કચ્છ જિલ્લામાં કોરોનાનો નાટકીય ઉતાર-ચડાવ યથાવત રહ્યો હોય તેમ સોમવારે 282 કેસ જાહેર કર્યા બાદ કેસ ઘટીને મંગળવારે 244 દર્દીઓને કોરોના સંક્રમિત જાહેર કરવામાં આવ્યા હતા.આ સાથે 162 દર્દીઓને કોવિડમુક્ત જાહેર કરવામાં આવતા એક્ટિવ કેસ વધીને 1715 થયા છે.
શહેરી વિસ્તારમાં સંક્રમણનો વ્યાપ સતત વધતો હોય તેમ 156 કેસ સાથે સંક્રમણની ગાડી અવિરત રહી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 88 લોકો કોવિડ પોઝીટીવ આવ્યા છે. જિલ્લા પંચાયતની યાદીમાં જણાવ્યા પ્રમાણે,ગાંધીધામ શહેરમાં 78 અને તાલુકામાં 22 કેસ સાથે 100 નવા કેસ નોંધાયાં છે.
ભુજ શહેરમાં 39 અને તાલુકામાં 21 મળી 60 વ્યક્તિઓને ચેપ લાગ્યો છે.અંજાર શહેરમાં 17 અને તાલુકામાં 21 મળી 38, મુંદરા શહેરમાં 9 અને તાલુકામાં 13 મળી 22, માંડવી શહેરમાં 10 અને તાલુકામાં 6 મળી 16, રાપર શહેરમાં 2 અને તાલુકામાં 1 મળી 3, નખત્રાણા તાલુકામાં 2 કેસ નોંધાયા છે.ભચાઉ શહેર અને તાલુકામાં 1-1 મળી 2 અને અબડાસા તાલુકામાં 1 કેસ નોંધાયો છે.
આજે ધ્વજવંદનના સ્થળોએ રસીકરણ કેમ્પ
જિલ્લામાં પ્રિકોશન ડોઝની નબળી કામગીરી છે ત્યારે આ રસીકરણની કામગીરીને વેગવંતી બનાવવા માટે આજે રાષ્ટ્રીય તહેવારના દિવસે રસીકરણની સેશન વધારવામાં આવી છે.
જિલ્લામાં આજે દરેક ગામમાં શાળા કોલેજમાં જ્યાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે તે સ્થળે કોવિડ રસીકરણનો કેમ્પ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે મહત્તમ લોકો રસીનો ડોઝ મુકાવી રાષ્ટ્રીય તહેવારના દિવસે રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી થાય તેવો અનુરોધ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.