તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલીના ભેદ-ભરમ !:કલેક્ટરની 10 દિવસમાં જ પરસ્પર બદલીના ભેદ-ભરમ !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભાવના 2 : વિશાળ સરહદી જિલ્લાની એજન્સીઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કરેલા ઉત્કૃષ્ટ સંકલનના કારણે તરત પરત મૂકાયા
  • સંભાવના 1 : સત્તાધારી ભાજપના પદાધિકારીઅોની છૂપી મુરાદો અને આંતરિક હુંસાતુસી થકી ખેલાયો બદલીનો ખેલ !
  • પ્રવીણા ડી.કે. અને સુજલ મયાત્રાની બદલીનો હુકમ રિવર્સ કરાયો
  • સરકારે રમેલી કલેક્ટર-કલેક્ટરની રમતથી કચ્છીઓમાં આશ્ચર્ય

કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.ની પંચમહાલ બદલી કરાઇ હતી અને તેમના સ્થાને છોટા ઉદેપુરથી સુજલ મયાત્રાને કચ્છના કલેક્ટર તરીકે મુકાયાના 10 દિવસમાં જ રદ થયેલી બદલીનો મુદ્દો ન માત્ર કચ્છમાં પણ ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને પ્રવીણા ડી.કે.ને ફરીથી કચ્છના કલેક્ટર અને સુજલ મયાત્રાને પંચમહાલના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.

અા બંને અધિકારીઓની બદલી બાદ સુજલ મયાત્રાઅે તો હજુ ચાર જ દિવસ પહેલા કચ્છનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યાં તા.28-6, સોમવારે બંનેની બદલીનો હુકમ રાજ્ય સરકારે કરતાં કચ્છી માડુઓ અાશ્ચર્યમાં ગરકાવ થયા છે. ન માત્ર સોશિયલ મીડિયા પરંતુ ઓફિસોમાં, ઘરમાં અને ગામડાઓમાં પણ દિવસભર તર્ક-વિતર્ક ફેલાયા હતા. કચ્છના મહેસૂલી ઇતિહાસમાં પ્રથમ વખત કલેક્ટરની 10 દિવસમાં પુન: નિયુક્તિના આ મુદ્દે બે પ્રબળ સંભાવનાઓ સપાટી પર અાવી હતી.

તેમાં સત્તા પક્ષ ભાજપના આગેવાનોના હિત-સહિત જૂથબંધી જેવા મુદ્દાઅો મુખ્ય હતા. જયારે બીજી શક્યતા પ્રમાણે દેશના સાૈથી મોટા અને સીમાવર્તી કચ્છ જિલ્લામાં કાર્યરત કેન્દ્ર-રાજ્યની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઅો વચ્ચેના સંકલનમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પ્રવીણા ડી.કે.એ મહત્વની ભૂમિકા ભજવી હોવાથી તેમને કચ્છમાં પરત મોકલાયા છે. જો કે, એક પણ સંભાવનાની સત્તાવાર પુષ્ટી શક્ય બની ન હતી.

અમુક સૂત્રોના કહેવા પ્રમાણે દેશના સાૈથી મોટા સરહદી જિલ્લાની કમાન સંભાળી રહેલા પ્રવીણા ડી.કે. જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર તથા સુરક્ષા એજન્સીઓના સંકલનમાં ઘણી જ નોંધપાત્ર કામગીરી કરી હતી. તેને ધ્યાને લઇને કેન્દ્રમાંથી તેમને કચ્છમાંથી નહીં બદલવા સુચના આવતાં 10 દિવસમાં તેમની બદલી રદ કરાઇ છે. અલબત્ત આ વાતની સ્વાભાવિક રીતે સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

શું કહે છે કચ્છના સત્તા પક્ષના પાંચ ધારાસભ્યો
સત્તાપક્ષના ધારાસભ્યોની ફાઇલો અટકી પડી હોવાથી નવા કલેક્ટર મયાત્રાની બદલી કરી ફરીથી પ્રવીણા ડી.કે.ને પરત મુકાયા હોવાની અટકળો સાથેની અફવા દિવસ દરમ્યાન વહેતી થઇ હતી. જો કે, આ મુદ્દે ભાસ્કરે પાંચેય ધારાસભ્યોનો સંપર્ક કરતાં તેઅોઅે સ્વાભાવિક રીતે આ વાતને ખોટી ઠેરવી આ મુજબ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

  • વાસણ આહીર : વહીવટી કારણોસર જ બદલી થઇ છે, બીજું કોઇ કારણ નથી.
  • ડો. નિમાબેન આચાર્ય: મને ખબર નથી, હું ગાંધીનગર જાહેર સાહસની વૈધાનિક સમિતિની મીટિંગમાં હતી.
  • માલતીબેન મહેશ્વરી : હું સંબંધીના લગ્ન પ્રસંગમાં મુંબઇ હતી, ગાંધીનગર ગઇ નથી અને મારા ધ્યાનમાં આવું કંઇ નથી.
  • પ્રદ્યુમનસિંહ જાડેજા : હું ગાંધીનગર ગયો જ નથી અને કયા કારણોસર બદલી થઇ તે મને ખબર નથી.
  • વીરેન્દ્રસિંહ જાડેજા : આવું કંઇ નથી, હું મુંબઇ છું અને ગાંધીનગર ગયો જ નથી.

ખોટી વાત છે, બદલીના અાદેશ દિલ્હીથી થતા હોય છે
સૂત્રોનું માનીએ તો કચ્છ ભાજપની બે જૂથ લોબી દ્વારા કલેક્ટર-કલેક્ટરની બદલીની રમત રમાઇ હોવાનું કહેવાય છે. જો કે, અચા અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે આ વાતને ખોટી ઠેરવી જણાવ્યું હતું કે, આઇ.પી.એસ., આઇ.એ.એસ. અધિકારીની બદલીના આદેશ દિલ્હીથી કેન્દ્ર સરકાર દ્વારા થતા હોય છે. પ્રવીણા ડી.કે. કલેક્ટર તરીકે હતા ત્યારે અમે બધા ખભેખભા મિલાવીને સાથે કામ કર્યું છે અને સંકલનની બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર હતા ત્યારે બદલીનો આદેશ આવ્યો હતો અને ફરીથી તેમને કચ્છ કયા કારણોસર મુક્યા તે દિલ્હી અને સરકારનો વિષય છે.

ડીઆરડીએના નિયામક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બદલાયા
ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ (સેવા)ના અડિશનલ સેક્રેટરી અશોક દવે દ્વારા તા.29-6ના 79 અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં કચ્છના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.કે. જોષીની પોરબંદરના નિવાસી અધિક કલેક્ટર તરીકે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિની બઢતી સાથે સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે બદલી કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છના નિયામક તરીકે ગાંધીનગરના નિવાસી અધિક કલેક્ટર એચ.એમ. જાડેજાને મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...