સમીક્ષા બેઠક:જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ભુજ ખાતે લાલન કોલેજમાં યોજાશે

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉજવણીની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા કક્ષાનું સ્વતંત્રતા પર્વ લાલન કોલેજના ગ્રાઉન્ડ ભુજ ખાતે યોજવામાં આવશે, જેની પૂર્વ તૈયારી માટેની બેઠક કલેકટર કચેરી, ભુજ ખાતે કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં ગ્રાઉન્ડની સફાઇ, મંડપ, સ્ટેજ, ડેકોરેશન, રોશની, સાઉન્ડ સિસ્ટમ વગેરે બાબતો અંગે જરૂરી કામગીરી કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી હતી. તો પોલીસ સંબંધિત કામગીરી તેમજ પરેડ નિરીક્ષણ વગેરે અંગે તૈયારીઓ માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને જણાવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા રમત-ગમત અધિકારીને સૂચન કર્યુ હતું. આ ઉપરાંત મંત્રીની સ્પિચ તૈયાર કરવા માટે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે તમામ જાહેરાત માટે ડિઝાઈન અંગે પણ માહિતી વિભાગને પૃચ્છા કરી હતી. તથા ભુજ નગરપાલિકાને શહેરની સફાઇ અંગે સૂચના આપી હતી. વધુમાં તેમણે દરેક વિભાગ પાસેથી સન્માન માટે વિશેષ પ્રદર્શન કરેલું હોય એવા વધુમાં વધુ ત્રણ વ્યકિતઓના નામ આપવા માટે જણાવ્યું હતું.

આ તકે અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...