કાર્યક્રમ યોજાયો:કચ્છી બોલીનો બંધારણમાં સમાવેશ કરવા પ્રયત્નો કરાશે : ડો.નીમાબેન આચાર્ય

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીમાં દુલેરાય કારાણીની પ્રતિમા મૂકાશે: કચ્છ યુનિવર્સિટી ખાતે સાહિત્ય અકાદમીનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

પંડિત શ્યામજી કૃષ્ણવર્માની જન્મજયંતિ દિને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભુજ ખાતે કચ્છડો ખેલે ખલકમેં કાર્યક્રમ યોજાયો હતો.રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સાહિત્ય અકાદમીનો કચ્છી સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક સમારોહ પણ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું કે, બંધારણમાં કચ્છી બોલીનો સમાવેશ કરાવવાના પ્રયત્નો કરાશે. કચ્છની સંસ્કૃતિને દીપાવવાના અકાદમીના પ્રયત્નો અને સર્જકોને હું બિરદાવું છું. સાક્ષરકવિ સાહિત્કાર દુલેરાય કારાણીની પ્રતિમાનું અનાવરણ કરાય તેનું સન્માન વધારવાનું અમને સૌને ગૌરવ રહેશે.

ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી ડો.જયેન્દ્રસિંહ જાદવે સ્વાગત પ્રવચનમાં અકાદમીના કાર્યો અને તેના આધુનિકરણની વાત કરી અકાદમી કચ્છી સાહિત્કારોને પોંખવા ઘર આંગણે આવી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયાએ જણાવ્યું કે, કચ્છી બોલીમાં કચ્છી ભાષા સર્જકોની નવી હરોળ ઉભી થવી જોઇએ અને કચ્છી બોલીનો પણ બંધારણમાં જલદીથી સમાવેશ થવો જોઇએ. કચ્છની ભૂમિના સપૂત ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની આજે જન્મજયંતિ અને તેમના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં કચ્છની સંસ્કૃતિ પોંખાઇ રહી છે.

કવિ દુલેરાય કારાણીની પ્રતિમા આ પ્રાંગણમાં સૌની સહમિતથી મુકાશે એમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારતીય ભાષા સંમેલન, સંગીત રેયાણ અને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક સન્માન સમારોહ અમારે આંગણે છે તે આનંદદાયક છે.પુષ્પદાન ગઢવીની આગેવાની હેઠળ રૂ.૫ લાખનું અનુદાન મળ્યું છે. હમીરજી રત્નું લોક સાહિત્ય કેન્દ્ર આજથી યુનિવર્સિટીએ શરૂ કર્યુ છે. તેમાં આ અનુદાન આપ્યું છે. કચ્છી ભાષામાં પણ પીએચડી થવાય તેવા પ્રયત્નો કરાશે.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ કચ્છી સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક હેઠળ વાર્તા વિભાગમાં લેખક વિશ્રામ ગઢવી, ડો.રમેશ ભટૃ “રશ્મિ” રમેશ રોશિયા “રોશન” કવિતા વિભાગમાં પબુ ગઢવી “પુષ્પ” ડો.કાંતિ ગોર “કારણ” ને બાળ કવિતા વિભાગમાં ડો.મંજુલા બેન ભટૃ “યાચના”, વર્ષ ૨૦૧૮ માટે તેમજ વર્ષ ૨૦૧૯ના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વિજેતાઓમાં નાટક માટે ડો.કાંતિ ગોર “કારણ” ને વાર્તા માટે શામજી મહેશ્વરી “શામ” ને તેમજ કવિતા માટે હરેશભાઇ દરજી “કસબી” ને અને નિબંધ માટે વિશ્રામ ગઢવીને ઈનામી રકમના ચેક, મોમેન્ટો, પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

આ તકે ભારતીય ભાષા કવિ સંમેલન અને સંગીત રેયાણ માટે ઉપસ્થિત અગ્રણી સાહિત્યકાર પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પદ્મશ્રી નારાયણભાઇ જોશી, “કારાયલ”, ડો.ધીરેન્દ્ર મહેતા, જયંતિ જોષી “શબાબ”, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર જી.એમ.બુટાણી, , અગ્રણી શિક્ષણવિદો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...