તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:જિલ્લા પંચાયતને 2016/17ના પરિપત્રની યાદ 2021ના કામો સમયે આવી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ પ્રમુખે કર્યો સવાલ : પરિપત્ર મોટો કે માર્ગદર્શિકા
  • શાસક પક્ષમાં જ યશ ખાટવા વિપક્ષ જેવી ભૂમિકા

જિલ્લા પંચાયતમાં 6ઠ્ઠી જુલાઈઅે સામાન્ય સભા મળવાની છે, જેમાં પૂર્વ પ્રમુખે 2020ના વર્ષાંતે મંજુર કરેલા વિકાસ કામોને 2016/17/18ના વર્ષના પરિપત્રનો હવાલો અાપીને રદ કરવાનો તખતો ગોઠવાઈ ગયો છે. જે માટે વખતો વખત થયેલા અન્ય સુધારાઅો બાબતની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરાયો છે, જેથી પૂર્વ પ્રમુખે સવાલ કર્યો છે કે, પરિપત્ર મોટો કે માર્ગદર્શિકા મોટી.

સામાન્ય સભામાં કુલ 18 મુદ્દાનો અેજન્ડા બતાવાયો છે, જેમાં અેજન્ડા નંબર 14મા વર્ષ 2021/22ના સ્ટેમ્પ ડ્યૂટી/રોયલ્ટીના કામોનું અાયોજન કરવા બાબતે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 2016ની 15મી સપ્ટેમ્બર, 2018ની 15મી ફેબ્રુઅારી ઉપરાંત 2017ની 24મી જાન્યુઅારીના વિકાસ કમિશ્નરના પત્રથી કામોની સ્પષ્ટતા અને વખતોવખત થયેલા અન્ય સુધારાઅો બાબતની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરાયો છે.

બીજી બાજુ સ્ટેમ્પ ડ્યૂટી, રોયલ્ટી શેષ સદરના અગાઉ મંજુર થયેલા વિકાસ કામોમાં કરાયેલા ફેરફારને બહાલી અાપવા પણ જણાવાયું છે. જેના પગલે પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાઅે તેમના દ્વારા મંજુર કરાયેલા વિકાસ કામોને રદ કરવાની પેરવી ગણાવી ઉમેર્યું હતું કે, 2020 સુધી કેમ કોઈને પરિપત્રો અને માર્ગદર્શિકા યાદ ન અાવી. મેં અે વિકાસ કામમાં તમામ લોક પ્રતિનિધિઅોના સૂચનો મુજબ અાવરી લીધા છે. જે બાબતે સ્થાનિક રજુઅાત કરી છે. ન છૂટકે અાગળ ઉપર રજુઅાત કરવી પડશે તો કરશું. જરૂર પડશે તો મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોરશું. બીજી તરફ સૂત્રોઅે જણાવ્યું હતું કે, શાસક પક્ષમાં વિકાસ કામોનો યશ લેવા માટે અગાઉના પદાધિકારીના કામો રદ કરવાની રમત રમાઈ રહી છે. અધિકારીઅો અેનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. સામાન્ય સભા પહેલા નવા જૂનીના અેંધાણ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...