કોરોના ઇફેક્ટ:કચ્છમાં પોલીસના લોકદરબારની સંખ્યામાં પણ ઘટાડો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પહેલા 393 લોકદરબારની સામે ગત વર્ષે માત્ર 96 લોકદરબાર

કચ્છમાં લોક દરબાર અને જાહેર બેઠકોની સંખ્યા પોલીસ દ્વારા ઘટાડવામાં અાવી છે ! જેની પાછળ કોરોના પણ જવાબદાર છે ! અા અંગે મળતી વિગતો મુજબ લોકોની ફરિયાદો સાંભળવા, પોલીસ અને લોકો વચ્ચે સંવાદ થાય તે હેતુથી પોલીસ દ્વારા લોક દરબાર અને જાહેર બેઠકો કરવામાં અાવતી હોય છે. જેતે પોલીસ મથકો પોતાના વિસ્તારમાં લોક દરબાર કરતા હોય છે. જેમાં સામાજીક અને રાજકીય અગ્રણીઅો, વેપારીઅો, સમાજના બુધ્ધીજીવીઅો, મહિલા સંગઠનોને બોલાવામાં અાવે છે.

અા લોક દરબાર જાહેર કાર્યક્રમ હોય છે. જેમાં કોઇપણ નાગરિક ભાગ લઇ પોતાની ફરિયાદ પોલીસ સમક્ષ જાહેરમંચ પર કરે છે. જિલ્લા સ્તરે અાઇજી દ્વારા પણ વર્ષમાં અેક વાર લોક દરબાર યોજવામાં અાવે છે. તો અેસપી પણ ક્યારેક જુદા-જુદા તાલુકામાં ઘણી વખત લોકદરબારનું અાયોજન કરતા હોય છે. અા લોકદરબારના માધ્યમથી પોલીસના ઉચ્ચ અધિકારીઅોને જમીન પરની સાચી હકિકત ખબર પડે છે. ક્યારેક પોતાના વિભાગના કર્મચારીઅોની કરતુતો પણ ખબર પડતી હોય છે.

પરંતુ છેલ્લા ત્રણેક વર્ષમાં લોકદરબાર અને જાહેર બેઠકોમાં ઘટાડો થઇ રહ્યો છે. તાજેતરમાં વિભાનસભામાં સરકારે અાપેલા અાંકડા પરથી તે સાબિત થાય છે. નવેમ્બરથી અોક્ટોબર માસના અાંકડાના અાધારે સરકારે માહિતી જાહેર કરી છે. જેમા| વર્ષ 2018-19માં કચ્છમાં અધધ 393 જાહેરબેઠકો અથવા લોકદરબાર યોજાયા હતા. જ્યારબાદ તા. 1/11/19થી તા. 31/10/20 સુધી અા અાંકડો ઘટીને 123 થઇ ગયો હતો. ત્યારબાદ અા જ સમયગાળામાં વર્ષ 2020-21માં અા અાંકડો વધુ ઘટીને માત્ર 96 થઇ ગયો હતો.

અામ કોરોનાને પગલે પોલીસના લોકદરબારના કાર્યક્રમોને અસર થઇ છે. કોરોનાકાળમાં જાહેર કાર્યક્રમો પર રોક હોવાથી લોકદરબાર સહિતના કાર્યક્રમો પર બ્રેક લાગ્યા હતાં. તે વચ્ચે પણ પોલીસે ગત વર્ષે 96 લોકદરબાર યોજ્યા છે. અા ત્રણ વર્ષમાં યોજાયેલા લોકદરબારોમાં કચ્છ પોલીસને 948 ફરિયાદો મળી હતી. જે તમામ ફરિયાદોનો પોલીસે નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...