વિદ્યુત લાઇનો બને છે વેરી:કચ્છમાં રાષ્ટ્રીય પક્ષીના મોતનો સીલસીલો જારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નલિયામાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાછળ આવેલા પીજીવીસીએલના વીજ થાંભલા પર કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. સાંજે 4.30 વાગ્યાના અરસામાં બનેલા બનાવથી જીવદયાપ્રેમીઓમાં કચવાટ ફેલાયો હતો. ઘટનાથી વાકેફ નીતિન દરજીએ વન વિભાગના અધિકારી ચુડાસમાને જાણ કરતાં બનાવ સ્થળે પહોંચી આવ્યા હતા અને પંચનામું કરીને મૃત મોરને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બનાવના પગલે રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ રાષ્ટ્રીય પક્ષીનો આવી જ રીતે ભોગ લેવાયો છે. આવી ઘટનાનું પુનરાવર્તન રોકવા વીજ કંપનીએ રબર કોટિંગ સાથેના વીજ કેબલ લગાવવા જોઇએ.

ગઢશીશામાં પવનચક્કીના વીજ વાયરે વધુ અેક ઢેલનો ભોગ લીધો
માંડવી તાલુકાના ગઢશીશામાં વધુ અેક ઢેલનો પવનચક્કીના વીજ વાયરે ભોગ લેતાં કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગઢશીશાના ચિત્રોડા ડેમની દક્ષિણ બાજુ ઓગન પાસે પવનચક્કીના વીજ વાયરમાં અથડાવાથી ઢેલનું મોત નિપજ્યું હતું. અા અંગે ભરત પંડ્યા દ્વારા વનરક્ષક પી.એમ.ગઢવીને ટેલિફોનિક જાણ કરતા તેમની ટીમ ઘટના સ્થળે દોડી અાવી હતી અને તપાસ કરતાં આ વીજલાઈન જીઇ કંપનીની હોવાનું બહાર અાવ્યું હતું. ત્યારબાદ વન વિભાગની ટીમે કંપનીના મેનેજર આહીરને વીજપ્રવાહ બંધ કરવા જણાવી, ઢેલને નીચે ઉતારી હતી. ત્યારબાદ ઢેલને પોસ્ટમોર્ટમ માટે માટે માંડવી પશુદવાખાના ખાતે લઇ લઇ આગળની કાર્યવાહી વનપાલ એસ.જે.ગુસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં અાવી હતી. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો, જીવદયાપ્રેમીઅોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વન્ય સંપદાને નુકસાન સાથે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત બદલ જવાબદાર કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...