ખેડૂતોને મુશ્કેલી:સિંચાઇ માટે દિવસે વીજળી, કિસાન સૂર્યોદય યોજના પાવરપટ્ટીમાં અસ્ત

નિરોણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજનાને રૂપકડુ નામ આપીને કરાતી માત્રને માત્ર વાહવાહી
  • ખેડૂતોને જાણ કર્યા વિના દિવસનો વીજ પુરવઠો અપાતો રાત્રે

કિસાનોને સિંચાઇ માટે રાત્રિના બદલે દિવસે વીજળી અાપવાની જાહેરાત સાથે તેને કિસાન સૂર્યોદય યોજના અેવું રૂપકડુ નામ અાપીને માત્રને માત્ર વાહવાહી મેળવાઇ રહી છે અને અેકાદ મહિનામાં જ અા યોજનાનો પાવરપટ્ટી પંથકમાં અસ્ત થઇ ગયો છે.

પાવરપટ્ટી પંથકમાં અા યોજનાનું અેક માસ બાદ બાળમરણ થઇ ગયું છે. રાત્રે સિંચાઇ માટે વીજળી અપાતાં ખેડૂતોને સતત જંગલી જાનવરોનો ડર રહે છે. વધુમાં શિયાળા દરમ્યાન કાતિલ ઠંડી સહિતના પરિબળોના કારણે રાજ્ય કિસાન સંઘ દ્વારા સરકાર સમક્ષ રજૂઅાત કરીને સિંચાઇ માટે રાત્રિના બદલે દિવસે વીજળી અાપવા માગ કરાઇ હતી.

સરકારે પણ ખેડૂતલક્ષી નિર્ણય લઇને સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ અા યોજના અમલી બનાવી હતી. યોજના અંતર્ગત નિરોણા 66 કેવી સબ સ્ટેશન હેઠળ અાવતા તમામ ખેતીવાડી ફીડરને દિવસે વીજ પુરવઠો આપવાનું ચાલુ કરાયું છે. જો કે, અા પાવરપટ્ટી પંથકમાં અા યોજના હેઠળ દિવસે વીજળી અાપવાનું થોડા દિવસ સમુસૂતરું ચાલ્યું પરંતુ કિસાનોને જાણ કર્યા વગર હવે દિવસનો વીજ પુરવઠો રાત્રે આપવામાં અાવી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.

સરકારે આ યોજનાનો સંકેલો કરી લીધો ?
સૂત્રોના કહેવા મુજબ સાયક્લોન, હવામાનમાં ફેરફાર સહિતના કારણોસર સોલાર, પવનચક્કી થકી ઉત્પાદિત વીજળીમાં ઘટાડો થતાં તેમજ કોલસાની તંગીના કારણે વીજ ઉત્પાદનમાં વિક્ષેપથી વીજલોડને સંતુલીત કરવા કિસાન સૂર્યોદય યોજના બંધ કરી દેવામાં અાવી છે. અા યોજનાનું બાળમરણ થતાં ખેડૂતો રાત્રિના ઉજાગરા કરીને પિયત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...