હવામાન:ધાબડિયો માહોલ વિખેરાતાં જ કચ્છમાં દિવસનું તાપમાન વધ્યું

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ સરેરાશ 6 આંક ઉંચકાયું, મંગળવારથી ઠંડી વધશે

કચ્છમાં બે દિવસ ધાબડિયો માહોલ રહેતાં દિવસે ઠંડક પ્રસરી હતી પણ શનિવારે સૂર્ય પ્રકાશ નીકળવાની સાથે મહત્તમ તાપમાનમાં સરેરાશ 6 ડિગ્રી જેટલો વધારો થવાની સાથે ઠંડક ગાયબ જણાઇ હતી. શીત નગર નલિયામાં ન્યૂનતમ પણ 5.8 આંક જેટલું ઉંચકાતાં મોડી રાત્રે ગુલાબી ઠંડી જણાઇ હતી. મંગળવારથી ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

શુક્રવારે રાજ્યમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવનારા ભુજમાં પારો ઉંચકાઇને 29.4 ડિગ્રી થયો હતો જ્યારે લઘુતમ પણ એક આંક વધીને 20 ડિગ્રી રહ્યું હતું. 13 ડિગ્રી સાથે અવ્વલ સ્થાને ઠંડા રહેલા નલિયામાં લઘુતમ ઉંચું ચડીને 18.8 થતાં અગાઉ અનુભવાયેલી ઠંડીમાં રાહત રહી હતી. કંડલા એરપોર્ટ મથકે પણ ઉંચું ઉષ્ણતામાન 6 આંક ઉંચકાઇને 29.2 જ્યારે ન્યૂનતમ 20.5 ડિગ્રી નોંધાયું હતું. આવી જ રીતે કંડલા બંદરે પારો 6.5 જેટલો ઉંચકાઇને 29.6 જ્યારે નીચું તાપમાન 21.5 ડિગ્રી રહ્યું હતું.

મોટા ભાગના જિલ્લામાં બે દિવસે સૂર્ય પ્રકાશ નીકળતાં દિવસે અનુભવાતી ઠંડક ગાયબ થઇ જવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ મંગળવારથી ન્યૂનતમ પારો બેથી ચાર ડિગ્રી નીચો જવાની શક્યતા વ્યક્ત કરતાં હવામાન વિભાગે ફરી ઠંડી જોર પકડશે તેમ યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...