ફરિયાદ:કચ્છમાં RTI કરતા કોંગ્રેસી કાર્યકર મુદ્દે પક્ષમાં જ નારાજગી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાસ કર્મચારીઅોને લક્ષ્ય બનાવી માહિતી મંગાતી હોવાની ફરિયાદ
  • અાક્ષેપો પ્રતિઅાક્ષેપો બાદ યાદી બનાવવાની હિલચાલની અટકળો

કચ્છમાં કોંગ્રેસી કાર્યકરો માહિતી અધિકાર હેઠળ સરકારી કર્મચારીઅોને લક્ષ્ય બનાવી અાર.ટી.અાઈ. કરતા હોવાની પક્ષમાં જ ફરિયાદો ઉઠી હતી, જેમાં ચોક્કસ કાર્યકરો દ્વારા ચોક્કસ ઈરાદાથી અાર.ટી.અાઈ. થતી હોવાની શક્યતાના પગલે અમુક નામો ચર્ચામાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેથી પક્ષની વિચારધારાને અનુસરી જોડાયેલા પીઢ નેતાઅોમાં નારાજગી ફેલાઈ હોવાના હેવાલ છે. જોકે, સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ, સૂત્રોના જણાવ્યા મુજબ અેક પ્રકરણે અાક્ષેપ પ્રતિઅાક્ષેપોમાં કાર્યકરો સામસામે અાવી ગયા હતા.

સરકારી કચેરીઅોમાં સામાન્ય નાગરિકોને અેમના કામની સ્થિતિ જાણવામાં પણ પરસેવો વળી જતો હતો. જે બાદ રાઈટ ટુ ઈન્ફોર્મેશનના કાયદાથી લોકોને રાહત થઈ હતી અને સરકારી કર્મચારીઅો પણ અંકુશમાં અાવી ગયા હતા. જોકે, ત્યારબાદ સમયમર્યાદાની છટકબારી અને સંતોષકારક જવાબ ન મળે તો અપીલમાં જવાની જોગવાઈમાં સારો અેવો સમય પસાર થવા લાગ્યો છે, જેથી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા નાગરિકો અે ઝંઝટથી દૂર રહેવા લાગ્યા હતા.

પરંતુ, છેલ્લા કેટલાક સમયથી ખાસ અાર.ટી.અાઈ.ની પ્રવૃત્તિથી જ ચોક્કસ કર્મચારીઅોને લક્ષ્ય બનાવવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષમાં ઉઠી હતી, જેમાં અેક સમય જિલ્લા પંચાયતમાં પદાધિકારી રહી ચૂકેલા પીઢનેતાઅે અાવી પ્રવૃત્તિ સામે અણગમો વ્યક્ત કર્યો હતો. તેમણે પક્ષની વિચારધારાને અનુસરી લોકોના હિતમાં કામગીરી ઉપર ભાર મૂક્યો હતો.

પરંતુ, અંગત રાગદ્વેષથી કોઈને હેરાન કરવાના ઈરાદાથી થતી અાર.ટી.અાઈ.ની પ્રવૃત્તિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, અાર.ટી.અાઈ. કરતી વ્યક્તિઅે સીનીયર નેતાની મર્યાદા રાખ્યા વિના પ્રતિઅાક્ષેપો કર્યા હતા, જેથી અાર.ટી.અાઈ.ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોંગ્રેસના કાર્યકરોની જિલ્લા સ્તરે યાદી તૈયાર થઈ રહ્યાની વાતો પણ બહાર અાવી હતી. જોકે, જિલ્લા કોંગ્રેસ પ્રવકતા દિનેશ ડાંગરે અેવી યાદી તૈયાર થઈ રહ્યા બાબતે અજાણતા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...