પ્રવાસીની ફરિયાદ:કચ્છ એક્સપ્રેસના એલએચબી ફર્સ્ટ એસી કોચના ટોયલેટમાં પણ ગંદકી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘા ભાડા છતાં પ્રાથમિક સવલતો જ નથી : પ્રવાસીની ફરિયાદ
  • રેલવેએ એકબીજાને ખો આપી, અંતે માંડ ફરિયાદ પ્રત્યે ધ્યાન અપાયું

કચ્છથી મુંબઇની ટ્રેનોમાં ઘણી વખત સફાઈ બાબતનો પ્રશ્ન ચર્ચામાં રહ્યો છે ત્યારે હવે તો કચ્છ એક્સપ્રેસમાં નવા એલએચબી અદ્યતન કોચ આવી ગયા છે જેથી ફરિયાદોનો અવકાશ રહેવો જોઈએ નહીં પરંતુ રેલવે અને ગંદકીનો પ્રશ્ન એકબીજાનો પીછો મુકવા માંગતા નથી જેથી કચ્છ એક્સપ્રેસમાં નવા કોચ હોવા છતાં સમસ્યાએ માઝા મૂકી છે.આ બાબતે પ્રવાસીએ વેસ્ટર્ન રેલવેમાં ફરિયાદ કરતા તેના નિકાલના બદલે એકબીજાને ખો આપવામાં આવી હતી અને આ ખો આપવાના ચક્કરમાં મુંબઈ રેલવેએ ભાંગરો વાટયો હતો.

ભુજ -બાંદ્રા ટ્રેનમાં ફર્સ્ટ કલાસ સ્લીપર કોચમાં મુસાફરી કરનારા એક પ્રવાસીએ આ બાબતે ટ્વીટરમાં પશ્ચિમ રેલવેને ફરિયાદ કરી હતી જેમાં જણાવાયું કે,આ ટ્રેનમાં ફર્સ્ટ કલાસ સ્લીપર કોચમાં પણ અસુવિધા જોવા મળી રહી છે જેમાં શૌચાલય સારી સ્થિતિમાં નથી, સાબુ રાખવાનું સ્ટેન્ડ તૂટી ગયું છે, ફ્લશ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી આ દ્રશ્યો જોતા અમને એવું લાગતું નથી કે,આપણે ફર્સ્ટ કલાસ એસીમાં સવારી કરીએ છીએ.

પ્રવાસીની ફરિયાદ ધ્યાને આવતા ટ્વીટર પર તરત જ વેસ્ટર્ન રેલવેએ આ બાબતે અમદાવાદ ડીઆરએમને ઘટતું કરવા જણાવાયું,અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજરે આ બનાવ અંગે મુંબઈ સેન્ટ્રલના ડિવિઝનલ રેલવે મેનેજરને જરૂરી કાર્યવાહી માટે જાણ કરી.પરંતુ હવે જોવા જેવું થયું એક તો એકબીજાને ખો અપાયો અને છેલ્લે મુંબઈ રેલવેએ બે ટ્વીટર એકાઉન્ટના ધારકને આ મુદામાં કંઈક કરવા સૂચના અપાઈ પણ તેમાંથી એક ટ્વીટર એકાઉન્ટ તો બે વર્ષથી બંધ છે જ્યારે બીજું કોઈ ત્રાહિત વ્યકતીનું છે આ બંને એકાઉન્ટ એવા છે

જેનો રેલવે સાથે કોઇ સબંધ જ નથી જેથી કહી શકાય કે તંત્ર કેટલું ખાડે ગયું છે.જો 2500 થી 3 હજાર રૂપિયાની ટીકીટ વાળા ફર્સ્ટ કલાસ એસી કોચમાં જ આવી અસુવિધાઓ હોય તો અન્ય ડબ્બામાં કેવી સુવિધા હશે.રેલવે વિભાગ દિન પ્રતિદિન ખાડે જઈ રહ્યું છે એક તો નવી અને હયાત ટ્રેનો શરૂ કરવામાં આવતી નથી બીજી તરફ જે ટ્રેનો દોડે છે તેમાં પ્રવાસીઓ પાસેથી દોઢ ગણા ભાવ લઈ સુવિધાના નામે મીંડું આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...