• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Even If Relaxation Starts, Repeating The Mistakes Made In The Second Wave Will Prove To Be More Fatal, Lack Of Vigilance Will Not Make The Transition More Surprising.

સાવધાન ! હજુ કોરોના ગયો નથી:છૂટછાટ શરૂ પણ બીજી લહેરમાં કરેલી ભૂલો ફરી દોહરાવશો તો વધુ ઘાતક સાબિત થશે, તકેદારીનો અભાવ સંક્રમણ વધારે તો નવાઇ નહી.

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સવારે ગ્રામ્ય ઘરાકી અને સાંજે શહેરીજનો બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા - Divya Bhaskar
સવારે ગ્રામ્ય ઘરાકી અને સાંજે શહેરીજનો બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા
  • છૂટછાટ મળી હવે તકેદારી રાખવાની જવાબદારી નેતાઓ, તંત્ર, આપણા સૌની
  • શહેરની બજારોમાં સમય પાબંદીમાં છૂટછાટ મળ્યા બાદ તકેદારી રાખવાની તો જરૂર છે જ
  • શુક્રવારથી ગુજરાત સરકારે વ્યવસાયના કલાકો વધાર્યા તો જીમ અને રેસ્ટોરન્ટ 50 ટકાની હાજરીને ધ્યાનમાં રાખીને શરૂ કરાવ્યા છે

જિલ્લા મથક ભુજ, ગાંધીધામમાં રાત્રિ કફર્યૂ સહિત સમગ્ર કચ્છમાં લદાયેલા પ્રતિબંધોમાં વિશેષ છૂટછાટ અપાઇ છે ત્યારે જિલ્લાવાસીઓએ યાદ રાખવું રહયું કે, હજુ કોરોના ગયો નથી પરંતુ તેનું સંક્રમણ ઓછું થયું છે. હવે ત્રીજી લહેરની વાતો થઇ રહી છે ત્યારે કોરોનાની બીજી લહેરમાં જે ભૂલો કરી હતી તે ફરી ન દોહરાય તે માટે હવેથી આપણા રક્ષણ માટે આપણે ખુદે તકેદારી રાખવાની રહેશે.કોરોનાની પ્રથમ લહેર બાદ સમગ્ર કચ્છમાં આકરા પ્રતિબંધો લદાયા હતા પરંતુ ત્યારબાદ મળેલી છૂટછાટમાં લોકો કોરોનાને ભૂલી જતાં બીજી લહેર વધુ ઘાતક બની હતી.

ભુજમાં સમયમાં માત્ર 1 કલાકનો જ વધારો કરતા ખાસ ફરક દેખાયો નહતો
ભુજમાં સમયમાં માત્ર 1 કલાકનો જ વધારો કરતા ખાસ ફરક દેખાયો નહતો

પ્રજાકીય પ્રતિનિધિઓ પણ કે જેમના પર લોકોએ ભરોસો મૂકી ચૂંટ્યા હતા તેવા લોક જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોનાને ભૂલી રાજકીય કાર્યક્રમો, રેલીઓ યોજી કોરોના ગાઇડલાઇનને નેવે મુકી દીધી હતી. આ કાર્યક્રમોમાં લોકો માસ્ક વિના જ એકત્ર થતા હતા અને કયાંય સામાજિક અંતર જળવાતું ન હતું. આવા રાજકીય કાર્યક્રમોને તંત્ર દ્વારા પણ જાણે છૂટોદોર અપાયો હોય તેમ કોઇ જ કાર્યવાહી કરાઇ ન હતી. અધુરામાં પૂરું જિલ્લાના ધાર્મિક સ્થળોએ પણ ભાવિકોની મોટાપાયે ભીડ એકત્ર થઇ હતી. તો કયાંક કેટલીક સંસ્થાઓ દ્વારા સેવાના નામે નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. જે મહામારીને આમંત્રણ સમાન સાબિત થયું હતું.

નાસ્તાની લારીઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળ્યું ન હતું.
નાસ્તાની લારીઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળ્યું ન હતું.

ચૂંટણી પૂર્ણ થયાના થોડાક સમય બાદ તા.27-4થી ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કફર્યૂ સાથે આવશ્યક સેવાઓ સિવાય તમામ ધંધા-રોજગાર પર રોક લગાવાઇ હતી. આ સાથે જિલ્લાના ધાર્મિક સ્થળો પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયા હતા. ત્યારબાદ કોરોનાનું સંક્રમણ ઘટતાં સરકાર દ્વારા આંશિક છૂટછાટો મળતી રહી છે અને આગામી સમયમાં પણ મળતી રહેશે.તા.11-6થી ભુજ-ગાંધીધામમાં ધંધા-રોજગારનો સમય સવારે 9થી સાંજે 7 વાગ્યાનો કરાયો છે અને ધાર્મિક સ્થળો, બાગ-બગીચા પણ ખુલ્યા છે ત્યારે હવે જ ખરી કસોટીનો સમય શરૂ થયો છે.

જેથી આપણા રક્ષણ માટે આપણે જ તકેદારી રાખવી પડશે અને બીજી લહેર જેના કારણે આવી તેવી ભૂલો હવે ન થાય તે માટે જાગૃતિ દાખવી ફરજિયાત માસ્ક પહેરવાની સાથે, સામાજિક અંતર જાળવી તંત્રને સહકાર આપવો એ જિલ્લાના દરેક નાગરિકની ફરજ છે, નહિંતર ત્રીજી લહેર આવતા સમય નહીં લાગે.

હજુ આ તકેદારી તો રાખવી જ રહી
ફરજિયાત માસ્ક પહેરો, બજારો, જાહેર સ્થળો, લગ્ન પ્રસંગોએ સામાજિક અંતર જાળવો , વારંવાર હાથ સેનેટાઇઝ કરો , શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો, જે લોકોએ કોરોના વિરોધી રસી નથી મુકાવી તેઓએ અચૂક રસી લેવી.

બીજી લહેરમાં આ ભૂલો ભારે પડી
રાજકીય કાર્યક્રમો, રેલીઓ.
બજારો, ધાર્મિક સ્થળોમાં લોકોની ભીડ.
માસ્ક વિના, સામાજિક અંતરના ધજાગરા.

અન્ય સમાચારો પણ છે...