ત્રિ-દિવસીય અધિવેશન:ધોરડો ટેન્ટસિટી ખાતે દેશભરના ગાયનેકોલોજિસ્ટની ડેસ્ટિનેશન કોન્ફરન્સ યોજાઈ, સ્ત્રી રોગ નિષ્ણાંતોને પડતી મુશ્કેલી, માતા તથા શિશુના મૃત્યુદર ઘટાડવા ચર્ચા

ભુજ6 દિવસ પહેલા
  • કચ્છના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ગોપાલ હિરાણીની ઓલ ગુજરાત ગાયનેક સોસાયટીના પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઈ
  • દેશભરના 600થી વધુ સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરો જોડાયા

સફેદ રણમાં ધોરડો ટેન્ટસિટી ખાતે પ્રથમ વખત સમગ્ર દેશના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરની ઐતિહાસિક ડેસ્ટિનેશન કોન્ફરન્સ યોજાઈ હતી. આ તબક્કે SOGOG-ઓલ ગુજરાત ગાયનેક સોસાયટીના પ્રમુખપદે કચ્છના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ગોપાલ હિરાણીની નિયુક્તિ કરાઈ હતી.

રણના ટેન્ટસિટીમાં તારીખ 19, 20 અને 21 સુધી ત્રિ-દિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના 600થી વધુ સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરો જોડાયા હતા. ટેન્ટસિટી ખાતે યોજાયેલા આ અધિવેશનમાં સ્ત્રીરોગ મુદ્દે ડોક્ટરોને પડતી સમસ્યાઓ અને તેનું આધુનિક સમયમાં ટેકનોલોજીના માધ્યમથી નિવારણ, પ્રસૂતિ દરમિયાન પણ પડતી સમસ્યાઓ કઈ રીતે નિવારી શકાય અને માતા-શિશુ મૃત્યુદર ઘટાડવા સાથે જ ડોક્ટરમાં આંતરિક સંગઠન ભાવના વિકસાવીને કઈ રીતે સમાજોપયોગી વધુ સક્ષમતાથી કાર્ય કરી શકાય તે સહિતના મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ડોકટરોનું ઉત્સાહવર્ધન કર્યું હતું. ડોક્ટર્સ અને સરકાર કઈ રીતે સામંજસ્યથી કાર્ય કરી શકે તે વિશે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.

અધિવેશન દરમિયાન દેશભરમાંથી આવેલા ડોક્ટરોએ સફેદરણ અને ટેન્ટસિટીની મજા માણી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જ કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો આનંદ મેળવ્યો હતો.

ગુજરાતમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરોની વિવિધ 20થી વધુ સંસ્થાઓનું મુખ્ય માળખું SOGOG થી ઓળખાય છે. સ્ટેટ ઓર્ગેનાઇઝેશન ઓફ ગાયનેકોલોજિસ્ટ્સ ઓફ ગુજરાત. જેના પ્રમુખ ડો.ગોપાલ હિરાણીએ જણાવ્યું કે, ભુજ જેવા નાના શહેરને રાજ્યભરની મોટી જવાબદારી અપાઈ તે મારુ સૌભાગ્ય છે. કોરોના સમયમાં અમે વર્ચ્યુઅલ કોન્ફરન્સો યોજી હતી.

પ્રથમ વખત આ પ્રકારે રૂબરૂ અધિવેશન યોજાયું હતું. અદ્યતન સુવિધા સાથે છેવાડાના લોકો સુધી પહોંચવાનો નીર્ધાર કર્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કરી કહ્યું કે, આ કોન્ફરસનની થીમ જ basic to excellence-'પ્રાથમિકતા થી વિશિષ્ટતાની સફર' રખાઈ હતી. તે મુદ્દે ભવિષ્યમાં સંસ્થા વધુ નિર્ણાયકતાથી કાર્ય કરશે.

44મી ઓલ ગુજરાત કોન્ફ્રન્સનું પ્રથમ વખત ડેસ્ટિનેશન પર આયોજન કરાયું હતું. સૉગોગનાં ભૂતપૂર્વ પ્રમુખ ડો.મીનાક્ષી પટેલે જણાવ્યું કે, ગર્ભસ્થ શિશુઓને ખોડખાંપણથી બચાવવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી.

જોઈન્ટ સેક્રેટરી ડો.એમ.સી.પટેલે જણાવ્યું કે, માતા મૃત્યુદર ભૂતકાળમાં 1000 માંથી 300 હતો. જે આધુનિક ઉપકરણો અને સારવારથી ગુજરાતમાં 74 સુધી પહોંચ્યો છે. આવનારા સમયમાં સરકારના માર્ગદર્શન હેઠળ, એનજીઓ અને ડોક્ટરોના સંયુક્ત પ્રયાસોથી 2030 સુધીમાં તેને વધુ ઘટાડવા પ્રયાસો હાથ ધરાશે. ડો.દીપેશ ધોળકિયા અને ડો.હેમંત ભટ્ટ સહિત રાજ્યની કમિટીના હોદ્દેદાર ડોકટરોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.માધવ હિરાણી, ડો.ચંદ્રકાન્ત ઠક્કર, ડો.ભાવિક ખત્રી, ડો.નિર્મલા શર્મા, ડો.સુરભી વેગડ, ડો.રાજેશ મેવાડા, ડો.પુનિત ખત્રી, ડો.દેવેન જોગલ અને ડો.દર્શક મેહતા સહિતના હોદ્દેદારોએ અધિવેશનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...