સમસ્યા વણઉકેલાયેલી:શહેરમાં 35માંથી 22 કરોડ ખર્ચાયા તો પણ ગટરની સમસ્યા ઠેરની ઠેર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિટી પોલીસ સ્ટેશન પાસે બેસી ગયેલી લાઇનના પાઇપ બદલવાની કામગીરી - Divya Bhaskar
સિટી પોલીસ સ્ટેશન પાસે બેસી ગયેલી લાઇનના પાઇપ બદલવાની કામગીરી
  • વધતી વસ્તી સાથે લાઈન અને ચેમ્બરની ક્ષમતા વધારાતી નથી
  • માત્ર કરોડો રૂપિયાના ખર્ચે પાઈપ બદલાવી સંતોષ માની લેવાતા સમસ્યા વણઉકેલાયેલી

ભુજ શહેરમાં છેલ્લા પાંચેક વર્ષથી ગટરની સમસ્યા ઉત્તરોત્તર વકરતી જાય છે. જે વચ્ચે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 35 કરોડના ખર્ચે ગટરના કામો શરૂ કરાયા હતા, જેમાં 13 કરોડ બચ્યા છે, જેથી ફરીથી નવી લાઈન નાખવા અને પાઈપના ડાયા મીટર વધારવા સહિતની કામગીરી હાથ ધરવામાં અાવશે, જેથી પાઈપ બેસી જવા અને ચેમ્બર ઉભરાવવાની સમસ્યામાંથી છૂટકારો મળે. અામ, વધતી વસતી સાથે લાઈન અને ચેમ્બરની ક્ષમતા વધારાઈ નથી અેનું જ્ઞાન ભુજ નગરપાલિકાને હવે કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ લાધ્યું છે.

ભૂકંપ પછી શહેરમાં નવી અને જૂની વસાહતોને સાંકળતી ગટરની લાઈન પાથરવામાં અાવી હતી, જેમાં ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચને સાથે રાખી સંકલનથી કામ થયું ન હતું, જેથી લાઈન પાથરવામાં લેવલ જળવાઈ નથી. બીજી તરફ ભૂકંપને 20 વર્ષ વીતી ગયા છે અે સમયગાળા દરમિયાન ગામડામાંથી ભુજ શહેરમાં અાવીને વસનારાની સંખ્યા અકલ્પનીય રીતે વધી ગઈ. જેનો અંદાજ કદાચ નવી લાઈન પાથરતી વખતે રખાયો ન હતો અને બે દાયકા જેટલો સમય વીતી ગયો છે,

જેથી જૂની લાઈનની ક્ષમતાથી બમણું નહીં પણ ત્રણથી ચાર ગણું વહન થવા લાગ્યું છે, જેથી ગટરની ચેમ્બર ઉભરાવવાની સમસ્યા વરી છે. હકીકતમાં વસાહતો અને મકાનો વધે અે સાથે લાઈન અને ચેમ્બરની ક્ષમતા વધારવી પડે. જેના ઉપર પૂરતું ધ્યાન અપાયું જ નથી. અા અગાઉ 2015થી 2018 દરમિયાનના ઈજનેરે અે બાબતે અવારનવાર રજુઅાતો કરી હતી.

પરંતુ, પદાધિકારીઅો ભંડોળના અભાવે અે દિશામાં કામ કરી શકતા ન હતા. જોકે, અે દરમિયાન નવી ગટર વ્યવસ્થા માટે 35 કરોડની ગ્રાન્ટ અાવી હતી, જેમાં અેવા વિસ્તારો સમાવેશ કરી શકાયા ન હતા. જોકે, 35 કરોડની ગ્રાન્ટમાંથી 22 કરોડ રૂપિયા જ ખર્ચાયા છે, જેથી વધેલી 13 કરોડ રૂપિયાની બચત ગ્રાન્ટમાંથી અે દિશામાં કામ થાય અે જરૂરી છે.

બચેલી રકમ ક્ષમતા વધારવા ખર્ચાશે : પ્રમુખ
લોકો અને વિપક્ષ દ્વારા અવાર નવાર ગટરની સમસ્યાની રજુઅાત અાવે છે. અામ છતાં ઉકેલ કેમ અાવતો નથી. અેવું નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ક્ષમતા વધારવાની જરૂર છે અેવી લાઈન અને ચેમ્બરનો સર્વે ચાલુમાં છે. નગરપાલિકાના અને અમૃતના ઈજનરો સાથે અે મુદ્દે વાત થઈ ગઈ છે. ભુજ મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડો. નિમાબેન અાચાર્યઅે અે માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઅો સાથે બેઠક પણ યોજી હતી, જેથી બચેલા 13 કરોડ રૂપિયા અેવા કામો પાછળ ખર્ચવા નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...