પોલીસનો દરોડો:કચ્છના માંડવીમાં જુગાર રમતા ભાજપના નગરસેવિકા સહિત 8 મહિલા 51 હજારની રોકડ સાથે પકડાઇ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિસ્તતામાં માનનારા સતાપક્ષના પુરૂષો તો, ઠીક હવે મહિલા પણ ઝડપાઇ રહી છે
  • પોલીસે રોકડ રકમ અને દસ હજારના બે મોબાઇલ મળીને 61,500નો મુદામાલ કબજે લીધો

માંડવી શહેરના બાવાવાડી મધ્યે સુમતિનાથ કોમ્પ્લેક્ષમાં રહેણાકના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને ભાજપના નગરસેવિકા સહિત 8 મહિલાઓને રૂપિયા 51, હજારની રોકડ રકમ તેમજ 10 હજારના 2 મોબાઇલ સહિત 61,500ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસે બાતમીના અધારે સુમતિનાથ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલા હંસાબેન દિલીપભાઇ ઠકકરના ઘરમાં દરોડો પાડ્યો હતો.

હંસાબેન બહારથી મહિલાઓને બોલાવી પોતાના ઘરમાં જુગાર રમાડતા હતા. દરોડા દરમિયાન તીનપતીનો જુગાર રમતા માડવી નગરપાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલર ક્રિષ્નાબેન તરૂણભાઇ ટોપરાણી રહે શાક માર્કેટ પાસે માંડવી તથા પ્રભાબેન સુંદરજી જોષી, મંજુલાબેન નારાણાભાઇ વેકરીયા, રહે રાયણ, ભારતીબેન ભરતભાઇ સલાટ, વસુબા રતનસિંહ જાડજા, રોમતબાઇ આદમ કેચા, હર્ષિદાબેન સંજયભાઇ ખત્રી સહિત આઠ મહિલાઓ જુગાર રમતા રંગે હાથે પકડાઇ ગઇ હતી.

તેમના કબજામાંથી પોલીસે રોકડા રૂપિયા 51,500 તથા મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10 હજાર મળીને કુલે રૂપિયા 61,500નો મુદામાલ કબજે કરીને તમામ મહિલાઓ વિરૂધ જુગારધારાની કલમ તળે ગુનો નોંધ્યો હતો. કોર્ટની તારીખ પર હાજર રહેવાનું કહી મુક્ત કરાઇ હતી. અત્રે ઉલેદનીય છે કે, અગાઉ માંડવી ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષ નીનાબેન સુભાષભાઇ ટાટરીયા (ખત્રી)ના રહેણાકના મકાનમાં દરોડો પાડ્યો અને નવ મહિલાઓ પકડાઇ હતી.

ત્યારે સતાપક્ષના પુરૂષ જુગારમાં પકડાય છે પણ હવે તો, મહિલાઓ પણ જુગાર રમતા પકડાઇ રહી છે. ત્યારે શિસ્તતામાં માનનારો પક્ષમાં કુટેવોના કાળા ધબા વધી રહ્યા છે. આ કામગીરીમાં માંડવી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.સી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દેવરાજ કરશનભાઇ ગઢવી, દિલીપસિંહ સિધવ, દિલીપભાઇ ડામોર, સંજયકુમાર ચૌધરી, મનજીભાઇ ઠાકોર, ભાવનાબેન ચૌધરી, પંખાબેન માળી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

સુધરાઇના મહિલા કાઉન્સિલરને બચાવવા માટે સતાપક્ષના અગ્રણીઓ પોલીસ મથકે દોડી ગયા
નગરપાલિકાના કાઉન્સિલર ક્રિષ્નાબેન તરૂણભાઇ ટોપરાણીની જુગાર રમતા પોલીસે દ્વારા અટકાયત કરાઇ હોવાની હવા શહેરભરમાં ફેલાઇ જતાં ચકચાર મચી ગઇ હતી. તો, મહિલા સેવિકાને બચાવવા સતાપક્ષના કેટલમાક અગ્રણિઓ પોલીસ મથકે દોડી ગયા હતા.