કચ્છના માથે વધુ એક કલગી:ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ બનશે, જાહેરાત બાકી; ભારત સરકારે ગત વર્ષે ડોઝિયર મૂક્યા બાદ યુનેસ્કોની ટીમે સાઇટ વિઝિટ પણ કરી

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળાવીરાની ફાઇલ તસવીર - Divya Bhaskar
ધોળાવીરાની ફાઇલ તસવીર

કચ્છના ખડીર બેટ પર અાવેલા વિશ્વ પ્રસિદ્ધ સિંધુ-સરસ્વતી સભ્યતાના મહત્વપૂર્ણ શહેર ધોળાવીરા હવે દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર બને તેવી ટૂંક સમગમાં જાહેરાત થાય તેમ છે. આ અંગે સંબંધીત અધિકારીઓએ નજીકના ભવિષ્યમાં જ આ જાહેરાત થાય તેવી શક્યતાઓ બતાવી છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર જનરલ અને ધોળાવીરાનું ઉત્ખનન કરનારા રવિન્દ્રસિંધ બિસ્ટ (આર.એન.બિસ્ટ) દ્વારા પણ આ અંગે હામી ભરવામાં અાવી છે.

યુનેસ્કો હેરિટેજ સાઇટ આપવા તૈયાર
ભારત સરકારે ગત વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું, ત્યારબાદ યુનેસ્કોની ટીમ ધોળાવીરા અાવીને સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું. યુનેકસ્કો ધોળાવીરાને હેરિટેજ સાઇટ અાપવા રાજી થતા કચ્છના નામે વધુ અેક અાંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થવા જઇ રહી છે.

1991-92માં સંશોધન કરવામાં આવ્યું હતું
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડા ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સિંધુ સભ્યતાના સાૈથી મોટા નગરોમાં સામેલ થતા ધોળાવીરા અનેક રીતે ખાસ છે. લગભગ ત્રણ દાયકા પહેલા થયેલા ઉત્ખનન કાર્ય બાદ ધોળાવીરાના અનેક રહસ્યો બહાર અાવવા લાગ્યા હતા. ડો. આર.એન. બિસ્ટ દ્વારા 1991 અને 1992માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયુ હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં અાવ્યું હતું. જેના ભાગરૂપે ચારેક માસ પહેલા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત કરી હતી. જેમાં ધોળાવીરાની અાસ-પાસ ભૂસ્તરીય મહત્વના સ્થળો કેવી રીતે વિકસાવી શકાય અને તેનું મહત્વ અાંતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે તે વિશે કહેવમાં અાવ્યું હતું.

તમામ ઔપચારિકતા પૂર્ણ થઇ ગઇ છે, જાહેરાત કરાશે

ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કરીને જગવિખ્યાત બનેલા પુરાતત્વવિદ અાર.અેસ. બિસ્ટે ભાસ્કરને જણાવ્યું હતું કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટેની તમામ અાૈપચારિકતા પૂર્ણ થઇ ગઇ છે. યુનેસ્કોઅે પણ તે માટે તૈયાર થઇ ગયું છે. અેકાદ- બે અઠવાડિયામાં તેની અાૈપચારિક જાહેરાત કરાશે. યુનેસ્કોની બેઠક બાદ ભારત સરકાર પણ સત્તાવાર જાહેરાત કરશે

ખડીરના વિકાસના હવે દ્વાર ખુલશે
ધોળાવીરા હવે જ્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થવા જઇ રહ્યું છે. ત્યારે તેને સાૈથી નજીકથી જાણનારા અને વિશ્વને અા પુરાતત્વીય શહેરથી રૂબરૂ કરાવનારા પદ્મશ્રી પુરાતત્વવીદ અાર.અેન. બિસ્ટ અા જાહેરાતથી ખૂબ જ ભાવૂક થઇ ગયા હતા. અને નેવુના દાયકામાં પોતે કેવી રીતે ધોળાવીરાના અેક પછી અેક રહસ્યોને ઉજાગર કર્યા તેની વિસ્તૃત માહિતી અાપી હતી. ધોળાવીરા અન્ય હડપ્પીય શહેરથી અનેક રીતે મહત્વપૂણ છે. વિશ્વ વિરાસત સ્થળ બનતા કચ્છ તેમજ ખડિર વૈશ્વિક નકશા પર આવી જશે અને પ્રવાસનની નવી જ તકો અહીં ઉભી થશે. આર.એન. બિસ્ટના શબ્દોમાં જાણીઅે ધોળાવીરાની વિશેષતા.

સ્ટેડિયમ, લિપિ, પાણી સંગ્રહ કરવાની રીત શહેરને બનાવે છે અનોખું
ધોળાવીરા અેક અાયોજન બદ્ધ શહેર હતું. અહીં પાણી સંગ્રહ, પુરથી બચવાના કાર્યો, સ્ટેડિયમ સહિતના સ્થળો માત્ર ધોળાવીરામાં છે. અન્ય કોઇ હડપ્પન શહેરમાં અાવી યોજના નથી. ખાસ કરીને ધોળાવીરામાં 10 અક્ષર ધરાવતુ સાઇન બોર્ડ મળી અાવ્યું છે. અા લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે. જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં અાવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોઅે પ્રવેશદ્વાર પરથી અા સાઇનબોર્ડ અેક રૂમમાં રાખી દીધું હતું. જેથી તે સુરક્ષિત મળી શક્યું છે. ધોળાવીરા પ્રારંભ, મધ્યમ અને તેના અંતના સમયનું સંપૂર્ણ બાંધકામ મળી શક્યું છે.

ધોળાવીરા અેક વૈશ્વિક વ્યાપારીક શહેર હતું
હાલ જ્યા રણ છે પણ પાંચ હજાર વર્ષ પહેલા ત્યાં સમુન્દ્ર હતું. અહીં જહાજો પણ અાવી શકતા હતા. જેના પગલે ધોળાવીરા અેક વૈશ્વિક વ્યાપારિક હબ હતું. કારણ કે ધોળાવીરાથી છેક મોસોપોટેમિયા, અારબ અને ઇરાન સુધી વેપાર થતો હતો. અહીં શંખ, તાંબુ સહિતના ઉદ્યોગો વિકસ્યા હતા. ધોળાવરીમાં અેક હજારથી વધારે વજનીય મળ્યા છે. હડપ્પાના બાકી તમામ શહેરોમાંથી મળેલા વજનીયાથી અા સંખ્યા વધારે છે. જેના પગલે ધોળાવીરા ખૂબ જ મોટુ વ્યાપારિક મથક હતું.

બાૈદ્ધ સ્તૂપ જેવા સ્મારકો
ભારતમાં બાૈદ્ધ જોવા મળે છે તેના મૂળીયા ધોળાવીરામાં છે. ધોળાવીરામાં અંદાજે પાંચેક સ્તૂપ છે. જેમાંથી બે જ શોધાયા છે. જે પણ અેક ધોળાવીરાને અનોખુ કરે છે.

ભવિષ્યમાં સંશોધનની તકો
પુરાતત્વવિદોઅે જે હેતુથી અહીં ખોદકામ કર્યું હતું તેનાથી અનેક ગણી વિશેષ શોધ અહીં થઇ છે. અહીં હજુ પણ અનેેક રહસ્યો છે. જેથી ભવિષ્યમાં સંશોધનની વિપુલ તકો છે.

ઘડૂલી સાંતલપુર માર્ગ પર માત્ર સાત કિમીનું કામ બાકી : વીજ સબસ્ટેશન માટે જમીન અપાઇ
​​​​​​ તો ધોળાવીરા વિશ્વ વિરાસત સ્થળ બનાવાની સાથે અન્ય સુવિધાઅો પણ ઝડપથી મળે તેમ છે. જેમાં ઘડૂલી સાંતલપુર માર્ગ પર માત્ર 7 કિમી જ હવે માટી કામ બાકી રહ્યું છે. તો ધોળાવીરામાં હવે નવા સબસ્ટેશન માટે જમીન મંજૂર થઇ ગઇ છે. જેના પગલે ખડીરના વિકાસના દ્વાર હવે ખુલશે.

ધોળાવીરાના પૂર્વ સરપંચ જીલુભા સોઢાઅે જણાવ્યું હતું કે, વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેરાત થવા માત્રથી ધોળાવીરાને વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત થશે. ગામ લોકોની વર્ષો જુની માંગ પૂર્ણ થઇ છે. તો બીજીબાજુ ઘડૂલી સાંતલપુરમાર્ગનુ કામ ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. ધોળાવીરાથી કાંઢવાંઢ સુધી 14 કિમીનું માટીકામ પૂર્ણ થઇ ગયું છે. તો કાઢવાંઢથી ધોળાવીરા તરફ સાત કિમીમાં કાપ થઇ ગયું છે. માત્ર સાત કિમી જેટલુ માટી કામ બાકી છે. ત્યારબાદ અા માર્ગ પર અન્ય માટીના સ્તર કરી ડામરનું કામ કરાશે. તો ખડીરમાં વીજ સમસ્યા વારંવાર થાય છે. તેથી કલેક્ટરે તાજેતરમાં જ અહીં અેક સબસ્ટેશન માટે જમીન ફાળવી છે. અામ તમામ રીતે ખડીરને ખૂબ જ મોટો ફાયદો થશે.

ધોળાવીરા જેવી સમાધી અન્ય કોઇ સ્થળે મળી નથી
બિસ્ટે જણાવ્યું હતુ કે ધોળાવીરામાંથી જે સમાધીઅો મળી છે તેવી અન્ય કોઇ સાઇટમાંથી મળી નથી. મૃતકની સમાધીમાંથી કોઇ કંકાલ કે અસ્થી મળ્યા નથી ! સમાધીમાંથી મૃતકની અન્ય સામગ્રી મળી છે. પણ ખૂદ મૃતકનો કંકાલ નથી. ધોળાવીરામાંથી અેક માત્ર હાડપિંજર મળ્યું છે. જે અેક સ્ત્રીનું છે.

અન્ય સમાચારો પણ છે...