તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:પશ્ચિમ કચ્છમાં ખોડાતી પવનચક્કીઓનું અતિક્રમણ કુદરતી સંપત્તિને નુકસાન કરશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિનામાં કાર્યવાહી નહિ થાય તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીની કોંગ્રેસ અગ્રણીની ચીમકી

લખપત, અબડાસા અને નખત્રાણાના ગામોમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે તંત્રની ઉદાસીનતા તેમજ આ વિસ્તારના ખેડૂતોની અજ્ઞાનતાનો વહીવટતંત્ર દ્વારા ગેરલાભ લઈ વીજ કંપનીઓની તરફદારી કરવામાં આવી રહી છે, તેવા આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કિશાન કૉંગ્રેસ જોઇન્ટ કોર્ડીનેટર એચ.એસ. આહીરે આગામી એક મહિનામાં કોઈ કાર્યવાહી નહિ થાય તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની ચીમકી આપી હતી.

અદાણી ગ્રીન એનર્જી, આઈનોક્ષ વિન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર અને આઈનોક્ષના ગૌચરમાં દબાણ કરી વીજ લાઈન ઉભી કરવા સામે જુણાચાય (તા.લખપત) ના સર્વે નં.136માં ગેરકાયદેસર રીતે દબાણ કરી પવનચક્કી ઉભી કરવામાં આવી છે તેની સામે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ માર્ચમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં માત્ર 21 દિવસ બાદ ફરીયાદના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવશે અને કલેકટર કક્ષાએ સમિતિ નિર્ણય કરશે તેવી ખાતરી અપાઇ હતી. જેને ત્રણ માસ બાદ પણ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. અદાણી ગ્રીન એનર્જી દ્વારા દબાણ કરી પવનચક્કી ઉભી કરવામાં આવી છે.

આ બાબતે અગાઉ મામલતદારમાં દબાણની ફરીયાદ કરી હતી, જેમાં મામલતદારે દિવસ દસમાં પવનચક્કી દુર કરવાનો હુકમ કર્યો હતો, ત્યારબાદ કંપનીએ નાયબ કલેકટરમાં અપીલ કરતા ત્યાં પણ મામલતદાર, લખપતના હુકમને માન્ય રાખવામાં આવ્યો હતો. છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી કે નથી પવનચક્કી દુર કરવામાં આવી.

સંપત્તિનો નાશ આવતા વર્ષોમાં માઠા પરિણામ લાવશે
કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વીજ કંપનીઓ દ્વારા ખુબ મોટા પાયે કુદરતી સંપતિનો નાશ કરવા સાથે મોટા પાયે જમીન દબાણ, કરોડોની ખનીજ ચોરી, ગૌચર અને પાણીના વહેણમાંથી વીજ લાઈન પસાર કરવી, હજારોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે વૃક્ષ છેદન, ખુલ્લી વિજ લાઈનોના કારણે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોત, રસ્તાઓ અકસ્માત થાય તેમ તદન નજીક વીજ પોલ ઉભા કરવા, ખેડૂતોના ખેતરોમાં વગર પરવાનગીએ દાદાગીરીથી વીજ લાઈન ઉભી કરવી વગેરે જેવા ગેરકાનુની કૃત્યો કરી ખુબજ નુકશાન કરવામાં આવી રહયું છે. આગામી વર્ષોમાં તેની માઠી અસર ખેડૂતોને ભોગવવી પડશે.

ગુજરાત લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ, કાર્યવાહી શૂન્ય
જુણાચાય અને મેઘપરમાં આ કંપનીઓ દ્વારા વીજપોલ ઉભા કરી વીજ લાઈન પસાર કરવામાં આવી છે, જે તમામ જમીન રેકર્ડ પર ગૌચરના નામે નીમ થયેલ છે, જ્યાં વીજપોલ ઊભા કરવામાં આવ્યા છે. આ બાબતે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ કરવાને ત્રણ-ત્રણ મહીના થઈ ગયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેધપરના ગ્રામજનોએ સિંચાઇ ખાતાને ફરીયાદ કરી હતી ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા નોટીશ આપી કામ બંધ કરાવવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી સિંચાઈ ખાતા દ્વારા વીજ પોલ દુર કરવાના બદલે પાણીના વહેણને જ દુર કરી દેવામાં આવ્યું એવો આક્ષેપ રમેશ અરજણભાઈ બલિયા, કોર્ડીનેટર કચ્છ જિલ્લા કિશાન કોંગ્રેસે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...