આમ તો લીમડો કડવો છે પણ તેના ફાયદા અને ગુણોની મીઠાશની સામેં કડવાશ પણ ફિક્કી પડી જાય છે. ઉનાળાના ધોમધખતા તાપમાં છાંયો આપવા સાથે હાલની સીઝનમાં લીમડાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તે લાભદાયી છે.તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ફાયદાકારક છે.
આયુર્વેદના મત પ્રમાણે,ચૈત્ર માસ એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ.આ માસમાં લીમડાના ઝાડ પર મોર આવે છે. ચૈત્ર માસમાં આ મોર ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે.લીમડાની ઔષધિ પ્રત્યે લોકોને સ્વભાવિક રુચિ નથી થતી પરંતુ તે અરુચિ દૂર કરનાર ઉત્તમ ઔષધ છે.
એસિડિટીના દર્દીઓએ ચૈત્ર મહિનામાં લીમડાની માંજર અને કૂમળાં પાનનો રસ પીવો જોઈએ જે રાહત આપે છે તેમજ ચામડીનાં રોગમાં પણ ચમત્કારિક પરિણામ આપે છે. ચૈત્ર માસમાં લીમડાના ફૂલનો રસ પીવાથી શરીરમાં કફનો પ્રકોપ ઓછો થાય છે અને સાથે સાથે ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો સામે રક્ષણ મળે છે.
ઉલ્લેખનીય છે કે,જટિલ અને જૂના રોગોમાં પણ આયુર્વેદિક ઉપચાર અકસીર સાબિત થાય છે,આપણા વડીલો પણ આયુર્વેદના હિમાયતી રહ્યા હોવાથી વયોવૃદ્ધ ઉંમરે પણ સ્વસ્થ જીવન વિતાવી રહ્યા છે.પ્રાચીનકાળમાં ભારતના ઋષિમુનિઓએ આયુર્વેદની ભેટ વિશ્વને આપી છે આજે દુનિયા આ ઉપચારને સ્વીકારી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.