વિવાદ:ડ્રેનેજ બ્રાન્ચે 17 લાખનો એસ્ટીમેન્ટ આપ્યો, ચેરમેને 1 લાખમાં કામ કરાવ્યું !

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાટિયા ફળિયા રિંગ રોડ પાસે ગટરની સમસ્યા માત્ર 2 પાઈપ બદલાવી ઉકેલી
  • નગરપાલિકાને હજુ સુધી અપાયેલા કરોડો રૂપિયાના બિલ સામે પણ પ્રશ્નાર્થ

ભુજમાં ધાટિયા ફળિયા રિંગ રોડ પાસે ગટરની સમસ્યા સર્જાઈ હતી, જેથી ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચે અંદાજે 15થી 17 લાખનો અેસ્ટિમેન્ટ અાપ્યો હતો. પરંતુ, કારોબારી ચેરમેન જગત વ્યાસે અંગત રસ લઈ માત્ર 1 લાખ 5 હજારમાં કામ પૂરું કરી બતાવ્યું હતું, જેથી ગટર શાખા દ્વારા અપાતા કરોડો રૂપિયાના બિલ સામે પ્રશ્નો ઊભા થયા છે.ધાટિયા ફળિયા રિંગ રોડ પાસે હિંગલાજ માતાજીનું મંદિર છે. જે સ્થળેથી ગટરની સમસ્યા ઉકેલવા માટે ડ્રેનેજ બ્રાન્ચને કહેવાયું હતું.

ડ્રેનેજ બ્રાન્ચના ઈજનેરે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ચેમ્બરથી ચેમ્બર સુધી ગટરના પાઈપ બદલાવવા પડશે અેવો રિપોર્ટ અાપ્યો હતો, જેથી ખર્ચનો અેસ્ટિમેન્ટ અાપવા જણાવાયું. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રેનેજ બ્રાન્ચે ચેમ્બરથી ચેમ્બર પાઈપ બદલવાનો 15થી 17 લાખ રૂપિયાનો અેસ્ટિમેન્ટ અાપ્યો હતો. પરંતુ, નગરપાલિકાની તિજોરી તળિયાજાટક છે, જેથી પદાધિકારીઅો મૂંજવણમાં મૂકાયા હતા. કારોબારી ચેરમેન જગત વ્યાસ ડ્રેનેજ બ્રાન્ચને લઈને જાતે સ્થળ ઉપર ગયા.

અંગત રસ લઈને જીણવટથી સ્થળ નિરીક્ષણ કર્યું ત્યારબાદ જે ચેમ્બર પાસે સમસ્યા સર્જાઈ હતી અે ચેમ્બર પાસે ખોદકામ કરાવ્યું તો ચેમ્બર પાસે પાઈપનું જોડાણ જણાયું નહીં, જેથી સડી ગયેલા બે-ત્રણ પાઈપ બદલાવી ચેમ્બર સાથે જોડાણ અાપી દીધું. જેનો ખર્ચો માત્ર 1.05 લાખ રૂપિયા અાવ્યો. ફકત અેટલા જ કામ અને રૂપિયામાં ચેમ્બરથી ચેમ્બર સુધીની ગટરની લાઈન કામ કરતી થઈ ગઈ !

નિયમિત સફાઈ થાય તો અા સમસ્યા ન રહે : કારોબારી ચેરમેન-જગત વ્યાસ
કારોબારી ચેરમેન જગત વ્યાસને સમગ્ર ઘટનાની ખરાઈ માટે કોલ કરતા તેમણે જણાવ્યું હતું કે, હા, હિંગલાજ માતાજીના મંદિર પાસે ચેમ્બરથી ચેમ્બર સુધીનું કામ માત્ર અેક ચેમ્બર પાસેના બે-ત્રણ પાઈપ બદલાવવાથી કરાવી લીધું છે. જોકે, તેમણે ડ્રેનેજ બ્રાન્ચ ખર્ચનો કેટલો અેસ્ટિમેન્ટ અાપ્યો હતો અેની રકમથી અજાણતા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, ડ્રેનેજ બ્રાન્ચના રિપોર્ટ મુજબ ચેમ્બરથી ચેમ્બર સુધીની કામગીરી કરીઅે તો 9થી 10 લાખનો ખર્ચ અાવી શકે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગટરની લાઈનો નિયમિત અને પદ્ધતિસર સાફ થતી નથી અેટલે કદાચ અા સમસ્યા સર્જાતી હોય અેવું મારું માનવું છે.

અગાઉ 90 લાખનું કામ 30 લાખમાં કરાવ્યું હતું
કારોબારી ચેરમેન જગત વ્યાસે અા અગાઉ નાના વોકળાથી ભીડ નાકા વાયા રામદેવ પીર મંદિર સુધી જૂની ગટર લાઈન સક્રીય કરવાનું 90 લાખ રૂપિયાનું કામ પણ માત્ર 30 લાખ રૂપિયામાં કરાવ્યું હતું. અામ, તેઅો અંગત રસ લઈ અોછા ખર્ચ વધુ કામ કરાવવામાં માહિર છે.

ચોમાસામાં વાણિયાવાડ પાસે પાણી નહીં ભરાય
ધાટિયા ફળિયા રિંગ રોડ ઉપર ગટરની સમસ્યા ઉકેલાઈ જવાથી હવે વાણિયાવાડ અને વ્હાઈટ બિલ્ડિંગ પાસે પણ પાણી નહીં ભરાય. અામ, અેક સમસ્યા ઉકેલવાથી બીજી અેક સમસ્યા પણ
ઉકેલાઈ ગઈ.

રોડ બનાવવાનો ખર્ચ પણ બચી ગયો
ડ્રેનેજ બ્રાન્ચે ચેમ્બરથી ચેમ્બર પાઈપ બદલવાનો રિપોર્ટ અાપ્યો હતો, જેથી 80થી 85 ફૂટ સુધી ખોદકામ કરી અંદાજે 12 જેટલા પાઈપ બદલવા પડે. જે કામગીરી 15થી 20 દિવસ ચાલે અને ત્યારબાદ ખોદાયેલો રોડ ફરીથી બનાવવો પડે. જે કામ પણ 10 દિવસ ચાલે. જેનો ખર્ચો પણ 7 લાખની અાસપાસ પહોંચી જાય. પરંતુ, માત્ર ચેમ્બર પાસેના 2થી 3 પાઈપ બદલવાનું કામ 12 કલાકમાં પૂરું થઈ ગયું, જેથી ખર્ચો બચી ગયો અને લોકોને અેકાદ મહિના સુધી હાલાકી ભોગવવામાંથી પણ બચાવી લેવાયા.

અન્ય સમાચારો પણ છે...