કોઈપણ શહેરની વસ્તીમાં વધારો થાય એટલે સ્વાભાવિક જ રહેણાંકની માંગ વધે. ભુજ એક સમયે પાંચ નાકાની અંદર હતું તે છેલ્લા ચાર દાયકામાં નાકા બહાર અનેકગણું વઘ્યું છે. સૌ પ્રથમ કોલોનીઓ અસ્તિત્વમાં આવી, જેના ભાવ પ્રતિ મીટર એક હજાર હતા તે આજે લાખમાં પહોંચ્યા છે. જો કે, થોડા સમયથી સુરક્ષા અને માળખાકીય સુવિધાઓ સભર પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે તેને કારણે નજીકની સોસાયટીમાં ભાવ નીચા આવ્યા છે. ઉપરાંત પાણી, ગટર જેવી સમસ્યાઓ પણ કારણભૂત બની છે.
જિલ્લા મથક ભુજમાં અનેક સરકારી મુખ્ય કચેરીઓ, કંપનીની ઓફિસ અને પશ્ચિમ કચ્છના તાલુકામાંથી સ્થળાંતરિત વેપારીઓને કારણે ધીરે ધીરે શહેર વિસ્તરતું ગયું. મકાનની અછત ઊભી થતા કોલોનીઓ અને હવે રેસીડેન્સી અસ્તિત્વમાં આવી. બે દાયકા કે તેનાથી વધુ જૂની વસાહત હવે પાણી અને ગટર વ્યવસ્થાની દુરસ્ત હાલતને કારણે અહી મકાન કે પ્લોટ ખરીદતા નથી. એટલું જ નહિ વર્ષોથી જે મકાનમાં રહેતા હોય તેવા મકાન માલિકો પણ સારા ભાવ લઈ તેમની પ્રોપર્ટી વેંચી બહાર નીકળી રહ્યા છે.
આ ઉપરાંત ઉમેદ નગર, ઓરિએન્ટ કોલોની જેવી થોડી સોસાયટી વરસાદી પાણી ભરાવાને કારણે પણ જલ્દી મકાનો નથી વેચાતા. જમીન લે વેચ વ્યવસાય સાથે જોડાયેલા એક બ્રોકરે જણાવ્યું કે, લોકોના ઘરે ઘરે બે થી ત્રણ વાહનો છે, ત્યારે ભુજથી પાંચ કે આઠ કિલોમીટર દૂર વિકસતી સોસાયટીઓ તરફ આકર્ષાયા છે. જૂની વસાહત અને જૂનું બાંધકામ પ્રાઈમ લોકેશન પર એક થી ચાર કરોડ સુધીમાં વેંચાય છે. તેની સામે પચાસથી પંચોતેર લાખ સુધીમાં પ્રોપર્ટી ખરીદી બાકીની રકમ બચત થઈ શકે.
નગરપાલિકા મુખ્ય રસ્તાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર કામ કરવામાં પણ માંડ પહોંચી વડે છે, તો સોસાયટીના રસ્તા બનાવવા માટે શક્યતા પણ પાંખી છે. જો કે, સુધરાઇ બોડીમાં જેનું વર્ચસ્વ હોય તે સફાઈ કામદારોથી કરીને પાણીના નિયમિત સપ્લાય સુધી બધું ગોઠવી લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.