• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Development Of Border Villages Will Be Like Towns: Home Minister Inaugurates Country's Development Festival From Amit Shah Kutch

સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમ:સરહદી ગામડાનો વિકાસ નગરો જેવો થશે: અમિત શાહ કચ્છથી ગૃહમંત્રીના હસ્તે દેશના વિકાસોત્સવનો આરંભ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જવાનો વિશ્વની મોટી તાકાતોને જવાબ આપવા સક્ષમ છે
  • ધોરડોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કચ્છ, પાટણ, બનાસકાંઠાના સરહદી ગામના સરપંચો સાથે કર્યો સંવાદ, તબક્કાવાર દેશના 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિકાસોત્સવનો અમલ થશે

સમગ્ર દેશમાં ધોરડો ખાતેથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો આરંભ કરાવતાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, આ યોજના થકી ગામડાઓનો વિકાસ નગર જેવો થશે. તબક્કાવાર દેશના 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેનો અમલ કરાશે. બીએસએફના જવાનો દુનિયાની સૌથી મોટી તાકાત સામે આંખોમાં આંખો નાખીને છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ છે.

કચ્છ, પાટણ અને બનાસકાંઠા એમ ત્રણ સરહદી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરતાં તેમણે કહ્યું કે, જવાનોની સાથે સીમાવર્તી ગામના લોકો અને જન પ્રતિનિધિઓ પણ સીમાના પ્રહરીઓ છે. સરહદના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સામાજિક ઉત્તરદાયિત્વ કેળવવાની સાથે સીમાઓને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે કચ્છની ધરતી પરથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો આરંભ કરાયો છે.

જયાં સુધી સીમા ઉપર રહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો સુરક્ષા બાબતે જાગૃત નહીં બને ત્યાં સુધી સરહદોને સાચા અર્થમાં સુરક્ષિત રાખી નહીં શકાય તેમ જણાવતાં ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે, આંતરિક સુરક્ષા જયાં સુધી મજબૂત નહી હોય ત્યાં સુધી દેશ આગળ વધી નહીં શકે. કેન્દ્ર સરકારે સીમાની સુરક્ષાઓ વધારવા માટે બજેટમાં પણ ઉતરોત્તર વધારો કર્યો છે અને વર્ષ 2020-21માં 11 હજાર કરોડની જંગી જોગવાઇ કરાઇ છે. ભાજપ સરકાર સીમાઓ પર દરેક ઘરે ઘરે વીજળી, મકાન, શૌચાલય, ગેસનો ચૂલો અને 5 લાખની સ્વાસ્થ સુરક્ષા પહોંચાડવાનું કામ કરી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, કચ્છમાં થે દુનિયાનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક સરહદી વિસ્તાર ઉપર શરૂ થવા જઇ રહયો છે. આ ઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા માટેના પ્લાન્ટનું કામ પણ હાથ ધરાયું છે, જે પૂર્ણ થતાં આ વિસ્તાર માટે પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જશે. તેમણે ગામડાઓના સર્વાગી વિકાસ સાથે સીમાઓને વધુ સુરક્ષિત બનાવવાની નેમ વ્યકત કરી હતી.

કેન્દ્રિય કૃષિ, ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સીમાવર્તી રાજયોમાં વિકાસ કામોને ઐતિહાસિક ગણાવતાં વડા પ્રધાન મોદીએ વર્ષ ૨૦૨ર સુધીમાં તમામ ગરીબોને ઘરના ઘરનું સપનું પૂર્ણ કરીને આવાસા સુવિધા ઉપલબ્ધ બને તે માટેનું કાર્ય આરંભ્યુ છે તેમ જણાવ્યું હતું.

મુખ્યસચિવશ્રી ડો. અનિલ મુકિમે જણાવ્યુ હતુ કે, સરહદ વિસ્તારના વિકાસ કામોનો વિકાસોત્સવ કાર્યક્રમ રાજયમાં પ્રથમવાર યોજાઈ રહયો છે. જે ગૌરવની વાત છે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાનીંગ કાર્યક્રમ હેઠળ કચ્છ, બનાસકાઠા અને પાટણ જિલ્લાના ૧૫૮ ગામોમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ સુવિધા, પીવાના પાણી સહિત સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

આ તકે બી.એસ.એફ. ના ડી.જી.પી. રાકેશ અસ્થાના દ્વારા બી.એસ.એફ.ની કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતુ. કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિવિધ ગામોના સરપંચોએ તેમના ગામ – વિસ્તારમાં ‘‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’’ અંતર્ગત હાથ ધરાયેલા વિકાસ કામોનો ઉલ્લેખ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગુજરાત પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓને સ્પેશ્યલ ઓપરેશન મેડલ આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સમાજ કલ્યાણ રાજય મંત્રી વાસણભાઈ આહિર, યુનિયન હોમ સેક્રેટરી અજયકુમાર ભલ્લા, ઈન્ટેલીજન્સ બ્યુરોના ડાયરેકટર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી કે. કે. નિરાલા, ડીજીપી આશિષ ભાટીયા, સાંસદ વિનોદ ચાવડા, પરબત પટેલ, ભરતસિંહ ઠાકોર, ધારાસભ્યો નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કલેકટર પ્રવિણા ડી. કે. સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા.

કોરોના વચ્ચે પર્વો સલામતી સાથે ઉજવીએ
ગૃહમંત્રીએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવતાં કહયું કે, આવનારા તહેવારો સંપૂર્ણ સાવધાની અને તકેદારી સાથે ઉજવવાના છે કેમ કે હજુ કોરોના ગયો નથી. તેમણે ઉમેર્યુ કે, કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક વિપક્ષી રાજકીય દળોએ સહયોગ આપવાના બદલે રાજકીય નિવેદનો કર્યા અને જુઠાણા ફેલાવીને દેશને બદનામ કરવાના પ્રયાસો કર્યા તે સમયે પણ દેશવાસીઓએ જે સહયોગ આપ્યો છે. જેના પરિણામે આપણે બચી શકયા છીએ.

ક્યારેય ન ભૂલાય તેવા ભૂકંપ બાદ કચ્છનો વિકાસ જોઇને સંતોષ અને આનંદ થાય છે
ભૂકંપના બીજા જ દિવસે હું કચ્છમાં હતો તેમ કહેતાં ગૃહમંત્રીએ ગોઝારા દિવસો અને તેનો નઝારો ક્યારેય નહિ ભૂલાય તેમ કહ્યું હતું. વિનાશક તાંડવ સમયે કચ્છ બેઠું થશે કે કેમ તેવો સવાલ સૌના મનમાં હતો પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશીના પરિણામે આજે કચ્છ બેઠું થયું છે અને ઉદ્યો, ધંધા, રોજગાર પુનઃ ધબકતાં થયાં છે. કચ્છના રણોત્સવ અને ધોરડો ટેન્ટસિટિ આજે વિશ્વ ફલક પર આવી ગયા છે. જેના પરિણામે દેશ-વિદેશના પર્યટકો કચ્છની મુલાકાતે આવી રહયા છે. આજે વિકસેલા કચ્છને જોઇને સંતોષ અને આનંદની લાગણી થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...