તા.14-4, અાંબેડકર જયંતીના દિવસે નવી પેન્શન યોજના બંધ કરી, જૂની પેન્શન યોજના શરૂ કરવાની માગ સાથે કચ્છના તમામ વિધાનસભા મથકોઅે દેખાવો સાથે ધારાસભ્યોને અાવેદન અપાશે. સયુંકત મોરચાના રાજ્યના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી કિરીટસિંહ ચાવડા દ્વારા અપાયેલા એલાનના પગલે કર્મચારીઓએ સમગ્ર રાજ્યમાં પ્રથમ તબક્કામાં ફરજ પરના સ્થળે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે બીજા તબક્કાનો આંદોલન છેડાયો છે, જેમાં 14 એપ્રિલ ડો.આંબેડકર જયંતિના રોજ પેન્શન બંધારણ અધિકાર દિવસ મનાવવાનું નક્કી કરાયું છે.
આ દિવસે તમામ વિધાનસભા તથા તાલુકા મથકોએ બહોળી સંખ્યામાં તમામ કેડરના કર્મચારીઓ એકત્ર થઇ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સામૂહિક રીતે પેન્શન યોજના માટેના સંકલ્પો લેશે. આ સાથે કર્મચારી મોરચાના આગેવાનો આ અંગે જે તે વિસ્તારના ધારાસભ્યોને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ બુલંદ બનાવશે. આયોજનને આખરી ઓપ અપાઈ ગયો હોવાનું જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજાઅે જણાવ્યું હતું.
મોરચાના જિલ્લા મીડિયા કનવિનર અને રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્યના કર્મચારીઓના વિવિધ મુખ્ય 6 પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી, ફિક્સ પગારનો કેસ સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા બંધ કરવી, તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષે આપવા સહિતના પ્રશ્ને આ રાજ્યવ્યાપી આંદોલન છેડાયું છે. કચ્છ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, આચાર્ય સંઘ, તલાટી મંડળ, સહિતના 23થી વધુ મંડળો આ લડતમાં જોડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.