તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી વિના ઘટાડો:15 દિ’ દરમિયાન કોરોનાની 396 પથારી ઘટાડી દેવાઈ

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મે મહિનાની 22 તારીખે 4376 હતી, જૂન માસની 5 તારીખે 3980 કરી દેવાઈ
  • કચ્છમાં નવા સંક્રમિતોના ઉમેરા કરતા સાજા થનારામાં 2થી 8 ગણો વધારો થતા, ફેરફાર કરવાની તંત્રને ચાનક ચડી

કચ્છમાં મે મહિનાની 22મી તારીખે કોરોનાની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂમ અેર, અોક્સિજન, બાય પેપ અને વેન્ટિલેટર સહિતની કુલ 4376 પથારી કરી દેવાઈ હતી. જે છેલ્લા પંદર દિવસ દરમિયાન ફરી ઘટાડતા ઘટાડતા જૂન મહિનાની 5મી તારીખે 3980 પથારી કરી દેવાઈ છે. અામ છેલ્લા 15 દિવસમાં કુલ 396 પથારી ઘટાડી દેવાઈ છે. જે ઘટતા ઘટતા ફરી મે મહિનાની 6ઠ્ઠી તારીખની સ્થિતિઅે પહોંચી ગઈ છે.

કચ્છમાં અેપ્રિલ માસમાં કોરોની બીજી લહેર અંકુશ બહાર થઈ ગઈ હતી, જેથી માસાંતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કચ્છ જિલ્લા અારોગ્ય પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાઅે સ્થિતિ થાળે પાડવા જિલ્લાની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઅો ઉપરાંત સરકારી અારોગ્ય અધિકારી, તબીબી અધિકારી અને ખાનગી તબીબો જોડે બેઠક યોજીને સ્થિતિનો તાગ મેળવી ઉકેલ શોધવા પ્રયાસ કર્યો હતો, જેમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારની છૂટ અાપવા ઉપરાંત સરકારી અને ખાનગી સેવાભાવી સંસ્થાઅોની હોસ્પિટલોમાં પથારીની સુવિધા વધારવાનો પણ નિર્ણય લેવાયો હતો, જેથી મે મહિનાથી 2જી તારીખથી ક્રમશ: પથારીઅો વધારવામાં અાવતી હતી.

જોકે, ત્યારબાદ નવા સંક્રમિતોના ઉમેરા સામે સાજા થનારાની સંખ્યામાંથી ક્રમશ: 2થી 8 ગણો વધારો થવા લાગ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઅોની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો, જેથી ધીરેધીરે સેવાભાવી ખાનગી સંસ્થાઅો ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં પણ પથારીની સંખ્યામાં ઘટાડો કરવાની શરૂઅાત કરી દેવાઈ.

શું જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 1200ના મોત થયા છે ?
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કોરોનાની પથારીની કુલ 3980 પથારીમાંથી 3050 ઉપલબ્ધ બતાવાય છે. અેટલે કે , 930 સક્રિય દર્દીઅો થાય. પરંતુ, બીજી તરફ સક્રિય દર્દીની સંખ્યા 1684 બતાવે છે. બંને અાંકડા વચ્ચે 754 દર્દીઅોનો તફાવત અાવે છે. તો અે 754 દર્દીઅોની સ્થિતિ શું છે ? અે બતાવાતું નથી. અેવી જ રીતે અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ દર્દીઅો, હજુ સુધી સાજા થયેલા દર્દીઅો, સક્રિય દર્દીઅો અને મૃત્યુ પામેલ કુલ દર્દીની સંખ્યામાં પણ 167નો તફાવત અાવે છે. અે 167 દર્દીઅોની સ્થિતિ પણ છુપાવાઈ છે. અામ, પ્રશ્ન થાય છે કે, શું 754 વત્તા 167 વત્તા મૃત જાહેર કરાયેલા 279 દર્દી મળીને કુલ 1200 દર્દીઅો હજુ સુધી મોત થયા છે ? જો 1200 દર્દીઅોના મોત નથી થયા તો બાકી 921 દર્દીઅોની સ્થિતિ બતાવાતી કેમ નથી ? અે પણ અેક પ્રશ્ન છે.

ભરાયેલી પથારી અને સક્રિય દર્દીના અાંકડા વચ્ચે 754નો તફાવત !
જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના પી.અે. સુભાષ ધોળકિયા મારફતે કોરોનાની સ્થિતિનો રોજેરોજ અપડેટ પૂરું પાડવામાં અાવે છે, જેમાં જૂન મહિનાની 5મી તારીખે અેર રૂમની 1895માંથી 1502, અોક્સિજનની 1846માંથી 1402 અને બાયપેપ, વેન્ટિલેટરની 239માંથી 146 પથારી ખાલી બતાવાઈ હતી. અેટલે કે, ત્રણેય મળીને કુલ 930 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ થાય. જ્યારે બીજી તરફ સક્રિય દર્દીઅોનીં સંખ્યા 1684 બતાવાઈ હતી. અામ, બંને વચ્ચે 754 દર્દીઅોનો તફાવત છે, જેથી પ્રશ્ન થાય છે કે, બાકીના 754 દર્દીઅો કયા. કેમ કે, અગાઉ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે માધ્યમો સાથે સંવાદ સાધવા બેઠક યોજી હતી, જેમાં જણાવાયું હતું કે, પી.અે. દ્વારા અપાતા અપડેટમાં હોસ્પિટલના દર્દીઅોની સ્થિતિના અાંકડા છે.

રોજેરોજ અપાતા અપડેટમાં 167 દર્દીની સ્થિતિ જણાવાતી નથી
જૂન મહિનાની 5મી તારીખે અપડેટમાં જણાવાયું છે કે, જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ દર્દી 12431 છે, જેમાંથી હજુ સુધી કુલ 10635 દર્દી સાજા થઈ ગયા છે. કુલ પોઝિટિવ દર્દીમાંથી કુલ સાજા થયેલા દર્દી બાદ કરીઅે તો બાકી 1796 રહે છે. પરંતુ, સક્રિય અેટલે કે હોસ્પિટલમાં સારવાર હેઠળ 1684 દર્દી અને સારવાર દરમિયાન કુલ મોત 279 બતાવાય છે. સક્રિય 1684 અને મૃત્યુ પામેલા 279 મળીને કુલ 1963 થાય છે. મતલબ રોજેરોજ અપડેટ થતા અાંકડામાં પણ 167 દર્દીઅોની સ્થિતિનો હિસાબ બતાવાતો નથી!

6ઠ્ઠી મેના 3984 પથારી હતી
મે મહિનાની 6ઠ્ઠી તારીખે અેર રૂમમાં 2290, અોક્સિજનની 1472, બાય પેપ, વેન્ટિલેટરની 222 મળી કુલ 3984 પથારી હતી. જ્યારે જૂન મહિનાથી 5મી તારીખે અેર રૂમમમાં 1895, અોક્સિજનની 1846, બાય પેપ, વેન્ટિલેટરની 239 મળી કુલ 3980 પથારી કરી દેવાઈ છે.

અધિકારીઅો પાસે હિસાબ નથી ! શું લોક પ્રતિનિધિઅો પૂછાણું લઇ જવાબ આપશે?
જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના પી.અે. સુભાષ ધોળકિયાનો કોલ રિસીવ થયો ન હતો. જિલ્લા વિકાસ અધિકારીનો મોબાઈલ બીજી અાવતો હતો અને વચ્ચેથી કાપી નાખ્યો હોય અેવી સૂચના અાપતી કેસેટ સંભાળતી હતી. મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. માઢકનો કોલ પણ બીજી અાવતો હતો. તમામને વ્હોટ્સ અેપ કરી પૂછ્યું તો સી.ડી.અેચ.અો.અે વાંચી લીધા પછી પણ પ્રત્યુત્તર અાપવાની તસદી લીધી ન હતી. હવે અા બાબતે રાજ્યમંત્રી વાસણભાઈ અાહિર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલ કારા અને તમામ ધારાસભ્યો અધિકારીઅોનું પૂછાણું લઈ હિસાબ અાપે કે, કુલ પથારી અને ઉપલબ્ધ પથારી બાદ સારવાર હેઠળના દર્દીઅોની સંખ્યા અને સક્રિય દર્દીઅોના અાંકડામાં અાટલો મોટો તફાવત કેમ છે ? શું ઉચ્ચ અધિકારીઅોની ગણિત કાચી છે ? કેટલા સમયથી અા પ્રશ્ન ઊભો છે છતાં જવાબ અાપવામાં કેમ નથી અાવતો? શું તેઅો પ્રજા પ્રત્યે જવાબદેહી નથી?

ગંભીર સ્થિતિના દર્દીઅો હજુ પણ વધુ
કચ્છમાં શનિવારે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા 393, અોક્સિજન ઉપર રખાયેલા 444 અને બાય પેપ, વેન્ટિલેટર ઉપર સારવાર લેતા 93 દર્દી છે. અામ, હજુ પણ કુલ 537 ગંભીર સ્થિતિના દર્દીઅો સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...