તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ઇદની ઘરાકી નીકળી પણ બજારોમાં નહીં વેપારીઓના ઘરે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનને લીધે દુકાન ખોલવાની મનાઇ, સતત બીજા વર્ષે સીઝન બગડી
  • વેપારી માલ પોતાના ઘરે લઇ જઇ રેગ્યુલર ગ્રાહકોને ફોન કરી જેટલું થાય એ પ્રમાણે કરી રહ્યા છે વેપાર

છેલ્લા અેક માસથી ભુજની બજારોમાં લોકડાઉન લગાવી દેવાયું છે, વેપારીઅો વિરોધ કરી થાકયા પણ તંત્ર તરફથી કોઇ રાહત મળી ન હતી. અલબત્ત, દુકાન ખુલી દેખાશે તો દંડ નહીં પણ સીલ કરવાની સૂચના પોલીસ તંત્રે અાપી હતી. રમજાન ઇદની ઘરાકી નીકળી છે પણ બજારો બંધ હોવાથી વેપારીઅોના ઘરે ગ્રાહકોનો જમાવડો થયો હતો.

રમજાન માસમાં રેડીમેડ કાપડ અને બુટ-ચંપલની ભારે ઘરાકી નીકળે છે. ભુજની બજાર બંધ હોવાથી ગ્રાહકો અન્ય શહેરમાંથી ખરીદી કરતા હોવાની વાત સામે અાવી હતી જેથી વેપારીઅોઅે વિરોધ નોંધાવ્યો હતો. તંત્ર તરફથી કોઇ રાહત ન મળતા વેપારીઅોને સીઝન બગડે તેવી ભીતિ થઇ હતી. વેપારીઅો શરૂઅાતમાં અેકાદ કલાક માટે દુકાન ખોલી નાખતા હતા પણ પોલીસ તંત્રે દંડ નહીં પણ સીલ કરવાની સૂચના અાપી હતી.

અામ, વેપારીઅો પાંગળા થઇ ગયા હોવાથી દુકાનમાં રહેલો જથ્થો પોતાના ઘરે લઇ જઇ રેગ્યુલર ગ્રાહકોને વ્હોટસઅેપથી જાણ કરી દેવાઇ હતી. અામ, ભુજની બજારો બંધ હોવાથી ગ્રાહકોની ઘરાકી બજારમાં નીકળવાને બદલે વેપારીઅોના ઘરે નીકળી છે.

અેકાદ બે વેપારી તો માધાપરમાં દુકાન ભાડે લીધી
ભુજથી માધાપર નજીક છે અને ગ્રાહકો પણ ત્યાં અાવી શકે તેમ હોવાથી અેકાદ બે કપડાના વેપારીઅો માધાપરમાં દુકાન ભાડે રાખી લીધી છે. ભુજની દુકાનમાં રહેલો સ્ટોક માધાપર લઇ જઇ ત્યાં પોતાની સીઝન સુધારી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અેકાદ બે કપડાના વેપારીઅોઅે માધાપરમાં દુકાન ભાડે રાખી સીઝન પુરતો જ ધંધો ત્યાં કરવાનો નિર્ણય લીધો હતો.

હેરસલુનના કારીગરો હોમસર્વિસ અાપતા થયા
દરેક વ્યક્તિ મહિનામાં અેક વખત હેરસલુનમાં જતો હોય છે. હેરકટિંગ તેમજ સેવિંગ કરાવવા માટે લોકો હેરસલુનમાં પણ જઇ શકતા નથી. મોટા દિવસોમાં હેરસલુનમાં પણ લાઇનો લાગતી હોય છે અને અેપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે. જો કે, હેરસલુનના કારીગરોના અેવા દિવસો અાવ્યા છે કે ગ્રાહકના ઘરે જઇ હોમસર્વિસ અાપવી પડે છે. કારીગરોને પણ સીઝન સુધારવાની હોય છે અને ગ્રાહકોને પણ હેરકટિંગ સહિતની સર્વિસની ગરજ હોય છે.

લગ્નસરાની સીઝનમાં પણ અોર્ડર અાપતા વેપારીઅો
લગ્નસરાની સીઝન હવે નજીક છે ત્યારે વરરાજા તેમજ દુલ્હનના દાગીના, કપડા સહિતની સામગ્રીના અોર્ડર તો પહેલાથી અપાઇ ગયા હોય છે. હાલ લોકડાઉનમાં દુકાનો ખોલવાની મનાઇ છે ત્યારે દુલ્હા-દુલ્હન તેમજ પરીવારજનોને અોર્ડર મુજબ દાગીના, કપડા, પગરખા, ઇમિટેશન જવેલરી સહિતની સામગ્રી વેપારીઅો અાપી રહ્યા છે. તો બીજી તરફ, અમુકના લગ્ન કેન્સલ થયા હોવાથી કપડા સિવડાવવા માટે અપાયેલા અોર્ડર કેન્સલ થયા છે, અોર્ડર કેન્સલ થતા ડિપોઝીટ વેપારીઅો જપ્ત કરતા હોય છે પણ અા દિવસોમાં વેપારીઅો ડિપોઝીટ જપ્ત કરવાને બદલે પરત અાપી દેવાનો માનવીય અભિગમ દાખવ્યો હતો.

ખાણી-પીણીના ધંધાર્થીઅો ઘરેથી વેચાણ કરતા થયા
રમજાન માસ દરમિયાન સાંજે રોજેદારો રોજો છોડવા માટે અવનવી અાઇટમો લેવા હોય છે, પણ હાલ લોકડાઉનને કારણે ફ્રુટ સિવાય કોઇને પણ છુટછાટ અાપવામાં અાવતી નથી. ભેલ, રોડી, ભજીયા સહિતના ધંધાર્થીઅો રમજાન માસમાં પોતાના ગ્રાહકોને સાચવવા માટે ઘરેથી ધંધો કરતા થયા છે. ફોન અથવા વ્હોટસઅેપથી અોર્ડર અાપી દેવાય છે અને સાંજે છથી સાત વાગ્યા દરમિયાન તે ચીજવસ્તુ ધંધાર્થીના ઘરેથી મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...