ધરણા:મુન્દ્રા પાસેની જિન્દાલ સો પાઇપ કંપની સામે રોજગારી સહિતના મુદ્દે ફરી લોકોના ધરણા-પ્રદર્શન

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપની દ્વારા સ્વીકારવામાં આવેલી માંગ પર અમલવારી ના થતા ફરી ધરણાં શરૂ કરાયા
  • ત્રણ માસ પૂર્વે પણ કરાયું હતું જલદ આંદોલન

મુન્દ્રા પાસેના નાના કપાયા સ્થિત આવેલી જિન્દાલ સો પાઇપ કંપની વિરુદ્ધ સ્થાનિક ગ્રામજનો દ્વારા રોજગારી સહિતની માંગ પૂરી કરવાના હેતુથી છેલ્લા ત્રણ દિવસથી ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત નાના કપાયાના 10થી 12 જેટલા ગ્રામજનો એકમ સામે બેસી પોતાની માંગ રજૂ કરી રહ્યા છે.

મુંદ્રાના નાના કપાયા પાસેની જિન્દાલ સો પાઇપ લિમિટેડ કંપની સામે આજથી 3 મહીના અગાઉ પણ વિવિધ માંગો સાથે લોકો ધરણા પર બેઠા હતા અને તેમાંના એક પ્રદર્શનકારીની આંદોલન દરમિયાન તબિયત કથળી પડતા તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યા હતા. ત્યારે વિરોધનો સૂર પ્રબળ બનતો જોઈને તત્કાલીન સમયે એકમ દ્વારા ધરણાં પર બેઠેલા આગેવાનોની માંગો શરતોને આધીન સ્વીકારવામાં આવી હતી. એ વાતને આજે 3 માસનો સમય વીતી ગયા બાદ પણ માંગણીઓ પ્રત્યે અમલવારી ના થતા આ કંપની સામે સ્થાનિક લોકો દ્વારા ફરી ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. ધરણામાં સ્થાનિક કામદારોનો કંપની કાયમી પગારદાર તરીકે સમાવેશ કરે, સ્થાનિક રોજગારી માટે યુવાનોને કામ આપે જેવી અનેક માંગો કરવામાં આવી રહી છે.

દરમિયાન ધરણા સ્થળે અગ્રણી લખન ધુવા, મયુર બડિયા તથા લાલજીભાઈ મહેશ્વરીએ રૂબરુ મુલાકાત લીધી હતી. તેમજ કંપની સામે રોજગારીના મુદ્દે બહુજન આર્મી દ્વારા ધરણાને સમર્થન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ધરણાં કર્તાઓએ કહ્યું હતું કે જો વહેલી તકે માંગ નહી સ્વીકારાય તો સ્થાનિકોને સાથે રાખી ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...