તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોલમાર્કિંગનો નવો કાયદો:ભુજના 85 ટકા જવેલર્સ પાસે પેઢીનું હોલમાર્ક લાયસન્સ જ ઉપલબ્ધ નથી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સર્ટીફિકેટ વિના ઘરેણા વેચતા પકડાશે તો 1 વર્ષની જેલ, 5 ગણી પેનલ્ટી

15મી જૂનથી કેન્દ્ર સરકાર દ્વારા નવો કાયદો લાગુ કરી દેવાયો છે, સોનાની જવેલરી પર ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ભુજના 85 ટકા જેવલર્સ પાસે હોલમાર્ક લાયસન્સ નથી જેથી તેમને સોનુ વેચવા માટે પેઢીનું હોલમાર્ક લાઇસન્સ ફરજિયાત લેવું પડશે. હોલમાર્ક વગર સોનુ વેચતા વેપારી પકડાશે તો એક વર્ષની સજા અને પાંચ ગણી પેનલ્ટી ફટકારવામાં આવશે.

ગોલ્ડ હોલમાર્કિંગ માટે કેન્દ્ર સરકાર તરફથી દોઢ વર્ષથી આયોજન કરાઇ રહ્યું છે જેની અમલવારી સમગ્ર દેશમાં લાગુ કરી દેવાઇ છે. હોલમાર્કિંગ એ સરકારની ગેરંટી છે, હવે 22, 18, 14 કેરેટની જવેલરી હોલમાર્કિંગ વગર નહીં મળી શકે. હોલમાર્કનો આધાર ભારતની એજન્સી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ કરે છે, કોઇ ઉત્પાદકને હોલમાર્કિંગમાં માપદંડ પર પ્રમાણિત કરાય છે. ભારતમાં તે કામ માટે બી.આઇ.એસ. સંસ્થા છે, જે ગ્રાહકોની ગુણવતાની તપાસ કરે છે. સોનાના સિક્કા કે ઘરેણા કોઇપણ સોનાના આભૂષણ જે બીઆઇએસ દ્વારા હોલમાર્ક કરાયા છે તેના પર લોગો હોવુ જરૂરી છે જેથી ખ્યાલ આવી જાય છે લાયસન્સ પ્રાપ્ત પ્રયોગશાળામાંથી તેની શુદ્ધતા તપાસ કરાઇ છે.

ભુજના 15 ટકા જવેલર્સ પેઢી પાસે જ હોલમાર્ક લાયસન્સ છે, બાકીના 85 ટકા પેઢીને હોલમાર્ક લાયસન્સ ફરજીયાત લેવું પડશે, અન્યથા તે સોનાના ઘરેણા કે સોનુ વેચાણ કરી શકશે નહીં. જવેલર્સમાં જયાં સોનાના દાગીના વેચાતા હોય તેને શોપમાં હોલમાર્કનું લાયસન્સ ફરજિયાત રાખવુ પડશે એના માટે આ કાયદો બનાવાયો છે. આ નિયમનો ઉલ્લંઘન કરનાર જવેલર્સ માલિકને 1 લાખથી લઇને જવેલરી ભાવના પાચ ગણા સુધીનો દંડ કરવામાં આવશે.

જૂના દાગીના જવેલર્સ પાસેથી હોલમાર્ક કરાવી શકાશે
હોલમાર્કિંગ લાગુ થયા બાદ ઘરે કે લોકરમાં રહેલા જૂના ઘરેણાનું શું થશે તે એક પ્રશ્ન ઉભો થયો છે ત્યારે કોઇપણ હોલમાર્કિગ સેન્ટર પર અથવા જવેલર્સ શોપ પર જઇને જુના દાગીનાનું હોલમાર્કિંગ કરાવી શકાશે. જૂના ઘરેણાનું મુલ્ય વધારે રહેશે. હોલમાર્કિંગનો નિયમ માત્ર જવેલર્સ સંચાલક એટલે કે સોનુ વેચનારને લાગુ પડશે, ગ્રાહક હોલમાર્ક વગર પોતાના દાગીના વેંચાણ કરી શકશે.

હોલમાર્ક લેવા માટે માર્ગદર્શન અપાયું છે : ભુજ બુલિયન મરચન્ટ એસોસિયેશન
ભુજના 15 ટકા જવેલરી શોપ સંચાલકો પાસે હોલમાર્કિંગ લાયસન્સ છે, જેની પાસે લાયસન્સ નથી તેમને હોલમાર્કિંગ લાયસન્સ લેવા માટે વેબીનારથી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું છે. 14મી તારીખે જે પેઢી લાયસન્સ લેવાની પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક હોય તેમના નામની નોંધણી પણ કરવામાં આવી છે. લાયસન્સ મેળવવા ઇચ્છુક વેપારીઓ બુલિયનના હોદ્દેદારોનો સંપર્ક કરી શકે છે. > ભદ્રેશભાઇ દોશી, (પ્રમુખ ભુજ બુલિયન મરચન્ટ)

ભેળસેળયુક્ત સોનાનું વેપાર અટકી જશે : વેપારી
હોલમાર્કિંગનો નવો કાયદો લાગુ થવાથી તમામ સોની વેપારીઓને લાયસન્સ લેવું પડશે, 9.1.6 હોલમાર્કવાળા તેમજ 18,20 કેરેટ હોલમાર્ક વાળા દાગીના વેચી શકાશે. કેરેટમાં ભેળસેળ કરી સોનાના ઘરેણા વેચતા વેપારીઓ હવેથી બેઇમાની નહીં કરી શકે. > કિશોરભાઇ સોની, (કે. પી. જવેલર્સ,ભુજ)

અન્ય સમાચારો પણ છે...