સમસ્યા:કચ્છનાં 7 ગામોમાં ટેન્કરરાજ છતાં કેન્દ્રીય મંત્રીએ કચ્છની પાણી વ્યવસ્થા વખાણી !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બન્ની-ખાવડા અને રાપરના ગામોમાં પાણી પુરવઠા સતાવાર ધોરણે ટેન્કરથી આપે છે પાણી

સરહદી કચ્છ જિલ્લામાં મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે,શિયાળો,ઉનાળો હોય કે ચોમાસુ પાણીની સમસ્યા આ જિલ્લામાં રહે જ છે.નર્મદા પર આધારિત કચ્છ જિલ્લામાં ક્યારેક નર્મદા લાઈનમાં ભંગાણ સર્જાય તો લોકોને તરસ્યા રહેવાનો વારો આવે છે આવા સમયે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે કચ્છને ટાંકીને એક વિડિઓ ટ્વીટમાં પોસ્ટ કર્યો છે જેમાં જણાવ્યું કે,કચ્છથી શરૂ થયેલી જળ જીવન મિશનની યાત્રામાં આજે દેશના 25 કરોડ લોકોને પાણી મળી રહ્યું છે.આ વિડિઓ દર્શાવાયું છે કે,અગાઉ જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા હતી જોકે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ લોકોને ઘરોધર પાણી મળી રહ્યું છે.

આ ટ્વીટના દાવા વચ્ચે વાસ્તવિકતા પર એક નજર કરીએ તો આજની તારીખે પણ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભુજના ધ્રોબાણા, ડુમાડો, કોટાય,કુરન અને ઉધમો તેમજ રાપરના સાંય અને સોમાણી વાંઢમાં ટેન્કર વડે પાણીના ફેરા કરવામાં આવે છે ભુજ તાલુકામાં 20 અને રાપરમાં 5 ફેરા થાય છે.આ તો સતાવાર વાત થઈ પણ આજેય ઘણા ખરા ગામોમાં નિયમિત પાણી ન આવતું હોવાથી લોકો ટેન્કર મંગાવે છે અથવા ખુદ ગ્રામ પંચાયત ટેન્કર દ્વારા પાણી આપે છે.શહેરોમાં તો પાણીની સમસ્યા કદી ઉકેલાઈ જ નથી.

આજે પણ ભુજ,અંજાર,ગાંધીધામ સહિતના મુખ્ય શહેરોમાં ચૂંટણી લડવા માટે મુખ્ય મુદ્દો પાણીની સમસ્યાનો જ રહ્યો છે.પાછલા ઘણા વર્ષોથી જિલ્લામાં થયેલા સુધારાઓને કારણે અગાઉની સ્થિતિએ જળ સમસ્યામાં આંશિક રાહત મળી છે પણ જિલ્લો સમસ્યામુક્ત બન્યો નથી જે હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...