• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Dr. Nimaben Is The Official Full time Speaker From The Executive In The Session To Be Held On The 27th After 10 Days

ગૌરવવંતુ પદ:ડો. નિમાબેન 10 દિવસ બાદ 27મીએ મળનારા સત્રમાં કાર્યકારીમાંથી સત્તાવાર પૂર્ણકાલિન સ્પીકર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંદનલાલ ધોળકિયા, ધીરુભાઈ શાહ બાદ કચ્છમાંથી ત્રીજા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ
  • સ્પીકરની પેનલમાં હોઈ અનેક વખત સફળતાપૂર્વક કામગીરી સંભાળી હતી

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીઅે શનિવારે સવારે અચાનક રાજીનામું ધરી દીધું હતું. જે બાદ ભાજપે રવિવારે ફરી સાૈને ચોંકાવી દેતા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કર્યું. ત્યારબાદ સોમવારે મુખ્યમંત્રી તરીકે તેમની શપથવિધિ પૂરી ગઈ. પરંતુ, બુધવારે અસંતોષ અને બળવાની ભીતિથી મંત્રીમંડળની શપથવિધિ રદ કરવાની નોબત આવી હતી. જોકે, અંતે ગુરુવારે બપોરે કોઈપણ જાતના વિરોધ અને વાંધા વગર શપથવિધિ પૂરી થઈ ગઈ, જેમાં વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કચ્છ જિલ્લાના ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય રહ્યા અને હવે 10 દિવસ બાદ 27 તારીખે સત્ર મળશે ત્યારે તેઅો પૂર્ણકાલિન સ્પીકર તરીકે કાર્યભાર સંભાળી લેશે.

ગુજરાત વિધાનસભામાં 1960થી અત્યાર સુધી કુલ 27 ધારાસભ્યો સ્પીકર તરીકે ચૂંટાયા છે, જેમાં કચ્છમાંથી સાૈ પ્રથમ વખત ગુજરાત વિધાનસભાના 5માં સ્પીકર તરીકે ભુજના કુંદનલાલ ધોળકિયાઅે 1975ની 28મી જૂનથી 1977ની 28મી માર્ચ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના 7માં સ્પીકર તરીકે ફરી 1977ની 21મી અેપ્રિલથી 1980ની 20મી જૂન સુધી ભુજના કુંદનલાલ ધોળકિયાની જ વરણી કરવામાં આવી હતી. આમ, ગુજરાત વિધાનસભામાં કચ્છના કુંદનલાલ ધોળકિયાએ બે વખત સ્પીકરની કામગીરી નિભાવી હતી.

પછી છેક 1998ના માર્ચ માસની19મી તારીખે રાપર મત વિસ્તારના ધારાસભ્ય ધીરુભાઈ શાહને ગુજરાત વિધાનસભાના 17માં સ્પીકર બનાવાયા હતા અને તેઅો 2002ની 27મી ડિસેમ્બર સુધી સ્પીકર પદે રહ્યા હતા. હવે 19 વર્ષ પછી વિધાનસભાના 27માં સ્પીકર રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદીઅે રાજીનામું આપી મંત્રી બન્યા અને પ્રોટેમ્પ સ્પીકર તરીકે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યઅે કામગીરી સંભાળી અને 2021ની 27મી સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર મળશે ત્યારે તેમની પૂર્ણકાલિન સ્પીકર તરીકે સત્તાવાર વરણી કરવામાં આવશે. જે બાદ તેઅો ગુજરાત વિધાનસભાના 28માં સ્પીકર બનશે.

અબડાસા, અંજાર અને ભુજ મત વિસ્તારમાં પાંચ વખત ધારાસભ્ય તરીકે અઢી દાયકાની યાત્રા
ડો. નિમાબેન આચાર્ય 1995માં કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટાઈને અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. જે બાંદ 2002માં કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટાઈને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વખત અંજાર મત વિસ્તારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012માં ભારતીય જનતા પાર્ટીઅે તેમને ભુજ મત વિસ્તારના ઉમેદવાર બનાવ્યા.

અે સમયે ભુજ મત વિસ્તારના ભાજપના જ આગેવાનોઅે વિરોધ કર્યો હતો, જેથી સતત ચોથી વખત ચૂંટાશે કે કેમ અે અેક પ્રશ્ન થઈ ગયો હતો. પરંતુ, તેઅો તમામ વિરોધો વચ્ચે બખૂબી વિજયી થયા હતા. જે બાદ અેમના વિશે અેવું કહેવાતું હતું કે, ડો. નિમાબેન આચાર્યને કચ્છ જિલ્લામાં તો ગમે ત્યાં ટિકિટ આપો તોય ચૂંટાઈ જ આવે. પરંતુ, જિલ્લા બહાર પણ ગમે તે મત વિસ્તારમાં ટિકિટ આપો તો પણ સરળતાથી જીત મેળવી લે અેમ છે. ત્યારબાદ 2017 ફરી તેમને ભુજ મત વિસ્તારના ઉમેદવાર બનાવાયા અને તેમણે વિજયયાત્રા ચાલુ રાખી.

પ્રો-ટેમ અને અેક્ટિંગ સ્પીકરમાં ફરક
કોઈ અેક પ્રસંગ પૂરતા જ કામચલાઉ અધ્યક્ષ તરીકે જેમને જવાબદારી સોંપાય અે ધારાસભ્ય અે પ્રસંગ પૂરું થાય તો સ્પીકર નથી રહેતા. જેમને અંગ્રેજીમાં પ્રો-ટેમ સ્પીકર કહેવાય છે. જ્યારે જેઅો સ્પીકરની પેનલમાં હોય અે અેક્ટિંગ સ્પીકર તરીકે જવાબદારી નિભાવતા હોય છે. જેમને અેક્ટિંગ સ્પીકર કહેવાય છે. ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય અેક્ટિંગ સ્પીકર અેટલે કે કાર્યકારી અધ્યક્ષ છે.

2013ની 19થી 22 જાન્યુઆરી કાર્યકારી અધ્યક્ષ
ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય આ અગાઉ 2013ની 19મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી 4 દિવસ કાર્યકારી અધ્યક્ષ (અેક્ટિંગ સ્પીકર) તરીકે કામગીરી સંભાળી ચૂક્યા છે.

પ્રથમ મહિલા સ્પીકર
ગુજરાત વિધાનસભામાં હજુ સુધી અેકેય મહિલા ધારાસભ્ય સ્પીકર બન્યા નથી. ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય પહેલા મહિલા સ્પીકર છે. જોકે, તેઅો કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...