કચ્છમાં હવે જીરું, ખારેક અને કેરીની સાથે કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટની ખેતી પણ વ્યાપકપણે થઈ રહી છે સાથે સાથે તે ખેડૂતોને આવક પણ કરાવી રહી છે. જેનો ઉલ્લેખ ખુદ દેશના પીએમ મોદીએ ગઈકાલે ભુજ ખાતે આયોજિત હોસ્પિટલના લોકાર્પણના વર્ચ્યુઅલી જાહેર કાર્યક્રમ દરમિયાન કર્યો હતો. ત્યારે ખરેખર આ ડ્રેગન ફ્રુટ ખેડૂતોને આવકમાં લાભદાયક છે ખરા! તે જાણવા ભચાઉ તાલુકાના ચોપડવા ગામના ખેતરોમાં થતી કમલમ ફ્રુટની ખેતી પરથી ખ્યાલ આવશે.
ભચાઉની પશ્ચિમ દિશાએ આવેલા ચોપડવા ગામના આસપાસના વાળી વિસ્તારમાં સ્ટ્રોબેરી બાદ હવે ડ્રેગન ફ્રુટની ખેતી પણ વિશાળ પ્રમાણમાં થઈ રહી છે. અહીં 35 એકર જમીનમાં છેલ્લા 7 વર્ષથી ડ્રેગન ફ્રુટની ખેતીનો શુભારંભ કરનાર નંદગામના ખેડૂત રણધીર ધમાં ચાવડા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે શરૂઆતની બે વર્ષની સખ્ત મહેનત બાદ આ ફ્રુટ ખૂબ લાભકર્તા છે. કારણ કે આ ફ્રૂટના નિભાવ પાછળ ખૂબ ઓછો ખર્ચ લાગે છે. કાંટાળી વેલ હોવાથી તેને પાણીની જરૂર ખૂબ ઓછી પડે છે. તો દાડમના પ્રમાણમાં ડ્રેગન ફ્રૂટને દવા છંટકાવની જરૂર પડતી નથી અને વર્ષમાં ત્રણથી ચાર વખત ઉપજ મેળવી શકાય છે.
ચોપડવાની વાડીમાં ડ્રેગન ફ્રૂટના પાકની રખેવાળી કરતા રમેશભાઈ ઠાકોરે ડ્રેગન ફ્રુટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ આ ફ્રુટની ખેતી કરવા તેની ડાળખીને તોડીને સીધી જમીનમાં રોપવામાં આવે છે જેના જતન પાછળ બે વર્ષ જેટલો સમય લાગી જાય છે. અને વાવેતરના બે વર્ષ બાદ પાક આવતો થઈ જાય છે. જૂન માસથી નવેમ્બર માસ સુધીમાં 6 વખત ઉપજ મળતી રહે છે. એક છોડ 21 વર્ષ સુધી ફળ આપે છે. જે સવા મીટર ઉપર સુધી ઉપર ઊગી નીકળ્યા બાદ તેમાં ફળ ઉગે છે. જોકે તેને ખાસ માવજતની જરૂર નથી પડતી. દાડમની ખેતી લેવા તેમાં સમયાંતરે દવાનો છંટકાવ કરતા રહેવું પડે છે. જ્યારે કમલમની વેલને તેની નહિવત જરૂર પડે છે એ પણ ભાગ્યેજ કે ક્યારેક કમોસમી વરસાદ પડે તો બાકી દવાની જરૂર પડતી નથી. તેમાં અન્ય પાક કરતા પાણી પણ ઓછું ઉપયોગમાં લેવાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકના વિકાસ માટે તેને થાંભલા સાથે ટેકો આપવો પડે છે જેમાં પાંચ વેલ ઉભી રહી શકે છે, એક થાંભલામાં 4 વેલ ટકી રહે છે. જેમાં એક થાંભલા પાછળ રૂ. 900 જેટલો ખર્ચ લાગે છે. એક એકરમાં 400 થાંભલા લાગી શકે છે. અત્યારે અમારે ત્યાં 35 એકરમાં 14 હજાર થાંભલા લાગેલા છે અને અંદાજિત 56 હજાર જેટલા વેલા લાગેલા છે.
કમલમ ફ્રુટમાં સફેદ અને લાલ રંગના નાની મોટી સાઈઝમાં ફળ આવે છે. જે રૂ. 50થી રૂ. 300 કિલોના ભાવે વેચાય છે. જેની ડિમાન્ડ છેક મુંબઇ અને દિલ્હી સુધી રહેલી છે. પાક ઉતરતાની સાથે જ વેચાઈ જાય છે. એમ કહો તો ચાલે કે જેટલો માલ ઉતરે એટલો ઓછો પડે. જેને લઈ સૌથી મોંઘું ફ્રુટ ઓછી માવજતે સારું વળતર આપતું હોવાથી ચોપડવા આસપાસના અન્ય ખેડૂતો પણ હવે આ પાક તરફ વળ્યા છે અને 3થી 4 એકરમાં તેનું વાવેતર કરી રહ્યા છે. હાલ 100 જેટલા એકરમાં માત્ર ચોપડવા આસપાસના વાડી વિસ્તારમાં કમલમ ફ્રુટનું વાવેતર થઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.