તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંજરાપોળોની હાલત કફોડી:કચ્છમાં દુષ્કાળના ઓછાયા હેઠળ લાખો અબોલ પશુઓના નિભાવ પર ઘેરી અસર

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાસચારાના બમળા ભાવ અને અછતથી પાંજરાપોળોની હાલત કફોડી
  • આગામી દિવસોમાં ઘાસ, રાહત અને દાન ન મળે તો પશુઓને ખૂલ્લા છોડવાની તોળાતી નોબત

કચ્છમાં વરસાદની કમીના કારણે પરિસ્થિતિ હવે કઠિન બનતી દેખાઈ રહી છે. અષાઢના અવતરણ બાદ ઓઝલ થયેલા મેઘરાજા વાદળ બની વિખેરાઈ જતા ખેડૂત, પશુપાલક અને લોકોની વરસાદની અપેક્ષા પણ વિખેરાઈ ગઈ છે, જનજીવન દુષ્કાળના ઓછાયા હેઠળ આવી ગયું છે જેની હાલ સીધી અસર પશુઓ અને તેના નિભાવ પર પડી રહી છે.

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર ખાતે આવેલી જીવદયા મંડળ સંચાલિત પાંજરાપોળની વાત કરવામાં આવે તો પશુ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતની અગ્રગણ્ય પાંજરાપોળ પૈકીની એક છે. જેમાં હાલ 8 હજાર જેટલા અબોલ પશુઓનું પાલનપોષણ થઈ રહ્યું છે જેનો દૈનિક ખર્ચ 6 લાખ જેટલો થવા જાય છે. મુખત્વે મુંબઇ વસતા વગડવાસીઓના આર્થિક સહયોગથી સુચારુ રીતે ચાલતી પાંજરાપોળમાં છેલ્લા દોઢ વર્ષના કોરોનાકાળથી દાનની રકમ પર વ્યાપક અસર પહોંચી છે. તેમાં વરસાદ ના થતા ઘાસ ચારાને લઈ અનેક મુશ્કેલીઓ ખડી થવા પામી છે.

આ વિશે રાપર પાંજરાપોળના મંત્રી વિપુલભાઈ મહેતા અને જીવદયા કાર્યકર રાજેશભાઇ મોરબીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ચોમાસા દરમ્યાન ખેડૂતો રામ મોલ લેતા હોઈ ઘાસ માટે સામાન્ય ખેંચ રહેતી હોય છે પરંતુ કુદરતી ઘસનો સહયોગ મળી રહે છે. જ્યારે આ વખતે વરસાદ ખેંચાઈ જતા ઘસનું વાવેતર પૂરતા પ્રમાણમાં થયું નથી જે આવતા દિવસોમાં તેની અસર દેખાશે.

હાલ પશુઓ માટેનો ઘસનો જથ્થો વિરમગામ, ડીસા અને સુરેન્દ્રનગર સહિતના અન્ય જિલ્લાના પ્રાંતમાંથી મંગાવવો પડી રહ્યો છે. દાનનની રકમ ઘટી ગઈ છે તેના વચ્ચે બમળા ભાવે બહારથી મંગાવો પડતો ઘાસચારાના કથ્થા માટે પરિવહન ખર્ચ પણ વધી જાય છે એ પરિસ્થિતિમાં ગાય તથા અન્ય અબોલ પશુઓનો નિભાવ ખુબજ મુશ્કેલ બન્યો છે. જો હજુ વરસાદ ના પડ્યો તો આ જીવોને જીવાડવા અશક્ય બની જશે. અત્યારના સમયમાં ગાયોના પ્રતાપેજ પાંજરાપોળ ચાલી રહી હોય એવું લાગે છે પણ ભવિષ્યના દિવસો માટે સરકાર તાકીદની સહાય જાહેર કરે અથવા અન્ય રાજ્યોમાંથી જેમ પાછળના વર્ષોમાં મંગાવવામાં આવેલા સૂકા ઘસની ઘસડીઓ રેલવે મારફત મંગાવી આપે તે અતિ આવશ્યક બની ગયું છે.

કચ્છમાં અનેક નાની મોટી ગૌશાળાઓ આવેલી છે જ્યાં 50 થી 5 હજાર સુધીની સંખ્યામાં ગૌ પાલન થઈ રહ્યું છે. રાપર પાંજરાપોળ સિવાય પદમપર, આડેસર, લાકડિયા, ખરોઇ, ભચાઉ તો પશ્ચિમ કચ્છમાં રાતા તળાવ, નખત્રાણા ગૌ સેવા કેન્દ્રની સાથે જિલ્લામાં વિવિધ પાંજરાપોળ પણ આવેલી છે જેમાં ગાય સાથે અન્ય અબોલ પશુઓને સંચવવામાં આવે છે. તે સિવાય નાના અને મોટા પ્રમાણમાં ખાનગી ધોરણે થતા પશુપાલન હેઠળ પશુ નિભાવ થઈ રહ્યો છે જે પશુઓની સંખ્યા લાખોમાં છે ત્યારે વરસાદ ખેંચાઈ જતા કોરોનાકાળમાં આર્થિક ભીંસની પરિસ્થિતિ વચ્ચે ઘાસચારાની તંગી અને બમળા ભાવથી સંકટની સ્થિતિ નિર્માણ પામી છે.

ભચાઉ પાંજરાપોળની સ્થિતિ અતિ નાજુક સ્તરે પહોંચી ચુકી છે અહીં નભતા અબોલ પશુઓ માટે આવતો ઘાસ ચારો મેળવવા અતિ મુશ્કેલ બની રહ્યો છે. જો વરસાદ ના પડે કે તંત્ર સહાય ના કરે તો ના છૂટકે ઢોરઢાખરને ખુલ્લા છોડી દેવા પડશે એવું સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઇ રતનશી શાહે કહ્યું હતું. તેમણે આગળ વાત કરતા જણાવ્યું હતું કે 40 કિલોના રૂ.70ના ભાવથી મળતો લીલો ચારો અત્યારે રૂ. 170ના ભાવે માળી રહ્યો છે.

સ્થાનિકે વાવેતર ઓછું હોવાથી ચારાની અછત રહે છે અને બમણા ભાવ આપવા છતાં ચારોં નથી મળી રહ્યો. વરસાદના અભાવે સીમાળામાં કુદરતી ઘાસ ના થતા ગાય, વાછડા, પાડા વગેરે જીવો પાંજરાપોળમાં રાખી ખીરાકની વ્યવસ્થા કરવામાં આવે છે, કોરોના આવ્યા બાદ 75 ટકા દાનની આવક ઘટી ગઈ છે સંસ્થા દ્વારા દાનની અપીલ કરવી પડી રહી છે. સરકાર દ્વારા પશુ દીઠ રૂ. 25ની સબસીડી જાહેર કરવામાં આવી હતી તે જૂન અને જુલાઈ માસની હજુ સુધી મળી નથી, વાપી વલસાડથી સૂકી ઘસડી જે રૂ . 5થી 6ના ભાવે મળતી તે પ્ણ હવે 11 રૂપિયાના ભાવે ખરીદવી પડી રહી છે. વરસાદ ના પડે ત્યાં સુધી સરકારે મોટી રાહત આપવી જરૂરી બન્યું છે અન્યથા અબોલ પશુઓને બચાવવા મુશ્કેલ છે.

પશ્ચિમ કચ્છના નખત્રાણા ખાતે આવેલા ગૌ સેવા કેન્દ્રમાં 585 જેટલી ગાયો રાખવામાં આવેલી છે જેનો નિભાવ દાતાઓના સહયોગથી ચાલે છે પરંતુ દાતાઓની એક મર્યાદા હોય છે દાન આપવાની તેથી વહીવટી તંત્ર દ્વારા પશુ નિભાવ માટે યોગ્ય નિવારણ જરૂરી છે એવું સંસ્થાના લાલજીભાઈ રામાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...