માંગ:બન્નીમાં વન તંત્રની કામગીરીથી માલધારીઓમાં ઉચાટ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસૂલી દરજ્જાની માંગ વચ્ચે લીલા ભેગું સુકું બળવાની ભીતિ
  • નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલના અાદેશ બાદ અા મુદ્દો વધુ ચગ્યો

ભુજ તાલુકાના બન્ની વિસ્તારના ઘાસિયા મેદાનનો મુેદ્દો નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલના અાદેશ બાદ વધુ ચગ્યો છે. અેક બાજુ બન્નીને મહેસૂલીની દરજ્જો અાપવાની માંગ વચ્ચે વન વિભાગ દ્વારા કરાતી પ્લોટિંગની કામગીરીથી સ્થાનિક માલધારીઅો ઉચાટમાં છે.

અેશિયાના સાૈથી મોટા ઘાસિયા મેદાન અેવા બન્નીમાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે અને અા રક્ષિત વિસ્તારમાં માથાભારે શખ્સો દ્વારા વાડા બનાવી મોટાપાયે દબાણ કરાયું છે. અા મુદ્દો નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલમાં પહોંચતાં ટ્રીબ્યૂનલે 6 મહિનામાં અતિક્રમણ દુર કરવાનો અાદેશ કર્યો છે, જેના પગલે કલેક્ટરે પણ વિવિધ કમિટીઅો બનાવી, દબાણો હટાવવા મુદ્દે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી કામગીરી અાદરી દીધી છે.

બન્નીમાં ચરિયાણ વિસ્તારમાં કરાયેલા દબાણોની યાદી મામલતદાર,ડીએલઆરઆઇ સહિતની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ત્યાર બાદ નિયત પ્રક્રિયા કરી દબાણો દુર કરાશે.જુદા-જુદા સંગઠનો, સંસ્થાઅો દ્વારા બન્નીને મહેસૂલી દરજ્જો અાપવા માંગ કરાઇ રહી છે તેવામાં વન વિભાગ પ્લોટિંગની કામગીરીથી સમગ્ર બન્નીનો કબ્જો લઇ લેશે તેવો ભય માલધારીઅોમાં જોવા મળી રહ્યો છે. અા મુદ્દો વધુ ચગ્યા બાદ લીલા ભેગું સુકું પણ બળી જાય તેવી ભીતિ માલધારીઅો વ્યક્ત કરી રહ્યા છે.

બન્નીવાસીઅોને તેમના અધિકારો અાપો
હાલમાં બન્ની રક્ષિત જંગલનો મુદ્દો ખુબ ચર્ચામાં ત્યારે ભારત સરકારના મિનિસ્ટ્રી અોફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ રચેલી અેક્સપર્ટ કમિટીના સભ્ય રમેશ ભટ્ટીઅે કલેક્ટરને રજૂઅાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસના સચિવને ઉદ્દેશીને તારીખ 16 જૂન-2017ના લખેલા પત્ર મુજબ, બન્ની રક્ષિત જંગલના માલધારીઓ દ્વારા રજુ કરાયેલા અને મંજૂર થયેલા 47 દાવા મુજબ અધિકાર પત્ર (ટાઇટલ) આપવા, વધુમાં ડો. ઋષિકેશ પાંડા (કેન્દ્ર સરકારના નિવૃત સચિવ)એ 2016માં બન્નીની મુલાકાત લઇ, માલધારીઓના પડતર દાવાનો મુદ્દો સમજીને માલધારીઓને સામૂદાયિક અધિકારોના ટાઇટલ અાપવા ભલામણ કરી વન ગામોને મહેસૂલી ગામોમાં તબદીલ કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. અા તમામ અાધારો રજૂ કરીને ભટ્ટીઅે બન્નીવાસીઅોને અધિકારો અાપવા માંગ કરી છે.

વન વિભાગની કામગીરી સામે માલધારી સંગઠનનો રોષ
રાજાશાહી વખતે કચ્છના મહારાવે અા ભૂમિ ચરિયાણ માટે અાપી છે. વધુમાં વન અધિકાર તળે અા મુદ્દે 47 દાવા મંજૂર થયા છે, જેને ટાઇટલ અાપવા, વન વિભાગ દ્વારા થતી વાડાની કામગીરી તાત્કાલિક બંધ કરવા સહિતના મુદ્દા બન્ની માલધારી સંગઠન પ્રમુખ મીરાશા મુતવાઅે પણ કલેક્ટર સમક્ષ ઉઠાવ્યા હતા.

અેન.જી.ટી.ના હુકમથી દબાણકારોના પેટમાં તેલ રેડાયું : અે.સી.અેફ.
બન્નીના અેસ.સી.અેફ.ના ચાર્જમાં રહેલા અેમ.યુ. જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, વનતંત્ર દ્વારા મુખ્યમંત્રીઅે કરેલી જાહેરાત અન્વયેના પ્રોજેક્ટ તળે પ્લોટિંગ પાડી તેમાં ઘાસચારાની કામગીરી કરાય છે, જે સ્થાનિક લોકોના હિતમાં જ છે. અેન.જી.ટી.ના અાદેશ બાદ જે લોકોઅે દબાણ કર્યું છે તેવા લોકોના પેટમાં તેલ રેડાયું છે અને અાવા લોકો જ દબાણો ન હટે તે માટે બીજાના ખભે બંદુક ફોડી રહ્યા છે. હાલે જયાં દબાણ કરાયું ત્યાં દબાણ દુર કરી તે જ સ્થળે ઘાસચારાની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધી 2 હજાર હેક્ટરમાં ઘાસચારાની કામગીરી પૂર્ણ કરાઇ છે.

હજારો અેકર ચરિયાણ વિસ્તારમાં અતિક્રમણ
બન્ની અે ચરિયાણ વિસ્તાર છે અને 19 ગ્રામપંચાયતો હેઠળ અાવતા ગામોના લોકોનું રોજીરોટીનું સાધન પશુપાલન છે. અા ઘાસિયા મેદાનમાં હજારો અેકર જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ કરી ખેતી કરવામાં અાવી રહી છે, જે વન વિભાગ અને જવાબદાર અધિકારીઅોની નજરે કેમ ચડતા નથી. દેશ અાઝાદ થયા બાદ બન્નીના માલધારીઅો પર પ્રથમ વખત જુલમ થઇ રહ્યો છે. વન વિભાગ પણ પોલીસને સાથે રાખી સ્થાનિક પંચાયતોની સહમતિ વિના પ્લોટિંગની કામગીરી કરે છે. પશુધન માટે મોતના કુવા સમાન અા પ્લોટિંગની કામગીરી બંધ કરવા સરાડા, ભીટારા, લુણા, છછલા, મીઠડી, શેરવો, સરગુ, હોડકો, નાની દધ્ધર, ઉદઇ સહિતની ગ્રામપંચાયતોઅે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઅાત કરી છે.

શાંતિપૂર્વક કામગીરી થાય તે માટે લોકોને સમજાવાય છે : પ્રાંત અધિકારી
અા અંગે ભુજના મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પ્લોટિંગ કરી ઘાસચારાની કામગીરી ન વનતંત્ર ન કરી શકે તેવી માંગણી સાથે રજૂઅાત સરાડા ગ્રામપંચાયતે કરી છે, જેથી મામલતદાર, ટીડીઅો અને બન્નીના અે.સી.અેફ.ને સાથે રાખી લોકોને સમજાવાઇ રહ્યા છે. વધુમાં અેન.જી.ટી.ના અાદેશ મુજબ શાતિપૂર્વક કામગીરી થાય તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...