે.જાન્યુઆરી મહિનાના 12 દિવસમાં નોંધાયેલા રેકર્ડબ્રેક 772 કેસમાં 70 ટકા દર્દીઓ એટલે કે 467 જેટલા કેસ લોકલ સંક્રમણ અને કોન્ટેકટ ટ્રેસિંગના છે જ્યારે 200 જેટલા કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
તાલુકા મુજબ સ્થિતિ | ||||
તાલુકો | શહેર | ગામડા | કુલ | સાજા |
- | - | - | - | થયેલા |
અબડાસા | 0 | 0 | 0 | 2 |
અંજાર | 0 | 4 | 4 | 6 |
ભચાઉ | 0 | 1 | 1 | 5 |
ભુજ | 31 | 14 | 45 | 12 |
ગાંધીધામ 36 | 0 | 36 | 27 | |
લખપત | 0 | 1 | 1 | 0 |
માંડવી | 7 | 0 | 7 | 13 |
મુન્દ્રા | 5 | 5 | 10 | 5 |
નખત્રાણા | 0 | 1 | 1 | 0 |
રાપર | 0 | 0 | 0 | 0 |
કુલ | 79 | 26 | 105 | 70 |
ભુજવાસીઓ માસ્ક પહેરો : માત્ર 12 દિ’માં જ 277 દર્દી સપડાયા
જિલ્લામાં બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ ભુજ શહેર અને તાલુકો કોરોના હોટસ્પોટ બની રહ્યો છે કારણકે માત્ર 12 દિવસમાં જ ભુજ શહેરમાં 158 જ્યારે તાલુકામાં 119 મળી કુલ 277 દર્દીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.ભુજના મોટાભાગના રહેણાક વિસ્તારોમાં કોવિડની હાજરી છે તેમજ તાલુકામાં જ્યાં કેસો આવે છે તે મોટાભાગના ગામો પટેલચોવીસીના જ છે.કેસોના રાફડા વચ્ચે હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ સાવ તળિયે હોવાથી લોકો માસ્ક પહેરતા નથી જે પણ એક હકીકત છે.
ભચાઉમાં કોવિડ-19 ના 14 સક્રિય દર્દીઓ
ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે હાલમાં પણ 14 જેટલા એક્ટિવ કેસ છે તેમ છતા લોકોમાં ગંભીરતા જોવા મળતી નથી. આજે પણ અહીંના લોકો બેફામ ખુલ્લા મોઢે ફરી રહ્યા છે.બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.ઔધોગિક એકમોમાં જો સાવધાની રાખવામાં નહિ આવે તો કોવિડ વિસ્ફોટ થવાની સંભાવના છે.
વાગડના 8 વિસ્તારો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
રાપર તાલુકાના સુવઈ ગામે મેઈન શેરી વિસ્તાર,બાલાસર ગામે દરબારવાસ,ગાગોદર ગામે ખેધડાવાળાવાસ,ભીમાસર (ભુ) ગામે 3 ઘર,ભચાઉ તાલુકાના શિકરામાં ગુડલક કંપની કોલોનીમાં 5 ઘર,મનફરા ગામે શાંતિ નિકેતન સોસાયટી,રામવાડી વિસ્તારમાં મીરાભુવન પાસે 5 ઘર,નવા બસ સ્ટેન્ડ સામે સુજુકી શોરૂમની પાસે 5 ઘરને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
વધતા સંક્રમણ વચ્ચે રાહત : 12 જ દર્દીઓ હોસ્પિટલમાં છે દાખલ
જિલ્લામાં હાલ કોરોનાના 402 પોઝીટીવ કેસ એક્ટિવ છે જોકે રાહતના સમાચાર એ છે કે,એક્ટિવ કેસ પૈકી માત્ર 12 જ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે બાકીના 390 દર્દીઓ ઘરે બેઠા સારવાર લઈ રહ્યા છે.ત્રીજી લહેર ઘાતક નથી પણ સાવધાની રાખવાની તાતી જરૂરિયાત છે, ત્યારે સૌ કોઇ જાહેર સ્થળોએ માસ્ક પહેરીને રાખે તેમજ સામાજિક અંતર જાળવી રાખે તે જરૂરી છે.
ભુજમાં 45 અને ગાંધીધામમાં 36 દર્દીઓને લાગ્યો ચેપ
કચ્છ જિલ્લામાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો હોય તેમ સતત ત્રીજા દિવસે કોરોનાએ સદી ફટકારી છે.સોમવારે 109,મંગળવારે 121 અને બુધવારે 105 કેસ નોંધાયા હોવાનું જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવાયું છે.આ સાથે એક્ટિવ કેસની સંખ્યા જિલ્લામાં વધીને 402 થઈ ગઈ છે. નવા નોંધાયેલા 105 કેસમાં શહેરી વિસ્તારોમાં 79 અને ગ્રામ્ય વિસ્તારોમાં 26 દર્દીઓ કોરોનાના ચેપમાં સપડાયા છે.ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો માધાપરમાં 6,સમાઘોઘામાં 4,વરસામેડીમાં 3,વિભાપર અને મીરજાપર માં 2 - 2 જ્યારે મેઘપર બોરીચી,ચોપડવા,સુખપર,ફોટડી, ધોરડો, નારણપર,પ્રાગપર,દયાપર અને નખત્રાણામાં 1 - 1 કેસ આવ્યો છે.રાપર અને અબડાસા સિવાયના તમામ તાલુકામાં કોવિડની હાજરી નોંધાઇ છે જેથી જિલ્લામાં મહામારી હવે પંજો મજબૂત બનાવી રહી છે.નવા કેસની સાથે 70 દર્દીઓને રજા પણ આપવામાં આવી હોવાથી એક્ટિવ કેસની સંખ્યા 402 થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.