કાર્યવાહી:ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી શહેરની 105 ઈમારતોને પાલિકા દ્વારા સીલ કરાશે

ભુજ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી બાદ કાર્યવાહી કરવા આદેશ
 • પ્રથમ દિવસે 3 બિલ્ડિંગને ફાયર બ્રિગેડની ટીમે તાળા માળ્યા

ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. જે બાદ ભુજ નગરપાલિકાની હદમાં અાવતી બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તો સીલિંગની કાર્યવાહી કરવા અાદેશ થયા છે, જેથી ભુજ નગરપાલિકાઅે શહેરની 108 બહુમાળી ઈમારતોની યાદી તૈયાર કરી છે, જેમાંથી પાર્શ્વનાથ ચેમ્બર, જયરત્ન અેપાર્ટમેન્ટ, સરગમ અેપાર્ટમેન્ટને સીલ કરાયાના હેવાલ છે.

ફાયર બ્રિગેડના વડા સચિન પરમારે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના અાદેશના પગલે પ્રાદેશિક કમિશ્નરની કચેરીઅેથી કાર્યવાહી કરવા હુકમ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે બહુમાળી ઈમારતોઅે ફાયર બ્રિગેડની અેન.અો.સી. મેળવી નથી અેમની સામે ક્રમશ: કાર્યવાહી કરવા જણાવાયું છે, જેમાં અગાઉ 3 નોટિસ અાપી હતી અને હજુ 3 નોટિસ અાપવામાં અાવશે. જે બાદ ગટર, પાણી સહિતના જોડાણ કાપવાની કામગીરી થશે. અામ છતાં પણ અેન.અો.સી. લેવામાં નહીં અાવે તો સીલિંગ સહિતની કામગીરી કરવામાં અાવશે. અત્યાર સુધી ન્યૂ ્સ્ટેશન રોડ ઉપર પાર્શ્વનાથ ચેમ્બર અને જયરત્ન અેપાર્ટમેન્ટ, અનમ રિંગ રોડ પર સરગમ અેપાર્ટમેન્ટની સીલ કરાયા છે.

રહેવાસીઅોની સુવિધા માટે પૂરતો સમય અપાશે બાદમાં જ થશે તાળાબંધી
ફાયર બ્રિગેડના વડા સચિન પરમારે જણાવ્યું હતું કે, હાલ જે બહુમાળી ઈમારતોમાં લોકો રહે છે અે બહુમાળી ઈમારતોને અેન.અો.સી. મેળવી લેવા પૂરતો સમય અાપવા નોટિસો અપાઈ છે. અામ છતાં ફાયર સેફ્ટીના સાધનો લગાડેલા નહીં જણાય તો ઈમારત ખાલી કરી જવા કહેવાશે. ત્યારબાદ ઈમારતને તાળાબંધી કરવામાં અાવશે.

માત્ર ગ્રાઉન્ડ ફ્લોર શૈક્ષણિક સંસ્થાઅોને લઘુતમ સુવિધા
9 મીટર કે 9 મીટર કરતા અોછી ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઅોની ઈમારતોમાં લઘુત્તમ ફાયર સેફ્ટીની સુવિધા કરવાની છૂટછાટ અપાઈ છે, જેમાં માત્ર ગ્રાઉન્ડ ફ્લોર ધરાવતી શૈક્ષણિક ઈમારતોમાં દરેક માળે 4.5 કે.જી. અને 6 કે.જી. અેમ 2 નંગ ફાયર અેક્ટિંગ્યુસર રાખવાના રહેશે. અેવી ઈમારતો ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ અેકથી બે માળ રહેશે.

NOC મેળવવા લગાડવાના જરૂરી સાધનો

 • ફાયર અેક્ઝિટ સાઈન બોર્ડ
 • ફાયર સેફ્ટીના સાધનોના ફોટો ગ્રાફ અને વીડિયો
 • અેક્સ્ટીગ્યુસરનો તાજો રિફીલિંગ પ્રમાણપત્ર
 • દરેક ફ્લોર પર 6 કે.જી. અને સી.અો. ટુ 4.5 કે.જી.ના બાટલા
 • પગથિયા અાવરી લેવાય અે રીતે હોઝરીલ, હોઝપાઈપ, હાઈડ્રન્ટ વાલ્વ, સોર્ટ નોઝલ, હોઝ બોક્સ અેલાર્મ સિસ્ટમ
 • લેન્ડિંગ વાલ્વ પાસે પમ્પ અોન/અોફ કરવા સ્વીચ
 • પાર્કિંગમાં અોટોમેટીક સ્પ્રિન્ક્લર સિસ્ટમ
 • કે.જી./સેમીર પ્રેસર માટે અેચ.પી. પમ્પ
 • 25000 લીટરની ક્ષમતાનો અન્ડર ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ ટેન્ક
 • અોવર હેડ ટેન્કમાં રાઈઝર સાથે જોડાણ
 • ફાયર ઈનલેટ

​​​​​​​તાળા લાગ્યા અે ત્રણેય ઈમારતમાં કોઈ નથી રહેતા
હાલ જે બહુમાળી ઈમારતોને તાળા લગાડાયા છે. અે ત્રણેય ઈમારતોમાં કોઈ નથી રહેતા, જેથી પ્રશ્ન થાય છે કે, જે ઈમારતમાં કોઈ રહેતા નથી. અે બિલ્ડિંગમાં જાનહાનિનો સવાલ જ ક્યાં રહે છે.

ફાયર સેફ્ટીના સાધનો વિના મંજુરી કેમ અપાઈ
સૂત્રોઅે જણાવ્યું હતું કે, જે બહુમાળી ઈમારતોમાં નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો લાગ્યા નથી. અે બહુમાળી ઈમારતોને મંજુરી જ કેમ મળી છે. અે માટે જવાબદાર તંત્ર સામે પગલા શા માટે નથી ભરાતા.

શહેરમાં વ્યવસાય મુજબ ઈમારતો
શહેરમાં વ્યવસાય મુજબ હોસ્પિટલો 35, શાળાઅો 13, બહુમાળી ઈમારતો 105, હોટેલ અને રેસ્ટોરેન્ટ 12, કોમર્સિયલ 6, ટ્યૂશન ક્લાસિસ 12, સિનેમાઘર 3 ઈમારતો છે.

અન્ય સમાચારો પણ છે...