તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ સાઇકલ દિવસ:કોરોનાની મહામારીના સંદર્ભે પણ સાઇકલની સવારી શારીરિક, માનસિક રીતે ઘણી ફાયદેમંદ

ભુજ20 દિવસ પહેલાલેખક: ડો. પૂર્વી ગોસ્વામી
  • કૉપી લિંક

આજે સમગ્ર વિશ્વ સાઇકલ દિવસ મનાવી રહ્યું છે. દિન-પ્રતિદિન વાતાવરણમાં થતા પલટાઓ, ગ્લોબલ વોર્મિંગની અસર અને કોવિડ – 19 જેવી મહામારીના પગલે ધરતીમાતા અને મનુષ્યને ખુદને તમામ પ્રકારના પ્રદૂષણથી બચવું ખૂબ જટીલ બની રહ્યું છે. વાહનો દ્વારા થતાં પ્રદૂષણને કારણે થઇ રહેલા વિવિધ રોગોને પગલે સાઈકલની અનિવાર્યતાને ધ્યાને લઈને આજના દિવસે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. સાઈકલ એક એરોબિક એક્સરસાઈઝ છે, જેનાથી હ્રદય રોગનો ખતરો ઓછો થાય છે અને ફેફસાંની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે.

સાઈકલ ચલાવવાથી સિરોટોનિન, ડોપામાઈન અને ફેનિલઈથિલામીન જેવા રસાયણોનું મગજમાં પ્રમાણ વધે છે, જેનાથી તમે ખુશ રહેશો અને ટેન્શનમાં ઘટાડો થશે. લોકડાઉન અને બેઠાડું જીવનનાં પરિણામે વધી રહેલી મેદસ્વિતાની સમસ્યામાં ફિટ રહેવા માટે પણ ખૂબ સરળ અને સસ્તું સાધન છે. લોકડાઉનની પરિસ્થિતિમાં મહિલાઓ પર કામનું ભારણ વધી ગયું છે. આજના દિવસે એવી મહિલાઓ સાથે વાત કરી જેમણે સાઇક્લિંગ દ્વારા પોતાની કસરત નિયમિત ચાલુ રાખી છે.

‘મહામારીમાંથી શીખ મેળવો, શારીરિક સુખનો પહેલા વિચાર કરો’
હોમિયોપેથ ડોક્ટર કૃતિ કહે છે, ‘2018માં સાઇકલ ઉત્સવમાં 22 km નું સાઇક્લિંગ કર્યું અને બીજા વર્ષે 50 km માટે ટ્રાય કરી પણ 35 km થીવધુ ચલાવી ન શકી. આ નિષ્ફળતાથી મારી મહેનત વધારી, નિયમિત પ્રેક્ટિસ ચાલુ રાખી અને પછીના વર્ષોમાં અનુક્રમે 50, 100 અને 200 km સુધીમાં સફળતા મેળવી. લોકડાઉનમાં પણ 25 km સુધી સોલો સાઇક્લિંગ ચાલુ રાખી હતી. એક જ સિઝનમાં 600 km સુધીની સિરીઝ પૂરી કરવાની ઈચ્છા છે જેના માટે SR (સુપર રેંડોનિયર)નો એવોર્ડ ભુજની કોઈ પણ મહિલાએ હાંસલ કરેલ નથી. કસરત કરવાની ઘણી રીતો છે, સાઇક્લિંગ તે પૈકીની એક છે.’ > ડો કૃતિ ગોસ્વામી, ભુજ

‘લાઇફ સ્ટાઇલ ડેસ્કમાં સાઇક્લિંગનો નિયમ બનાવો.’
‘આજકાલ સાઇક્લિંગ ઘણાં લોકોનું ફેવરિટ વર્કઆઉટ બની ગયું છે. આખો દિવસ ઘરમાં રહેતા અને ઘરે રહીને કામ કરતા લોકો માટે સાઇક્લિંગ સારી ટેવ બની શકે છે. હું અને પરિવારના અન્ય સભ્યો નિયમિત સાઇકલ સવારી દ્વારા કસરત કરીએ છીએ. અત્યાર સુધીમાં 200 km સુધીની મારી સાઇકલ યાત્રામાં સફળ રહી છું.’ > ડૉ. સુરભિ વેગડ, ભુજ

‘રૂપિયા ખર્ચવાને બદલે સાઇક્લિંગની મફતની સવારી કસરત માટે બહેતર છે.’
સાઇકલ રાઇડર તરીકે સૌથી વધુ ઉંમરના મહિલા, પુર્ણિમાબેન દરેક માટે પ્રોત્સાહક છે. તેઓ કહે છે, ‘અઢી વર્ષ પહેલા મને ચિકન ગુનીયા તાવ આવ્યા પછી મેં સાઇક્લિંગ શરૂ કરી દીધેલી, તાવના લીધે મારા સાંધા ઝાકડાઈ ગયા હતા, સાઇક્લિંગથી મને ઘણો ફેર પડ્યો. આજે સાઇક્લિંગમાં મારી સ્પર્ધા મારા બાળકો સાથે કરતી હૌઉ છું. દીકરો, દીકરી, જમાઈ, બધાને સાઇક્લિંગ કરતાં ચાલુ કરી દીધા છે. અત્યાર સુધી 100 km રાઇડિંગ મેં સફળતાપૂર્વક કરી છે. સાઇકલ ઉત્સવમાં અનેક મહિલાઓને ભાગ લેવા સાથે લઈ આવું છું.’ > પુર્ણિમાબેન શુક્લા, ભુજ

‘મજાથી કસરત શરૂ કરો, પછી કસરત તમને સ્વાસ્થ્ય સુખની મજા આપશે.’
ડો. જે. પી. ના પત્ની નિરુબેને ચાર વર્ષ પહેલા વાલ્વ રિપ્લેસમેંટ સર્જરી કરાવી હતી. તેઓ કહે છે, ‘સાઇક્લિંગ કાર્ડિયો વર્કઆઉટની રીતે બેસ્ટ છે. કાર્ડિયાક કસરત માટે વોકિંગ- જોગિંગ મને બોરિંગ લાગતાં, તેમાં હું એકલી પડી જાતી એટલે પતિ સાથે સાઇક્લિંગ શરૂ કરી અને દૈનિક 15 km જેટલું અંતર સાઇક્લિંગ કરું છું. સર્જરી કરાવ્યા પછી આ કસરતમાં મને ઘણી રાહત મળી છે.’ > નિરુબેન કેશરાણી, ભુજ

અન્ય સમાચારો પણ છે...