માંડવીનો વહાણ ઉદ્યોગ ધમધમતો થયો:દુબઈના શેખના સપનાનું ત્રણ માળનું વહાણ સાત કરોડના ખર્ચે તૈયાર કરાયું, દિવાળી બાદ ડિલિવરી અપાશે

ભુજ25 દિવસ પહેલાલેખક: મયુર ઠક્કર
  • ત્રણ માળના વહાણના નિર્માણ માટે 25 કારીગર ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે

કચ્છનું માંડવી દરિયાઈ વહાણ બનાવવા માટે જાણીતું છે. વર્ષોથી અહીં અનેક પરિવારો વહાણ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લાં ત્રણ વર્ષથી અહીં બની રહેલું દુબઈના શેખ પરિવારનું એક વહાણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વહાણ તૈયાર થઈ જતાં હવે દિવાળી બાદ ડિલિવરી કરાશે. શું છે આ મહાકાય વહાણની ખાસિયત જાણીએ...

માંડવીમાં દેશ સહિત વિદેશના વહાણનું નિર્માણ થાય છે
કચ્છના માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ વર્ષો જૂનો છે. એક સમયે અહીં ખૂબ મોટું વ્યાવસાયિક બંદર હતું અને 84 દેશના વાવટા ફરકતા ત્યારે પણ આ ઉદ્યોગ કાયમ હતો અને આજે પણ વિકસિત છે. અહીંના મિસ્ત્રીઓ પાસે દેશના જ નહીં, પરંતુ વિદેશના ગ્રાહકો મનગમતા વહાણ બનાવવાનો ઓર્ડર આપે છે. જ્યાં હાલમાં માંડવીના રમણીય દરિયાકિનારા પર આવેલા સલાયા નજીકના રુકમાવતી નદીના પટ્ટમાં તૈયાર થઈ રહેલા ત્રણ માળના વહાણ બનાવવાનો ઓર્ડર દુબઈના શેખ મોહમ્મદ રશીદ અલમકતુમના ભાઈએ આપ્યો છે. બેસ કીમતી લાકડાઓના સમનવ્યથી તૈયાર કરવામાં આવેલા વહાણને દિવાળી બાદ દુબઈ ખાતે પહોંચાડવામાં આવશે.

શું છે ત્રણ માળના વહાણની ખાસિયત?
અંદાજિત 7 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ત્રણ માળના વહાણને બનાવવા પાછળ દૈનિક 25 કારીગરની મહેનત સાથે ત્રણ વર્ષનો સમય લાગ્યો છે, જેના નિર્માતા ઇબ્રાહિમ ઇસ્માઇલ મિસ્ત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે નખશિખ તમામ બાંધકામ માનવસર્જિત છે. એનું કામ અતિચીવટ અને બારીકાઈથી કરવામાં આવ્યું છે. એ સમુન્દ્રના ખરાબ વાતાવરણનો સામનો આસાનીથી કરી શકે છે. દરેક વહાણ નિર્માણમાં ઉપયોગમાં લેવાતાં લાકડાં મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. એ લાકડાઓનું કટિંગ માંડવી ખાતે કરવામાં આવે છે, જેના દ્વારા બહારનો ઢાંચો તૈયાર કરવામાં આવે છે, જ્યારે અંદરના ભાગ માટેનું લાકડું ગુજરાતના ડાકોર અને ખેડા જિલ્લામાંથી મગાવવામાં આવે છે. તો દેશી બાવળના થડનો પણ એમાં ઉપયોગ કરાય છે. આ જ પ્રકારે અમે દુબઈ માટેનું 180 મીટર લંબાઈ ધરાવતું વહાણ નિર્માણ કર્યું છે. એના ત્રીજા માળે રહેલી કેબિનો સંપૂર્ણ વાતાનુકૂલિત છે.

માછીમારી માટે વહાણનો ઉપયોગ કરાશે
વહાણ નિર્માણની વ્યવસ્થા સંભાળતાં જાવેદભાઈ મિસ્ત્રી (લોહાર વઢા)એ વહાણની ઉપયોગીતા વિશે જણાવ્યું હતું કે દુબઈના શેખના ભાઈ માટે તૈયાર કરાયેલા વહાણ દ્વારા દુબઈ આસપાસના સમુન્દ્રી વિસ્તારમાં માછીમારી કરાશે, માછીમારી માટે વહાણમાં રખાયેલાં સાત જેટલાં નાનાં વહાણોને જહાજમાં લાગેલા ક્રેન દ્વારા દરિયામાં ઉતારવામાં આવશે, જેના દ્વારા એકત્ર થયેલી માછલીઓને જાળવી રાખવા વહાણના ભાંકિયામાં એસી ગોડાઉનની સુવિધા રખાઈ છે.

માંડવીમાં નિર્માણ કરાયા બાદ વધુ કામગીરી દુબઈમાં થશે
વહાણમાં લગાવવાના શક્તિશાળી ઇન બોટ મશીન, લાઈટિંગ અને સંદેશવ્યવહારનાં ઉપકરણો દુબઈ ખાતે લગાડવામાં આવશે, જ્યાં એનું નામકરણ થશે. આ શિપનું કલરકામ પૂર્ણ થયે દિવાળી બાદ અન્ય શિપ સાથે ટોઇંગ કરી દુબઈ પહોંચાડવામાં આવશે, જેના પર લખેલું હશે મેડ ઇન ઇન્ડિયા (માંડવી)

અન્ય સમાચારો પણ છે...