• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Devotees Of Vighnaharta ... Do Not Be Vighna Karta, This Is The Prayer Of The Entire Masses Of Religious Leaders Of Every Sect ...

ઘરના શ્રીજીનું ઘરમાં જ વિસર્જન:વિઘ્નહર્તાના ભક્તો... વિઘ્નકર્તા ના બનો, દરેક સંપ્રદાયના ધર્મગુરુઓની સમગ્ર જનતાને આ પ્રાર્થના છે...

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘અત્યારે તનથી નહિ પરંતુ મનથી ભેગા થવું તે જ સાચી ઉજવણી છે, ભક્તિ કરવા જતાં ભોગ ન બની જવાય અને શોખ શોકમાં ના પરિણમે તે પ્રાર્થના’

કોરોના મહામારીમાં હાલ ચોમેર ગણેશ મહોત્સવની સાદગીથી ઉજવણી થઇ રહી છે ત્યારે દર વર્ષની જેમ જાહેર વિસર્જન ન થાય, લોકો એકઠા ન થાય અને સંક્રમણ ન ફેલાય, ગણેશ મૂર્તિ પણ ખંડિત ન થાય અને પર્યાવરણની પણ રક્ષા કરી શકાય તે માટે ‘દિવ્ય ભાસ્કરે’ ટોચના ધર્મગુરુઓને એક જ પ્લેટફોર્મ પર સન્મુખ કરી ભાવિકોને ઘરમાં જ ગણેશમૂર્તિ વિસર્જન કરવા અનુરોધ કર્યો છે. ધર્મગુરુઓએ કહ્યું છે કે ગણેશજી તો વિઘ્નહર્તા છે પણ આપણે વિઘ્નકર્તા ન બનીએ તે જોજો. અત્યારે તનથી નહિ પરંતુ મનથી ભેગા થવું તેજ સાચી ઉજવણી છે.

ભક્તિ કરવામાં ભોગ ન બનીએ, શોખ શોકમાં ન પરિણમે તે જ પ્રાર્થના
કોરોનાની મહામારીમાં ભક્તો ઘેરબેઠાં જ ગણેશજીની પૂજા-વંદના કરી રહ્યા છે તે બદલ અભિનંદન. વિશેષ વરસાદને કારણે નદી, તળાવ કે ડેમમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી કોઈ જ અકસ્માત ન સર્જાય તેની પૂરી તકેદારી રાખીએ. અત્યારે તનથી નહિ પરંતુ મનથી ભેગા થવું તે જ સાચી ઉજવણી છે. ભક્તિ કરવા જતાં ભોગ ન બની જવાય અને શોખ શોકમાં ન પરિણમે તે પ્રાર્થના.- અપૂર્વમુનિસ્વામી, (સંત નિર્દેશક, BAPS સ્વામીનારાયણ મંદિર)

ઘરમાં વિસર્જનથી તીર્થ અને પવિત્ર નદીઓનું ફળ પ્રાપ્ત થાય છે
ઘરમાં જ કોઈ પાત્રમાં જળ ભરી તીર્થ-પવિત્ર નદીઓનું સ્મરણ-પૂજન કરી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાથી એ તીર્થો અને પવિત્ર નદીઓનું ફળ આપણને મળે છે. માટે ઘરમાં રહીને લોકોને આ મહામારીથી આપણે બચાવી શકીયે છીએ. ફૂલ-હારને નદીમાં પધરાવાથી પ્રદૂષણ વધે છે. ફુલ-હારને છુટ્ટા પાડી ક્યારામાં પધરાવાથી પ્રકૃતિને પણ હરિયાળી કરવાનો આપણને અવસર મળી રહે છે.-ગો.અભિષેકલાલજી મહારાજ (શ્રીવલ્લભાશ્રય હવેલી)

જળ અને જીવ બંનેની રક્ષા કરીએ, સુરક્ષિત રહીએ
આપણી બેદરકારીથી અન્ય કોઈ કોરોના સંક્રમિત થઈને મુશ્કેલીમાં ન મુકાય એવી સાવધાની અને સાવચેતીના ભાગરૂપે મોટી સંખ્યામાં ભેગા થઈને ગણેશ વિસર્જન કરવાનો આગ્રહ ક્યારેક જોખમી સાબિત થઇ શકે છે માટે ઘરે જ ગણેશ વિસર્જન કરો જેથી જળ અને જીવ બંનેની રક્ષા અને સુરક્ષા થાય, એવી નમ્ર અપીલ અને અપેક્ષા સહ ગણેશ ઉત્સવની શુભકામના.- શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી (ભુપેન્દ્રરોડ સ્વામીનારાયણ મંદિર)

જળચર જીવને પણ નુકસાન, જીવ-પર્યાવરણનું રક્ષણ કરીએ
ઘરમાં કોઈ પાત્રમાં ગણેશ વિસર્જનનો પ્રયાસ કરીએ જેથી આપ અને આપનો પરિવાર કોરોનાથી બચી શકે અને પર્યાવરણનું રક્ષણ થાય. મૂર્તિના રંગો અને પદાર્થોથી પાણી તેમજ જળચર પ્રાણીઓ માછલી, કાચબાને નુકસાન થાય છે. આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ ઘરે વિસર્જન કરીને કરીએ.વિઘ્નહર્તા મહામારીથી સૌનું રક્ષણ કરે.- વૈષ્ણવસેવા દાસ (પ્રમુખ, ઇસ્કોન મંદિર, રાજકોટ)

સંસ્કૃતિમાં પ્રકૃતિને માતા કહી છે, તેને પ્રદૂષિત ન કરીએ
ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને મા કહી છે. અગાઉ ગણપતિ માટીના જ બનાવાતા હતા એટલે જ નદી-તળાવમાં વિસર્જન કરાતું હતું. સમય જતા પ્લાસ્ટર ઓફ પેરિસ આવ્યું અને એને પણ આપણે નદી-તળાવમાં વિસર્જિત કરી પ્રદૂષિત કરીએ છીએ. સૌને આગ્રહ છે કે ઘરમાં જ વિસર્જન કરો. જેથી પર્યાવરણની સંતુલિતતા જળવાઈ રહે.-સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (આર્ષ વિદ્યામંદિર)

કોરોના વિઘ્ન દૂર થવાની પ્રાર્થના કરીએ
ભાવિકોએ સાદગીથી ગણેશ સ્થાપના કરી છે. મુંબઈમાં ચોકલેટ ગણેશ અને માટીના ક્લે ગણેશનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે જેમાં માટીના ગણેશનું ઘરના કુંડામાં જ વિસર્જન કરી શકાય અને ચોકલેટ ગણેશનું દૂધમાં પધરાવીને તેનો પ્રસાદ ગરીબ બાળકોને આપી શકાય. આપણે પણ જોખમ ન લઈએ અને ઘરમાં જ વિસર્જન કરીએ અને ગણેશદાદાને પ્રાર્થના કરીએ, તેઓ તો વિઘ્નહર્તા છે કોરોનાનું વિઘ્ન પણ દૂર કરશે.-નિખિલેશ્વરાનંદજી સ્વામી (અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ)

અન્ય સમાચારો પણ છે...