કચ્છ જિલ્લામાં માવઠાનું સંકટ:ભુજ, નખત્રાણા, અબડાસા, લખપત અને ભચાઉ તાલુકામાં ઝરમર વરસાદ, રવી પાકને નુકસાની થવાની ભીતિ

ભુજ17 દિવસ પહેલા
  • ભુજમાં સમયાંતરે ઝરમર છાંટા, નખત્રાણા, ટોડીયા અને આસપાસના ગામોમાં ઝરમર વરસાદ
  • આવું વાતાવરણ ત્રણ-ચાર દિવસ રહ્યું તો દૈનિક 5 ટકાની નુકશાની સાથે 50 ટકાથી વધુ પાક નિષ્ફળ જશે : ખેડૂત

કચ્છમાં ફરી એક વખત કમોસમી વરસાદની શરૂઆત થવા પામી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં વાતાવરણ વાદળછાયું બની ગયુ છે અને જિલ્લા મથક ભુજ સહિત નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં ઝરમર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના પગલે માહોલ શુષ્ક બની ગયો છે. જેની સીધી અસર જનજીવન પર વર્તાઈ રહી છે. વધુ વરસાદના ભયે ખેડૂતોમાં ખેતરમાં રહેલા ઉભા પાકને નુકશાન પહોંચવાની ચિંતા વ્યાપી ગઈ છે.

ભુજમાં સમયાંતરે ઝરમર છાંટા પડી રહ્યા છે. તો નખત્રાણા અને તાલુકાના ટોડીયા અને તેની આસપાસના ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. અબડાસા તાલુકાના નલિયામાં આજે વહેલી સવારે વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી વહી નીકળ્યા હતા. જેને પગલે ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી અને સાથે રામપર અબડા, ગોયલા, મોખરા, છાડુરા, તેરા, જગડિયા, ઐડા, બુટા જેવા વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

રવીપાકને માઠી અસર થવાના એંધાણ
માધાપર નવાવાસના સરપંચ અરજણ દેવજી ભુડિયાએ જણાવ્યું હતું કે મારી વાડીમાં હાલ ઘઉં અને રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે. આજ પ્રકારે અન્ય ખેડૂતોએ વિવિધ શિયાળુ વાવેતર કર્યું છે. આ તમામને માટે કમોસમી વરસાદ પીડાનો વરસાદ બની રહ્યો છે. દિવાળી ઉપર કરવામાં આવેલા શિયાળુ પાકના વાવેતરમાં હવેજ પાકમાં ફુલમાંથી દાણો પકડવાની શરૂઆત થતી હોય છે. જેના માટે સૂર્યની ગરમી અનિવાર્ય છે જે આજે સર્જાયેલા માહોલથી નથી મળી રહી. જેના કારણે ઘરૂં, રાયડો, જીરું, કપાસ, વરિયાળી વગેરે પાકને ખૂબ જ નુકશાનકર્તા બની રહેશે. માવઠાને પગલે 30 ટકા ઉભા મોલને અસર થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જ વાતાવરણ હજુ ત્રણ ચાર દિવસ રહ્યું તો દૈનિક 5 ટકાની નુકશાની સાથે 50 ટકાથી વધુ પાક નિષ્ફળ જશે અને જે ઉપજ મળશે એ પણ નબળી આવશે. એક પ્રકારે ખેતી માટે હાલનો સમય અતિ મહત્વનો ગણાય છે. જેમ તાજું જન્મ લેતું કોઈ પણ જીવનું બચ્ચું હૂંફ વગર વિકસિત નથી થતું તેમ પાકનું પણ એવુ જ છે. સરકાર મદદ કરે તેમજ કુદરત વ્હારે આવે તો સારું એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...